ગાંધીનગર: ઉત્તર ગુજરાત બાદ હવે કચ્છ–સૌરાષ્ટ્ર વિસ્તારમાં રોકાણ અને ઉદ્યોગ વિકાસને નવી ગતિ આપવા માટે પીએમ નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરી, 2026ના રોજ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું ઉદ્ઘાટન કરશે. બે દિવસીય આ કોન્ફરન્સમાં દેશ-વિદેશના ઉદ્યોગકારો, રોકાણકારો અને વિવિધ દેશોની દૂતાવાસોના પ્રતિનિધિઓ ભાગ લેશે, જેમાં ઔદ્યોગિક રીતે પછાત વિસ્તારોમાં ઉદ્યોગ એકમોને પ્રોત્સાહન આપવાની સાથે મોટા પાયે રોજગારી સર્જન પર ખાસ ભાર મૂકવામાં આવશે.
રાજ્ય સરકારના બદલાતા ઔદ્યોગિકરણ રોડમેપની દિશા અને ભાવિ રોકાણ મોડલની સફળતા માટે આ કોન્ફરન્સ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. VGRC દરમિયાન ધોલેરા SIR, સિરામિક્સ, એન્જિનિયરિંગ, બંદરો અને લોજિસ્ટિક્સ, મત્સ્યોદ્યોગ, પેટ્રોકેમિકલ્સ, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ, ગ્રીન એનર્જી અને પ્રવાસન જેવા મુખ્ય ક્ષેત્રોમાં રોકાણની સંભાવનાઓ રજૂ કરવામાં આવશે. ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપે જણાવ્યું હતું કે સંતુલિત અને સર્વસમાવેશક વિકાસના અભિગમ અંતર્ગત ઉત્તર ગુજરાતના મહેસાણા ખાતે યોજાયેલી રિજનલ કોન્ફરન્સમાં રશિયા, ઇઝરાયેલ, સિંગાપુર, યુએઈ, ઓમાન, કતાર, યુગાંડા, ઇન્ડોનેશિયા, ન્યૂઝીલેન્ડ, ફિનલેન્ડ, કેનેડા અને દક્ષિણ આફ્રિકા સહિત 20 દેશના પ્રતિનિધિઓ જોડાયા હતા અને તેમાં ₹2.24 લાખ કરોડના MoU થયા હતા, જ્યારે કચ્છ–સૌરાષ્ટ્ર VGRCમાં આ કરતાં બમણાં રોકાણની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
ઉદ્યોગ વિભાગના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ બ્લુ રિવોલ્યુશન, સિવીડ ફાર્મિંગ, કચ્છ ટુરિઝમ, મરીન ફિશરીઝમાં AI આધારિત સોલ્યુશન્સ, 5G મોનિટરિંગ સિસ્ટમ્સ, મોરબીનું સિરામિક હબ, રાજકોટનું એન્જિનિયરિંગ ક્લસ્ટર, ખનિજ, ગ્રીન એનર્જી, સ્કિલ ડેવલપમેન્ટ, સ્ટાર્ટઅપ્સ, MSME તથા એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રો રોકાણ માટે મુખ્ય ફોકસમાં રહેશે. સાથે સાથે મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જેવા ઔદ્યોગિક અને વેપાર કેન્દ્રોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે.
2026માં સુરત-વડોદરામાં વધુ બે રિજનલ કોન્ફરન્સ યોજાશે, પ્રવાસન માટે દરેક જિલ્લાના 10 કરોડની ગ્રાન્ટ અપાશે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2027 પૂર્વે રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ 2026માં દક્ષિણ ગુજરાત (સુરત) અને જૂન 2026માં મધ્ય ગુજરાત (વડોદરા) ખાતે વધુ બે રિજનલ કોન્ફરન્સ યોજાશે, જેમાં કેમિકલ્સ, ટેક્સટાઇલ્સ, જ્વેલરી, સેમિકન્ડક્ટર્સ, IT, ફાર્મા, ઓટો, બાયોટેક, એરોસ્પેસ અને ડિફેન્સ જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરાશે. સાથે જ રાજ્ય સરકારે સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા દરેક 33 જિલ્લામાં જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી અને ગવર્નિંગ કાઉન્સિલની રચના કરી છે, જેને જિલ્લા કલેક્ટર અથવા મ્યુનિસિપલ કમિશનર અધ્યક્ષતા આપશે અને દરેક જિલ્લામાં ₹10 કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે, જેના કારણે ઉદ્યોગ સાથે પ્રવાસન આધારિત અર્થતંત્રને પણ નવી ગતિ મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.