ગાંધીનગર : રાજ્યમાં વાહન સ્ક્રેપીંગ (Vehicle scrapping) પોલીસીની અસરકારક અમલવારી માટે 204 ફિટનેશ સેન્ટર (Fitness Center) બનાવવાની પ્રાથમિક મંજૂરી આપવામાં આવી છે. આ ફિટનેશ સેન્ટરો માર્ચ 2023 સુધીમાં કાર્યરત થશે. આ પોલીસીમાં 15 વર્ષ જૂના કોમર્શિયલ વાહનોનું ફિટનેસ ટેસ્ટ કરાવવાની જોગવાઇ કરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યના 23 લાખ વાહનોનો સમાવેશ થાય છે. જાહેર જનતાની માલિકીના અને ખાનગી 15 વર્ષ જૂના વાહનોને સ્ક્રેપ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું નથી.
રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતુ કે, સ્ક્રેપ સેન્ટરની મંજૂરી અર્થે કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઇન સિંગલ વિન્ડો સિસ્ટમ વિકસાવવામાં આવી છે. જેના થકી રાજ્યમાં 204 ફિટનેશ સેન્ટર બનાવવાની પ્રાથમિક મંજૂરી આપવામાં આવી છે. આ ફિટનેશ સેન્ટરો માર્ચ 2023 સુધીમાં કાર્યરત થશે.
કેન્દ્ર સરકાર દ્વારા 13 ઓગસ્ટ 2021ના રોજ વાહન સ્ક્રેપીંગ પોલિસી લાગુ કરાવવામાં આવી હતી. આ પોલિસી વેસ્ટ ટુ વેલ્થ એટલે કે કચરામાંથી કંચન બનાવવાના અભિયાનને વેગ મળશે. આ ઉપરાંત આ પોલોસીના અમલથી પ્રદૂષણ પણ ઘટશે અને પર્યાવરણ જાળવવામાં પણ મદદરૂપ થશે.