નડિયાદ: ખેડા જિલ્લા ખાણ ખનિજ વિભાગ દ્વારા સમયાંતરે ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે. જોકે, ભૂમાફિયાઓ દ્વારા તેમના કેટલાક પિઠ્ઠાઓને સરકારી અધિકારીઓની રેકી કરવા માટે રોકવામાં આવ્યા છે. આ પિઠ્ઠાઓ દ્વારા સરકારી ગાડી અને સરકારી અધિકારીઓની રેકી કરીને તેમની રજેરજની માહિતી ભૂમાફીયાઓ સુધી પહોંચાડવામાં આવે છે. ખેડા જિલ્લામાં ખનિજ ચોરી કરતાં તત્વો બેફામ બન્યા છે. જિલ્લાભરમાં ખનિજ ચોરીનું મોટું નેટવર્ક ધમધમે છે. ખાણ – ખનિજ વિભાગના અધિકારીઓ સાથે ઘર્ષણના અને હુમલાના બનાવો પણ બન્યા છે. જિલ્લામાં ચાલતી ખનિજ ચોરીની કામગીરીને સમગ્ર સુવ્યવસ્થિત નેટવર્ક સાથે ચલાવવામાં આવી રહી છે.
ભૂમાફીયો દ્વારા કેટલાક ઇસમોને ખાસ અધિકારીઓ અને કર્મચારીઓની રેકી કરવા માટે રોકવામાં આવ્યા છે. આ ઇસમો નડિયાદના સરદાર ભવનથી અધિકારીઓ નીકળે ત્યારથી તેમનો પીછો કરીને, સતત ભૂમાફીયાઓને લાઇવ અપડેટ આપતાં રહે છે. જેને કારણે અનેકવાર રેઇડ કરવા નીકળેલા અધિકારીઓને કાંઇન હાથ લાગતું નથી. ખેડા, મહેમદાવાદ, નડિયાદ, ગળતેશ્વરમાં ભૂમાફીયાઓ બેફામ ખનિજ ચોરી કરે છે. અધિકારીઓ દ્વારા ક્યારેક બાતમીના આધારે દરોડો કરીને, કે વાહનોમાં ખનિજના ગેરકાયદેસર વહન દરમિયાન કાર્યવાહી કરવામાં આવે છે. તો ક્યારેક વળી કાર્યવાહી કરવા પહોંચેલી ટીમ ઉપર ભૂમાફીયાઓ કે તેમના સાગરીતો દ્વારા હુમલો પણ કરવામાં આવે છે. લાંબા સમયથી ખાણ ખનિજના અધિકારીઓની રેકી કરવામાં આવતી હોવાની ચર્ચા હતી.
ટીમ દ્વારા રાત્રિ ચેકિંગ દરમિયાન રૂ.૧.૨૦ લાખનો મુદ્દામાલ કબજે લેવાયો
ખેડા જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી મેહુલ દવેના આકસ્મિક રાત્રી ચેકીંગના આદેશ બાદ ખેડા ખાણ ખનિજ વિભાગની ક્ષેત્રીય ટીમ દ્વારા રાત્રીના સમયે ખનિજના બિન-અધિકૃત ખનન, વહન, સંગ્રહ સબબ જિલ્લાભરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમ્યાન કુલ-04 ટ્રક બિન-અધિકૃત ખનિજ વહન કરતા પકડાઇ હતી. જે પૈકી બે ટ્રક કાર્બોસેલ (કોલસો) રોયલ્ટી પાસ વિના તદ્દન બિન-અધિકૃત અને એક ટ્રક બ્લેકટ્રેપ રોયલ્ટી પાસ કરતા વધુ વહન કરતા મહેમદાવાદ- ખેડા રોડથી ઝડપી લઇ મહેમદાવાદ પોલીસ સ્ટેશન મુકવામાં આવી હતી. જ્યારે અન્ય એક ટ્રક બ્લેકટ્રેપ ખનિજનુ રોયલ્ટી પાસ કરતા વધુ વહન કરતી ખેડા-ધોળકા રોડ પરથી પકડાઇ હતી. જેને સીઝ કરી ખેડા પોલીસ સ્ટેશન ખાતે મુકી કુલ-04 વાહનો પકડી આશરે 1 કરોડ 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દંડકીય વસુલાત અંગેની કાર્યવાહી હાથ ધરી કે.કે. વ્યાસ, કે.એસ.સોની, બી.વી. સાધુ તથા સિક્યોરિટી ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.