સુરતના પાંડેસરા વિસ્તારમાં વાયરલ વીડિયોએ ઉઠાવ્યા ગંભીર સવાલો
સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એક ચોંકાવનાર વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો SMCના શાકભાજી માર્કેટનો હોવાનું કહેવાઈ રહ્યું છે, જ્યાં શાકભાજી વેચાણ કરતા વધુ સરળતાથી દારૂની બોટલો મળતી હોવાની ચર્ચા સ્થાનિકોમાં જોર પકડી રહી છે.
માહિતી મુજબ પાંડેસરા વિસ્તારમાં આવેલા આ માર્કેટમાં કેટલાક લોકો ખુલ્લેઆમ દારૂનો વેપાર કરતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આ રીતે ખુલ્લેઆમ દારૂ મળતો હોવાનો વીડિયો સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે. સ્થાનિકોનો દાવો છે કે અહીં શાકભાજી લેવા આવતા લોકો કરતા દારૂ લેવા આવતા લોકોની અવરજવર વધુ જોવા મળે છે.આ સમગ્ર મામલે કેટલાક નામોની પણ ચર્ચા થઈ રહી છે, જેમાં પિન્ટુ ઉર્ફે કૃષ્ણા, હરિશ અને નિગઘમ જેવા લોકો સંડોવાયેલા હોવાની વાતો સ્થાનિકોમાં ચર્ચાઈ રહી છે. જોકે આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી.
સ્થાનિક રહેવાસીઓનો પ્રશ્ન છે કે જો આ પ્રકારની પ્રવૃત્તિ લાંબા સમયથી ચાલી રહી હોય તો શું સંબંધિત તંત્ર અથવા પોલીસને તેની જાણ નથી? કે પછી જાણ હોવા છતાં કોઈ કારણસર કાર્યવાહી કરવામાં આવી રહી નથી?આ વીડિયો વાયરલ થતા પાંડેસરા વિસ્તારના લોકોમાં પણ ચર્ચાનો માહોલ સર્જાયો છે. લોકો માંગ કરી રહ્યા છે કે જો ખરેખર શાકભાજી માર્કેટમાં ગેરકાયદેસર રીતે દારૂ વેચાણ થઈ રહ્યું હોય તો જવાબદાર લોકો સામે કડક પગલાં લેવામાં આવે.
હવે નજર પાંડેસરા પોલીસ પર ટકેલી છે કે આ વાયરલ વીડિયોની તપાસ કરીને સત્ય બહાર લાવવામાં આવશે કે નહીં અને જો આક્ષેપો સાચા સાબિત થાય તો દારૂના આ ગેરકાયદેસર અડ્ડાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું.