એક અભ્યાસ મુજબ નવાન્નેષ્ટિ એટલે નવ ( નવું ) + અન્ન ( અનાજ ) + ઇષ્ટિ ( યજ્ઞ ) નવું અનાજ તૈયાર થતાં કરાતો યજ્ઞ. ‘નવાન્નેષ્ટિ’ એટલે શેકેલાં અનાજની અગ્નિમાં આહુતિ આપવાં કરાતો યજ્ઞ. શેકેલાં અન્નને સંસ્કૃતમાં ‘હોલાકા’ કહે છે અને આ ‘હોલાકા’ ને હિન્દીમાં ‘હોલી’ કે ‘હોળી’ કહેવાય છે.! ખેર, રેડી રેફરન્સ તરીકે કરેલા અભ્યાસ પ્રમાણે શરીરની રક્ષા માટે ધર્મ સાથે જોડી દીધેલું એક પર્વ એટલે હોળી. આ હોળી એ માત્ર છાણાં-લાકડાંનાં ઢગલાં બાળવાનો તહેવાર નથી, એ તો એની સાથે ચિત્તની દુર્બળતા દૂર કરવાનો, મનની મલિન વાસનાઓ, આપણા જીવનમાં રહીને આપણને પજવતાં રહેતાં અંત:શત્રુઓ અને ખોટા વિચારો બાળવાનો પવિત્ર દિવસ પણ છે.
ટૂંકમાં હોળીનો ઉત્સવ એ ફાગણનાં રંગોથી આપણાં જીવનનને રંગીન બનાવતો, વસંતોત્સવમાં પણ સંયમની દીક્ષા આપતો, સત્યનિષ્ઠાનો મહિમા સમજાવતો તેમજ માનવ મનમાં અને માનવ સમાજમાં રહેલી અસહ્ય પ્રવૃત્તિને બાળવાનો સંદેશ આપનારો ઉત્સવ છે. હોળીનાં ઉત્સવ પ્રસંગે આજનાં સમયને જોતાં હોળી પ્રગટાવવાની સાથે-સાથે સંસ્કારની જયોત પણ પ્રગટાવવાની ખાસ જરૂર ઉભી થઈ છે. ભવિષ્યપુરાણમાં દર્શાવ્યાં મુજબ હોળીને હોમ અને લોક સાથે સબંધ છે. હોમ એટલે યજ્ઞ અને લોક એટલે માનવ.
આમ, માનવજાતિનાં કલ્યાણ માટે કરવામાં આવેલો યજ્ઞ એટલે હોળી. હોળીની અંદર જેમ આપણે વાતાવરણની શુદ્ધિ માટે વિવિધ સામગ્રીઓ નાંખીએ છીએ તેની સાથે-સાથે આપણે આપણાં કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા જેવાં દોષોને હોમવાની ખાસ જરુર છે. આવાં દોષોને તિલાંજલિ આપીશું તો જ આપણને મનથી શાંતિ મળશે અને તો જ આપણે ખરાં અર્થમાં હોળીની ઉજવણી કરી કહેવાશે! ખેર, આ તબક્કે સામાજિક કાર્યકરો, ગામડાનાં આગેવાનો, સમાજસેવી સંસ્થાઓ, વ્યક્તિગત સંસ્થાઓ, ઉદ્યોગગૃહો, યુવકો / યુવતીઓ વગેરે કોઈ પણ જો આ સાચી વૈદિક હોળીને અનુસરશે તો એનો મુળ આશય ચોક્કસ પાર પડશે! અલબત તન ને મન સ્વસ્થ કરે આ અગન તાપ,ઊની આંચ ન આવે આ શ્રદ્ધા પ્રતાપ..!! અંતે, હોળીની અગ્નિમાં તમામ રાગ-દ્વેષ અને ઈર્ષ્યા હોમી, સોના જેમ તપી મનથી શુદ્ધ થઈને બહાર આવીયે એવી હોળી દહન પર હાર્દિક શુભેચ્છાઓ સહ…!
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.