Comments

મુંબઈ પોલીસમાંથી 2008માં રાજીનામું આપ્યા પછી સચિન વાઝે શું કરતો હતો? મહારાષ્ટ્ર સરકાર માટે સચિન વાઝે કેમ મહત્વનો?

મુંબઈની પોલીસ અસામાજિક તત્ત્વોના અડ્ડાઓ પાસેથી કરોડો રૂપિયાની ખંડણી ઉઘરાવે છે તે જગજાહેર વાત છે, પણ મુંબઈના પોલીસ કમિશનરે લેખિતમાં તે વાત સ્વીકારી હોય તેવું પહેલી વખત બન્યું છે. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની હિંમતને દાદ દેવી પડે કે તેમણે પોતાના જીવની કે કારકિર્દીની પણ પરવા કર્યા વિના આક્ષેપ કર્યો કે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી સચિન વાઝેને બિયર બારના માલિકો પાસેથી મહિને ૫૦ કરોડ રૂપિયાનો હપ્તો ઉઘરાવવા કહ્યું હતું. આ આક્ષેપ કર્યા પછી પણ અનિલ દેશમુખને રાજીનામું આપવાનું કહેવામાં નથી આવ્યું; કારણ કે જો તેમને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવે તો તેઓ આ હપ્તો કોના લાભાર્થે ઉઘરાવતા હતા તેનો ભાંડો ફોડી શકે તેમ છે. મહારાષ્ટ્રના શાસક પક્ષના રાજકારણીઓ નફ્ફટ બની ગયા છે. તેમને પોતાની ઇજ્જતની બિલકુલ પરવા નથી. નેતાઓની ઇજ્જત સાચવવા જતાં કદાચ મહારાષ્ટ્ર સરકાર જ ઉથલી પડે તેવું બની શકે છે.

મહારાષ્ટ્રના રાજકારણમાં વર્તમાનમાં જે ખળભળાટ જોવા મળી રહ્યો છે તેના કેન્દ્રમાં ૫૧ વર્ષનો આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સચિન હિંદુરાવ વાઝે છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના બંગલા બહાર વિસ્ફોટકો ભરેલી કાર મૂકવાના આરોપ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવિસે જાહેરમાં કહ્યું હતું કે સચિન વાઝે નેતાઓ વતી ખંડણી ઉઘરાવતો હતો. મુકેશ અંબાણીના બંગલા બહાર વિસ્ફોટકો ભરેલી કાર પાર્ક કરવા પાછળ પણ તેનો ઉદ્દેશ ખંડણી ઉઘરાવવાનો હતો. આ કૌભાંડ ખુલ્લું પડી જવાના ડરથી તેણે કારના માલિક મનસુખ હીરનની હત્યા કરાવી નાખી હતી. હત્યામાં સંડોવાયેલા સચિન વાઝેના બે સાગરીતો પણ પકડાઈ ગયા છે, જેમાં એક બરતરફ પોલીસ હવાલદાર પણ છે. મહારાષ્ટ્રના બીજા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નારાયણ રાણેએ ધડાકો કર્યો છે કે સચિન વાઝે ઉદ્ધવ ઠાકરેના બંગલામાં જ રહેતો હતો.

મહારાષ્ટ્રમાં જે રાજકીય ડ્રામા ભજવાઈ રહ્યો છે તેના કેન્દ્રમાં રહેલા સચિન વાઝેનું વ્યક્તિત્વ અત્યંત ભેદી અને રહસ્યપૂર્ણ છે. તેણે મુકેશ અંબાણીના બંગલા બહાર વિસ્ફોટકો પ્લાન્ટ કર્યા તે પછી તેણે તપાસકર્તાને ગેરમાર્ગે દોરવા માટે અનેક ચાલાકીઓ કરી હતી. તેમાંની એક ચાલાકી મનસુખ હીરન પાસે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પર પત્ર લખાવડાવવાની હતી. આ પત્રમાં મનસુખ હીરને ફરિયાદ કરી હતી કે તેને કેટલાક પત્રકારો અને પોલીસ અધિકારીઓ હેરાન કરી રહ્યા છે, જેમાં સચિન વાઝેનું પણ નામ હતું. જે પત્રમાં સચિન વાઝે પર આક્ષેપ કરવામાં આવ્યો હોય તે પત્ર ખુદ સચિન વાઝેએ લખાવ્યો હોય તેવી કલ્પના કોણ કરી શકે? આ પત્ર લખાવવા પાછળ સચિન વાઝેનો બીજો ઉદ્દેશ એ હોઈ શકે કે મનસુખ હીરન કોઈ ટેન્શનમાં હોય તેવું પુરવાર કરી શકાય. જ્યારે સચિન વાઝેની લાશ મળી આવી ત્યારે પહેલી થિયરી તેના આપઘાતની જ વહેતી કરવામાં આવી હતી. તેના સાંયોગિક પુરાવા તરીકે તેણે લખેલો પત્ર જ ટાંકવામાં આવ્યો હતો.

મુંબઈ પોલીસમાંથી ૨૦૦૮ માં રાજીનામું આપ્યા પછી સચિન વાઝે શું કરતો હતો? તેનો અભ્યાસ કર્યા પછી તેનાં ફળદ્રુપ ભેજાંનો ખ્યાલ આવે છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના અગાધ જ્ઞાનનો ઉપયોગ કરીને તેણે બેન્ક ફ્રોડ, સાઇબર સિક્યુરિટી, હેકિંગ વગેરે બાબતના સોફ્ટવેર વિકસાવ્યાં હતાં. તેણે સાઇબર નિષ્ણાત સંયોગ શેલારના સહયોગમાં વ્હોટ્સ એપ જેવી મેસેજિંગ એપ બનાવી હતી, જેને ડાયરેક્ટ બાત નામ આપવામાં આવ્યું હતું. સચિન વાઝેના દાવા મુજબ આ મેસેજિંગ એપ દુનિયામાં સૌથી વધુ સલામત હતી. તેનો હેતુ સરકારી ખાતાંઓને અને વીઆઇપીઓને સેવા પૂરી પાડવાનો હતો. તે મફત સેવા નહોતી પણ તેનો ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો. ડાયરેક્ટ બાત એપ ૨૦૧૮ માં લોન્ચ કરવામાં આવી હતી. તે ગુગલ પ્લેસ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકાતી હતી. સચિન વાઝેની ધરપકડ પછી ગુગલ પ્લેસ્ટોરમાંથી તેને હટાવી લેવામાં આવી છે.

ભારતના કોઈ પણ નાગરિકના નામ પરથી તેનું સરનામું, ફોન નંબર, ઇમેઇલ આઇડી વગેરે વિગતો મેળવવા માટે સચિન વાઝેએ સર્ચ એન્જિન તૈયાર કર્યું હતું, જેને ઇન્ડિયન પિપલ્સ ડિરેક્ટરી નામ આપવામાં આવ્યું હતું. ૨૦૧૦ માં તેણે મરાઠી માણસોને એકબીજા સાથે જોડવા માટે મરાઠી ફેસબુક નામની સેવા પણ શરૂ કરી હતી. માર્ક ઝુકરબર્ગના ફેસબુકની જેમ મરાઠી ફેસબુક ઉપર પણ અમર્યાદિત સંદેશા, ફોટા અને વીડિયો પોસ્ટ કરવાની સવલત આપવામાં આવતી હતી. સચિન વાઝેની ધરપકડ પછી મરાઠી ફેસબુક બંધ થઈ ગઈ છે અને મિત્રો વિખૂટા પડી ગયા છે.

મુંબઈ પર ૨૬/૧૧ નો આતંકવાદી હુમલો થયો તે બાબતમાં પણ સચિન વાઝેએ બે પુસ્તકો લખ્યાં હતાં. પહેલાં મરાઠી પુસ્તકનું નામ હતું, જિંકૂન હારલેલી લડાઇ (જીતીને હારેલું યુદ્ધ). આ પુસ્તકમાં આતંકવાદી હુમલાની અને મુંબઈ પોલીસની કાર્યવાહીની રજેરજની બાતમી આપવામાં આવી હતી. સચિન વાઝેએ બીજા પોલીસ અધિકારી શિરીષ થોરાટ સાથે મળીને મુંબઈના બોમ્બધડાકા બાબતમાં અંગ્રેજી પુસ્તક ધ સ્કાઉટ લખ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે ૨૬/૧૧ નો હુમલો તો માત્ર પ્રારંભ હતો. તેમાં આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડ ડેવિડ હેડલીની સૂક્ષ્મ વિગતો પણ આપવામાં આવી હતી. સચિન વાઝેને ૨૬/૧૧ ના હુમલા બાબતમાં વિશદ જાણકારી હતી.

પોતાના ફળદ્રુપ ભેજાનો ઉપયોગ કરીને સચિન વાઝે જે કોઈ શોધ કરતો હતો તેનો વેપારી ઉપયોગ કરવા માટે તે ટ્રેડ માર્ક અવશ્ય કરાવી લેતો હતો. કાનૂન, સુરક્ષા, કોમ્પ્યુટર, હાર્ડવેર, સોશિયલ નેટવર્કિંગ વગેરે ક્ષેત્રોમાં તેણે કુલ ૬ ટ્રેડ માર્ક રજિસ્ટર કરાવ્યા હતા. સચિન વાઝેએ લઈ ભારી નામનો ટ્રેડ માર્ક પણ રજિસ્ટર કરાવ્યો હતો. રિતેશ દેશમુખે તે નામે મરાઠી ફિલ્મ બનાવી ત્યારે સચિન વાઝેએ તેના પર પાંચ કરોડ રૂપિયાનો દાવો કર્યો હતો. જો કે તેમાં સમાધાન કરવામાં આવ્યું હતું. ૨૦૧૩ માં સચિન વાઝેની જિંદગી પરથી રેગે નામની મરાઠી ફિલ્મ આવી હતી. સચિન વાઝેએ જે સોફ્ટવેર બનાવ્યું તેની મદદથી ફોન પરની ખાનગી વાત પણ સાંભળી શકાતી હતી.

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ સાથે પણ સચિન વાઝે ઘનિષ્ઠ સંબંધો ધરાવે છે. પરમબીર સિંહ મુંબઇની ક્રાઇમ બ્રાંચમાં ડેપ્યુટી કમિશનર હતા ત્યારે તેમના નિર્દેશ હેઠળ જ મોટા ભાગના એન્કાઉન્ટરો કરવામાં આવ્યા હતા. ત્યાર પછી પરમબીર સિંહ થાણેના પોલીસ કમિશનર બન્યા. ત્યારે તેમણે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને નોકરીમાં પાછા લીધા હતા. તેમણે સચિન વાઝેને પ્રદીપ શર્માના હાથ નીચે મૂક્યો હતો. ૨૦૨૦ માં પરમબીર સિંહ મુંબઇના પોલીસ કમિશનર બન્યા તે પછી સચિન વાઝેને પાછા લાવવામાં તેમણે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. સુશાંત સિંહ રાજપૂતની હત્યાના કેસની અને અર્ણબ ગોસ્વામીના કેસની તપાસ પણ પરમબીર સિંહના નિર્દેશ મુજબ ચાલતી હતી. આ વિવાદાસ્પદ કેસોને કારણે પરમબીર સિંહ મહારાષ્ટ્રના રાજકારણીઓનાં ઘણાં કૌભાંડો બાબતમાં જાણે છે અને પુરાવા પણ ધરાવે છે. આ કારણે જ મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર ગંભીર આક્ષેપો કર્યા પછી પણ સરકાર તેમની સામે કોઈ પગલાં લઈ શકી નથી કારણ કે તેઓ ચમરબંધીઓની પોલ ખોલવાની ક્ષમતા ધરાવે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top