Columns

વાતાયન.. . એક્ચુઅલ બારી V/S વર્ચ્યુઅલ WINDOWS

એક્ચુઅલ બારી એટલે આપણા ઘર, ઓફીસ, બસ, કાર, ટ્રેઈન કે વિમાનમાં હવા ઉજાસની સગવડ માટે બનાવેલી એક નાની વ્યવસ્થા. તેને વાતાયન, ખડકી, ઝરુખો, છટક્વાનું બારું, જાળિયું, વિન્ડોઝ પણ કહી શકાય છે. બારી વગરનું ઘર એ ગુફા છે. બારી સાથેનું ધર એ મકાનનું સગુફા છે. ગુફાકાળ સમાપ્ત થયા પછી આદિમાનવના કાચા આવાસોમાં જવા આવવા માટે બાકોરાં જેવી વ્યવસ્થા હતી. આદિમાનવના આવાસોમાં બારીઓ છેક 9મી સદીમાં મુકાવા માંડી. કાચની બારીઓ રોમન લોકો એ શોધી. જેથી ઘરમાં પ્રકાશ આવે પણ હવા ના આવે. પૂર્વના લોકો કાચની બારીઓ બહુ મુકતા નથી. બારી કેટલી, ક્યાં અને કઈ સાઈઝની મુકવી તે દીવાલ અથવા ખંડના ક્ષેત્રફળ પ્રમાણે નક્કી થાય છે.

સામાન્ય સૂઝ પ્રમાણે રૂમની સાઈઝના 10મા ભાગના વિસ્તાર જેટલી બારીની સાઈઝ હોવી જોઈએ. જાપાન અને ચીનમાં બારીઓને કાગળ ચોટાડે છે. ઓસરીમાં કે બાલ્કનીમાં રાખેલી બારીઓ સહાયકારક હોય છે. ઘરની વહુ દીકરીઓના મલાજા માટે તે મોટા ભાગે બંધ રહેતી હોય છે. જયપુરનો હવા મહેલ એક સામૂહિક બારી છે, જ્યાં પાછળ ઊભા રહીને રાણી બંને રાજઘરાનાની સ્ત્રીઓ રસ્તા ઉપરનું રાજાનું વિજય સરઘસ શાંતિથી નિહાળી શકે. CCTV કેમેરાનો વિચાર ત્યાંથી આવેલો. બારણાંમાંથી માણસ ઘરમાં આવ – જા કરે છે. બારીમાંથી હવા, ઉજાસ, ચકલી, કબુતર, ભમરા, મધમાખી, ગિલોડી, વરસાદની વાંછટ આવ – જા કરે છે.

આજકાલ મોટા ભાગની બારીઓમાં પ્રોટેક્ટીવ લોખંડની ગ્રીલ હોય છે. કયારેક બારીની ગ્રીલ તોડીને ચોર પણ આવે છે. ચોરી કરીને તે જ બારીએ બહારની બાજુ છટકી જાય છે, તેથી આવી બારીને ‘છટકબારી’ પણ કહેવાય છે. વિન્ડો એ ડોરના પ્રમાણમાં સાઈઝમાં નાની હોવાથી તેને ડોરભાઈની નાની બહેન વિન્ડી કે દીકરી વિની કહી શકાય? કે પછી ‘રાધેશ્યામ’ કે ‘સીતારામ’ની જેમ ‘બારીબારણાં’ એક સાથે બોલાતા હોવાથી શું તેમને બોયફ્રેન્ડ – ગર્લફ્રેન્ડ, ડેટિંગ કપલ કે પતિ – પત્ની ગણી શકાય? ગુજરાતના ફાયરબ્રાંડ લેખક ચંદ્રકાંત બક્ષીએ તો તેમની આત્મકથા ‘વાતાયન’માં તેમના હદયની બારીને અંદરની બાજુમાં ખોલીને તેમના 6 દસકાની નીજી જીવનકથાની નીચોવી નાખી છે.

ચોર જેવાની એન્ટ્રી નિવારવા મોટાભાગના ઘરોમાં બારીને લોખંડની ગ્રીલ અને તેના બારણાંમાં કાચ નાખવામાં આવે છે. ફ્રેંચ વિન્ડોઝ બારણાની સાઈઝની હોય છે અને એલ્યુમિનીયમ સ્લાઈડર મૂકીને તેને ગાર્ડનમાં કે વરંડામાં ખોલી શકાય છે. ભારત જેવા ટ્રોપિકલ દેશમાં મચ્છર અને જીવજંતુને અવરોધવા મોસ્કીટો નેટ્સ અનિવાર્ય છે. બારણાં નવસ્ત્રા હોય છે. તેમને ભાગ્યેજ કોઈ વાધા પહેરાવેલા હોય છે. જ્યારે મોટા ભાગના ઘરોમાં બારીઓને નવોઢાની જેમ સજાવાય છે. મનુષ્યનો સ્વભાવ છે કે કોઈ મકાનની બારી ખુલ્લી હોય એટલે તેમાં ડોકિયા અનાયાસે કે પ્રયાસે થઇ જ જાય છે. કોઈ અજનબીની આંખોની સ્ટીંગ નિવારવા બારીને નયનરમ્ય અને દીવાલોના રંગને મેચિંગ થાય તેવા રંગના કાપડના પડદા ઘરની બારીઓમાં લગાવાય છે. ઓફિસની બારીઓમાં ડેકોરેટીવ એમ્બીયસ માટે પ્લાસ્ટીકના વેનેશિયન બ્લેડસ લગાવાય છે.

વર્ચ્યુઅલ ‘વિન્ડોઝ’ એટલે કે કોમ્યુટર નામના ‘ઇડીએટ બોક્ષ’માં ઘરે બેઠા આખી દુનિયામાં ગમે તેની સાથે જોડાવાની અને તાકાઝાંકી કરવાની આભાસી બારી છે. 20 નવેમ્બર, 1985ના રોજ માઈક્રોસોફ્ટે ‘વિન્ડોઝ’ નામની એક ઓપરેટીંગ સિસ્ટમ ડેવલપ કરી. તે સમયગાળામાં કોમ્યુટરસ દરેક ઓફીસના ટેબલ ઉપર મશરૂમની જેમ ઉગી નીકળ્યા હતા. જે ‘ડોસ’ની મદદથી ચલાવાતા હતા. માઈક્રોસોફ્ટના જનક બિલ ગેટસે તેને દુનિયાના 120 દેશોના કોમ્યુટરોને એકબીજા સાથે જોડાવા માટે તેમની નવી એપ ‘વિન્ડોઝ’ને એક મુંહ દિખાઈ ચાવી તરીકે લગભગ દરેક કોમ્યુટરમાં ફરજીયાત મૂકી દીધી.

તેની 1 વર્ષ પહેલા કોમ્યુટર એક્ટીવ કરવા એપલની ‘મેક ઓએસ’ સિસ્ટમ આવી ગઈ હતી પણ 1985થી 2004 સુધી આ ‘વિન્ડોઝ’ ઓપરેટીંગ સિસ્ટમ જ 90 % કોમ્પ્યુટરોમાં 110 ભાષામાં એકહથ્થુ દાદાગીરી સાથે ઇનબિલ્ટ આવતી હતી. 2014માં સ્માર્ટફોન આવ્યા અને તેને વાપરવા એક નવું ‘એન્ડ્રોઈડ’ પ્લેટફોર્મ મળ્યું. 2014માં બિલ ગેટ્સે જ કબૂલ કર્યું કે ટેબ અને મોબાઈલમાં ‘એન્ડ્રોઇડ’ કરતાં ‘વિન્ડોઝ’નું સેલ 25 % ઓછું હતું. જો કે પર્સનલ કોમ્યુટરમાં હજુ ‘વિન્ડોઝ’નો શેર 70 % છે. હવે એક જ કોમ્યુટરની દીવાલ ઉપર આંગળીના એક ઈશારે તમે ધારો એટલી અગણિત વર્ચ્યુઅલ ‘વિન્ડોઝ’ તમારા સંગણક મશીનની ‘રેમ’ ઉપર આધારિત ખોલી શકો છો. આમાં તકલીફ એ હતી કે તમે એક સાથે એક જ વિન્ડો મોટી કરીને જોઈ શકો.

જો 2, 3 કે 50મી ‘વિન્ડો’ ખોલવી હોય તો કોમ્યુટરની છાજલીએથી ઉતારવી પડે છે. આ ‘વિન્ડોઝ’ને નાની મોટી કરીને તમે મલ્ટીટાસ્ક પણ કરી શકો છો. એક ‘વિન્ડો’માં તમે ‘પુષ્પા’ પિક્સર જોઈ ‘મેં ઝુકેગા નહી’ સંવાદ વાગોળી શકો છો. બીજી ‘વિન્ડો’માં તમારા ન્યુઝીલેન્ડ પ્રવાસના જુદા જુદા ‘પુષ્પો’ના સ્નેપસ જોઈ શકો છો. ત્રીજી ‘વિન્ડો’માં તમે ગ્રુપ વિડીયો કોલ કરીને અમેરિકા કે મુંબઈ સ્થિત તમારા ફેમીલી મેમ્બર્સ સાથે ચેટ કરી શકો છો. ચોથી ‘વિન્ડો’માં યુટ્યુબ ઉપર કોઈ નવી રેસીપી શીખી શકો, જે પતિ ઉપર અજમાવો અને વ્હોટ્સ એપ ગ્રુપમાં અપડેટ કરીને બીજીઓને જલાવી પણ શકો છો. આ ‘વિન્ડોઝ’ને બારણાં, સ્ટોપર કે પડદા નથી હોતા પણ તેને જોવા માટે મધ્યમ કે મોટી કરી શકાય છે. એકદમ નાની કરીને અભરાઈ એ પર ચડાવી શકાય છે.

Most Popular

To Top