વાંસદા: (Vasda) વાંસદા તાલુકાના લાછકડી ગામમાં (Village) પુત્રોએ ‘તું જ અમારા બધા વચ્ચે ઝઘડો કરાવે છે’ કહી માતાને (Mother) લાકડાના સપાટા મારતા માતાનું મોત નિપજ્યું હતું. ઘરે લાઈટ ચાલી જતા પૌત્રને થાંભલા પર ચઢાવતા ઉશ્કેરાયેલા પુત્રોએ (Sons) માતા-પિતાને માર માર્યો હતો જેમાં માતાનું મોત નિપજ્યું હતું.
- ‘તું અમારા બધા વચ્ચે ઝઘડો કરાવે છે’ કહી પુત્રએ લાકડાના સપાટા મારી માતાને મોતને ઘાટ ઉતારી દીધી!
- વાંસદા તાલુકાના લાછકડી ગામમાં પૌત્રને થાંભલા પર ચઢાવતા ઉશ્કેરાયેલા પુત્રોએ માતા-પિતાને માર માર્યો હતો
- સુમિત્રાબેનએ તમે બંને જણાં નાની-નાની વાતોમાં ઉશ્કેરાઇ જઇને તમારા પિતા સાથે ઝઘડો કરો છો તેમ કહેતા બંને પુત્રોએ ઉશ્કેરાઇ ગયા હતા
વાંસદા તાલુકાના લાછકડી ગામના જાનુ ભાયકુભાઈ જાદવ (રહે. પેલાડ ફળિયુ,ગામ. લાછકડી)ના ઘરે લાઇટ ન હતી. જેથી જાનુ જાદવે તેના મોટા દિકરા નિતેશના દિકરા ચિરાગને લાઇટના થાંભલા પર ચઢીને આંકડો હલાવવા માટે કહ્યું હતું. જે બાદ ચિરાગ થાંભલા પર ચઢીને આંકડો હલાવતા લાઇટ આવી ગઇ હતી. જે બાદ રાત્રે જાનુભાઈના બંને દિકરા નિતેશ તથા હરેશ ઘરે આવી તમે ચિરાગને અવાર- નવાર શું કામ લાઇટના થાંભલા ઉપર ચઢાવો છો, અત્યારે વરસાદનો માહોલ છે અને ચિરાગને કરંટ લાગશે કે બીજુ કંઇ થઇ જશે તેની જવાબદારી કોની છે ? તેમ કહી પિતાને જેમ તેમ બોલવા લાગ્યા હતા.
જેને પગલે માતા સુમિત્રાબેનએ તમે બંને જણાં નાની-નાની વાતોમાં ઉશ્કેરાઇ જઇને તમારા પિતા સાથે ઝઘડો કરો છો, તેમ કહેતા બંને પુત્રોએ ઉશ્કેરાઇ જઈ લાકડાના ફાડીયાના ઢગલામાંથી એક-એક લાકડુ ઉઠાવીને પોતાની જ માતાને અમારા બધા વચ્ચે તું જ ઝઘડો કરાવે છે તેમ કહી લાકડાના ફાડીયાથી સપાટા મારવા લાગ્યા હતા. જેમાં માતાને પીઠના ભાગે તથા ડાબા હાથમાં કોણીના ઉપરના ભાગે તથા કાંડાના ભાગે ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોતાની પત્નીને છોડાવવા વચ્ચે પડેલા પતિ ભાયકુભાઇ જાદવને પણ લાકડાના ફટકા મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંનેને હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયા હતા, જ્યાં સુમિત્રાબેનનું મોત નિપજ્યું હતું. આ સમગ્ર બનાવ અંગે વાંસદા પોલીસે બંને દીકરા વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.