વરસાદ આવે એટલે ભજિયાના અને કવિતાના ઘાણ ઉતારીને તેનું ભવ્ય સ્વાગત કરવાનો રિવાજ છે, પણ ચોમાસાની શરૂઆતના દિવસોમાં આવતા વરસાદનું વાસ્તવદર્શન કેવું હોય?
***
ખુલ્લામાં સુતેલા લોકોના ચહેરા પર રાત્રે પહેલા વરસાદના છાંટા પડ્યા ત્યારે એવું લાગ્યું જાણે આરોપીના ઊંઘરેટા ચહેરા પર પાણીનું ડબલું છાંટીને એને જગાડવામાં આવતો હોય. ‘આરોપીઓ’નો એકમાત્ર ગુનો એ હતો કે તે આકાશમાં તારાની હાજરી તપાસ્યા પછી નિશ્ચિંત થઇને ખુલ્લામાં સુઈ ગયા હતા.
ભારતીય નાગરિકો કાયમ જે અવસ્થામાં હોય છે એવી તંદ્રાવસ્થામાં જાગવું એ જ અત્યાચાર હોય તો એ સ્થિતિમાં ગાદલા ઊંચકીને અંદર કે નીચે લઈ જવાનું કામ કેવું ત્રાસદાયક લાગે! ઉપરથી વરસાદની ઝડીની ચાબુક જાણે ‘ચલ, ઉપાડ ગાદલું! ઉપાડ જલ્દી! નહીં તો સટાક્!’ એવા ડારા દેતી લાગે. ફિલ્મી હીરોને પોતાના જીવ કરતા વિલનના પંજામાં સપડાયેલી માતાની ચિંતા વધારે હોય તેમ, અડધીપડધી ઊંઘરેટી અવસ્થામાં, જાતે પલળી જવાશે એના કરતા ‘ગાદલા પલળી જશે’ની શક્યતાથી મન વધારે ત્રસ્ત હોય…
અડધી રાત્રે વરસાદ પડે ત્યારે આખો દહાડો માતા કે પત્નીની સેવાઓ લેતા પુરૂષોને ભાન થાય છે કે આખરે સૌએ પોતાનો ક્રોસ અને પોતાનું ગાદલું જાતે જ ઉપાડવા પડે છે. અગાસીની ઠંડક છોડીને ઘરના બફારામાં જતી વખતે ‘બાબુલ મોરા નૈહર છૂટો જાય’ જેવી મનોદશા અનુભવાતી હોય. એવા હૃદયમાંથી વરસાદ – મહિમાના રૂડાં ગાણા કેમ કરીને નીકળે? ભલું હોય તો, પ્રી – મોન્સૂન મેઇનટેનન્સ થયું હોવાને કારણે (હા, થયું હોવાને કારણે જ) પહેલો વરસાદ પડે ને લાઇટ જતી રહે, તો ફિલ્મી સીન સર્જાય છેઃ રાતનું અંધારૂં, ચાંદ – તારા પણ વરસાદથી બચવા પોતપોતાના ઓશિકા – ગાદલા લઇને ક્યાંક ઘૂસી ગયા હોય તેમ, કેવળ કાળું ડિબાંગ આકાશ, વરસાદની ઝરમર, વીજળીના કડાકા ભડાકા અને તેના ચમકારમાં દેખાતી કેટલીક આકૃતિઓ, જે રાજાના કોપથી બચવા રાત માથે લઈને ઊંચાળા ભરતા કોઇ કુટુંબ સમી ભાસતી હોય.
કેટલાક રીઢા (ધીરજવાન) જીવો વરસાદના થોડા છાંટા પડે ત્યાં સુધી સળવળતા નથી. જોનારને શંકા જાય કે આ લોકો ‘વરસાદ જેને પલાળી શકતો નથી…’ એ કેટેગરીમાં તો નથી પહોંચી ગયા ને? કે પછી પ્લાસ્ટિક ઓઢીને સૂતા છે? એક વાર જાગ્યા પછી પણ તેમના ધૈર્યનો ભંડાર વરસાદના છાંટાથી પલળીને હવાઈ જતો નથી. ‘આ તો છાંટા છે! જુઓને, આકાશમાં ક્યાં કશું દેખાય છે? અને આજે સાંજે મેં હવામાનનો નકશો જોયો હતો. એમાં કશું દેખાતું ન હતું. સૂઈ જાવ! આ તો વાળ કપાવા જઇએ ત્યારે શીશીમાંથી છંટાતાં પાણી જેવી ઝરમર છે. હમણાં બંધ થઈ જશે.’
વરસાદ વિશેની શાસ્ત્રચર્ચામાં રસ લેવાને બદલે ગાદલું ઊંચકવાના શુદ્ર કાર્યમાં પ્રવૃત્ત થયેલા લોકો પર તેમના વચનની અસર થતી નથી. તે જોઈને ધૈર્યવાન જણ વિચારે છે, ‘આ લોકો મારા જ્ઞાનને લાયક નથી. એ મજૂરી કરે એ જ દાવના છે.’ પણ વધારે સમય સુધી વરસાદ ચાલુ રહે એટલે ‘આપણું તો એવું! ગમે તે સ્થિતિમાં રાજી!’ એવી મુદ્રા ધારણ કરીને જ્ઞાની જણ ગાદલું ઊંચકે છે અને ઘરની અંદર પ્રયાણ કરે છે. ત્યાં પંખા નીચેની બધી જગ્યાઓ રોકાયેલી હોવાથી છેવટે તેમને ‘ગમે તે સ્થિતિમાં રાજી’ રહેવાનો વારો આવે છે. ફૂટપાથ પર કે ઝૂંપડાંમાં સુનારા માટે જ્ઞાનનું હોવું – ન હોવું સરખું છે. તેમને જ્ઞાન કરતાં વધારે ઝૂંપડી પર નાખી શકાય એવા છાપરાની જરૂર હોય છે. પહેલો વરસાદ રાતને બદલે દિવસે પડે તો? ફિલ્મોમાં ડાકુઓના આગમનથી ગામમાં જેવી ભાગદોડ મચતી હતી એવા સીન દિવસે વરસાદના આગમનથી સર્જાય છે.
કોઈ પોતાના સુકવેલા કપડાં લેવા દોડે છે, તો કોઇને તડકે સુકવવા મુકેલા પૌંવાની ચિંતા થાય છે. સરકારી મેનેજમેન્ટની ટીકા કરનારા મોટા ભાગના માણસો પહેલો વરસાદ આવે ત્યારે પોતાના ઘરમાં ઊંઘતા ઝડપાય છે. તેમની ચીજવસ્તુઓ એવી જગ્યાએ પડેલી હોય છે કે વરસાદ આવે તો તેને વાછંટથી બચાવીને સલામત સ્થળે મૂકવા દોડાદોડ – બૂમાબૂમ કરી મૂકવી પડે. વરસાદના આગમનનું આગોતરૂં આયોજન તો બાજુ પર રહ્યું, સરેરાશ પ્રારબ્ધવાદીઓ એવું માનવા લાગે છે કે જ્યાં સુધી મારી ચીજવસ્તુઓ ખુલ્લી પડી છે ત્યાં લગી વરસાદ નહીં આવે.
પહેલો વરસાદ આવે એટલે પરણીને થાળે પડી ચૂકેલા યક્ષોને કવિતા નહીં, પણ ભજિયા સાંભરે છે. વાદળાં ચડી આવે, પત્ની પિયર હોય, ઘરમાં બીજું કોઇ સ્ત્રીપાત્ર ન હોય અને પોતાને કશું બનાવતાં આવડતું ન હોય, એવી સ્થિતિમાં આધુનિક યક્ષો મેઘને સંદેશરૂપે કહી શકે છે, ‘હે મેઘ, હું જોઉં છું કે તારી દિશા ઉધના ભણીની છે ને મારી પત્ની કતારગામ તરફ ગઈ છે. ચિંતા ન કરીશ. હું તને કતારગામ તરફ નહીં મોકલું. તું તારે મનની મરજી પ્રમાણે ઉધના ભણી જા, પણ રસ્તામાં સારી જગ્યા જોઈને 500 gm ભજિયાના એકે પેકેટનો ઓર્ડર મારા વતી આપતો જઈશ, બંધુ મેઘ? મને સ્વીગી – ઝોમેટો ફાવતું નથી ને આમેય વરસાદની ઋતુમાં સાહિત્યપ્રેમ દર્શાવવા માટે તે નકામા છે. કાલિદાસના જમાનામાં ઇ – મેઇલ ને વોટ્સએપ હોત તો મેઘદૂત રચાયું હોત? એટલે જ આપણી પ્રાચીન પરંપરાના ગૌરવપૂર્ણ વારસાને આગળ ધપાવવા માટે, હે મેઘ હું તને ભજિયા – સેવા સોંપું છું. તું કરીશ ને?’