National

વારાણસી: અડધી રાત્રે હોટલમાંથી તેજ પ્રતાપ યાદવનો સામાન બહાર કાઢ્યો

નવી દિલ્હી: બિહાર (Bihar) સરકારના મંત્રી લાલુ પ્રસાદના પુત્ર તેજ પ્રતાપ યાદવ (Tej Pratap Yadav) સાથે ગેરવર્તન અને સુરક્ષા ભંગનો એક મોટો મામલો વારાણસીથી (Varanasi) સામે આવ્યો છે. વારાણસીમાં મોડી રાત્રે કેન્ટ વિસ્તારમાં આવેલી એક હોટલ મેનેજમેન્ટે તેજ પ્રતાપ યાદવનો રૂમ હોટલના રૂમમાંથી તેમની પરવાનગી વગર ખોલ્યો હતો. આ સિવાય બાજુના રૂમમાં રહેલા સુરક્ષાકર્મીઓ અને સહાયકોનો સામાન બહાર કાઢીને રિસેપ્શનમાં રાખવામાં આવ્યો હતો. આ ઘટના વારાણસીના સિગરા વિસ્તારની આર્કેડિયા હોટલની છે.

આ ઘટના બાદ હોટલમાં ભારે હોબાળો મચી ગયો હતો. તેજ પ્રતાપે પણ હોટલ મેનેજમેન્ટના આ કૃત્ય પર નારાજગી વ્યક્ત કરી હતી. સહાયકોએ આ ઘટનાને તેજ પ્રતાપની સુરક્ષામાં ખામી ગણાવી હતી. હંગામા બાદ તેજ પ્રતાપને શુક્રવારે મોડી રાત્રે જ હોટલમાંથી બહાર જવું પડ્યું હતું. તેજ પ્રતાપના સહાયકોએ આ મામલે સિગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. મળતી માહિતી મુજબ બિહાર સરકારના મંત્રી અને લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવ શુક્રવારે વારાણસી પહોંચ્યા હતા. તેઓ સિગરા પોલીસ સ્ટેશન વિસ્તારના કેન્ટ વિસ્તારમાં આવેલી હોટલના રૂમ નંબર 206માં રોકાયા હતા. તેમના સુરક્ષા કર્મચારીઓ અને અંગત સહાયકો પાસે રૂમ નંબર 205 હતો. એક દિવસ માટે રૂમો લેવામાં આવ્યા હતા.

તેજ પ્રતાપ શુક્રવારે સવારે અસ્સી ઘાટ પહોંચ્યા અને બોટ દ્વારા ગંગા આરતીમાં ભાગ લીધા બાદ હોટેલ પરત ફર્યા હતા. અહીં આવીને તેને ખબર પડી કે હોટેલ મેનેજર તેની ગેરહાજરીમાં તેના રૂમમાં ઘુસ્યા હતા. તેમજ રૂમ નંબર 205માં રહેતા સ્ટાફનો સામાન રૂમમાંથી કાઢીને રિસેપ્શન પર રાખવામાં આવ્યો હતો. તેજ પ્રતાપે આના પર નારાજગી વ્યક્ત કરી અને શુક્રવારે મોડી રાત્રે હોટલ છોડી દીધી હતી.

તેજ પ્રતાપના અંગત સહાયકો વિશ્વાસ યાદવ અને વિશાલ સિન્હાનું કહેવું છે કે આ દરમિયાન મંત્રી તેજ પ્રતાપના સ્ટાફમાં સામેલ વ્યક્તિ રૂમમાં હાજર હતો, તેને પણ રૂમની બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. તેજ પ્રતાપના અંગત સહાયકોએ હોટેલ મેનેજર વિરુદ્ધ સિગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમનું કહેવું છે કે મંત્રી તેજ પ્રતાપની સુરક્ષામાં ખામી ઊભી થઈ છે.

હોટલ મેનેજમેન્ટે જાણો શું કહ્યું
આ ઘટના અંગે હોટલ મેનેજમેન્ટનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે મંત્રીના નામે રૂમ નંબર 250 અને 206 બુક કરવામાં આવ્યા હતા. શુક્રવારે બપોરે 12 વાગ્યે મંત્રીએ રૂમ ખાલી કરવાનો હતો, પરંતુ તેમણે રૂમ ખાલી કર્યો નહીં. તેમજ આ રૂમ ચેન્નઈના એક મહેમાન દ્વારા ઓનલાઈન બુક કરવામાં આવ્યો હતો. તેમજ હોટલ મેનેજમેન્ટ જણાવ્યું કે હોટલ સ્ટાફ તેમનો સામાન બીજા રૂમમાં શિફ્ટ કરી રહ્યા હતા. આ વાતે તેમને ગુસ્સો આવ્યો હતો. ત્યાર બાદ બંને રૂમમાંથી બહાર નીકળી ગયા હતા અને કારમાં જઈ બેઠા હતા. મંત્રીજીનો રૂમ આજ સવાર સુધી તેમના નામે બુક હતો, પરંતુ તેઓ રાત્રે જ જતા રહ્યા. હોટલ મેનેજમેન્ટનું કહેવું છે કે મંત્રીજી કન્ફ્યુઝ થઈ ગયા હતા.

Most Popular

To Top