સુરત : વરાછાની (Varacha) ગ્લોબલ માર્કેટના (Global Market) વધુ એક વેપારીએ અન્ય બે વેપારી સાથે મળીને રૂ.5 કરોડનું ફૂલેકું ફેરવ્યું છે. આ વેપારીઓએ સચિનમાં ગ્રે કાપડનો વેપાર કરતાં વેપારી (Trader) પાસેથી રૂ.4.22 કરોડ તેમજ અન્ય 13 વેપારીની પાસેથી મળીને 72 લાખ મળીને અંદાજિત પાંચ કરોડમાં ઉઠમણું કરતાં ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ કતારગામ લલિતા ચોકડી પાસે કંટેશ્વર સોસાયટીમાં રહેતા હરેશ મગન દોમડિયા ઉધના ઝોન ઓફિસની પાસે ‘બ્રહ્માણી જરી’ના નામે વેપાર કરે છે. હરેશભાઇ પોતાના કારખાનામાં વિવિધ વિવર્સોને જરી તેમજ યાર્ન આપીને તેની સામે કાપડ ખરીદતા હતા અને તે અન્ય વેપારીઓને વેચતા હતા. દરમિયાન તેઓએ સચિન પાલીવાલી ચોકડી પાસે ભાડા ઉપર કારખાનું લીધું હતું અને ત્યાં ગ્રે કાપડ બનાવતા હતા. સને-2020માં તેઓની પાસે અડાજણ દીપા કોમ્પ્લેક્સમાં વિમલવિલા બિલ્ડિંગમાં રહેતા રાજકુમાર ભીકમચંદ ભંડારી આવ્યો હતો. અને પોતાની ઓળખાણ દલાલ તરીકે આપી હતી. આ ઉપરાંત રાજકુમારે અન્ય એક કાપડના વેપારી પાસે ફોન પણ કરાવીને પોતે સારો હોવાનો પરિચય આપ્યો હતો. શરૂઆતમાં સારો વેપાર થયા બાદ હરેશભાઇ રાજકુમારના કહેવા પ્રમાણે ગ્રે કાપડનો માલ મોકલી આપતા હતા.
સને-2022માં હરેશભાઇએ અંદાજિત 2.16 કરોડનો કાપડનો માલ મોકલાવ્યો હતો. જેની સામે રાજકુમારે આપેલા બે ચેક રિટર્ન થયા હતા. તપાસ કરતાં ખબર પડી કે, આ રાજકુમારે ઝેરી દવા ગટગટાવી હતી અને તે પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ હતો. રાજકુમાર જે કંપનીના નામે માલ ખરીદતો હતો તે ઋષભ કંપનીના માલિક અને વરાછા ત્રિકમનગરમાં કૈલાસ એપાર્ટમેન્ટમાં રહેતા તેમજ ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં વેપાર કરતા વેપારી ભરતકુમાર માંગીલાલજી કોઠારીની પાસે રૂ.2.16 કરોડના વેપાર પાસે પૂછપરછ કરતાં તેણે હરેશભાઇની સાથે ઉધ્ધતાઇભર્યું વર્તન કર્યું હતું. આ ભરત કોઠારીએ હરેશભાઇને રૂપિયા આપવાની સ્પષ્ટ ના પાડી દઇને ધમકીઓ આપી હતી. તપાસ કરતાં ભરત કોઠારી તેમજ રાજકુમાર ભંડારીએ મળી અન્ય 13 વેપારી સાથે મળીને રૂ.2.06 કરોડનો માલ ખરીદી પેમેન્ટ આપ્યું નથી.
આ ઉપરાંત હરેશભાઇની આંજણા શિવશંભુનગરમાં રહેતા અને સિદ્ધેશ્વરી એન્ટરપ્રાઇઝના નામે વેપાર કરતા કિશનકુમાર ગણેશભાઇ પટેલની સાથે થઇ હતી. આ કિશનકુમારે પણ હરેશભાઇની પાસેથી રૂ.72 લાખનો માલ ખરીદી પેમેન્ટ આપ્યું ન હતું. આ બનાવ અંગે હરેશભાઇએ વેપારીઓ રાજકુમાર ભંડારી, કિશન પટેલ તેમજ ભરત કોઠારીની સામે રૂ. 5.07 કરોડની ઠગાઇની ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.