SURAT

વરાછા-ઉત્રાણમાં સફળતા ન મળતા મનપા કર્મી બની લૂંટ કરવા આવેલા શખ્સો અડાજણની સોસાયટીમાં ઘૂસ્યા

સુરત: અડાજણ (Adajan) પોલીસની (Police) હદમાં પાંચેક દિવસ પહેલા અડાજણ ખાતે સી.કે. વીલા સોસાયટીના બંગલા નં. 13 માં રહેતા ખેડૂત (Farmer) તેજસ નવીન પટેલના ઘરમાં સુરત મહાનગરપાલિકાના (SMC) કર્મચારીના સ્વાંગમાં ધાબા અને ગાર્ડનમાં પાણી ભરાય છે કે નહીં તે ચેક કરવાના બહાને ત્રણ અજાણ્યા ઘુસી ગયા હતા. તેજસની પત્ની જીજ્ઞાસાની એકલતાનો લાભ લઇ તેનું ગળુ અને મોઢું દબાવી દીધું હતું. પરંતુ જીજ્ઞાસાએ બેભાન થવાનો ઢોંગ કર્યા બાદ તકનો લાભ લઇ પાર્કીગ એરીયાની બહાર દોડી જઇ બુમાબુમ કરી મૂકયો હતો. જેના કારણે ત્રણેય શખ્શો ત્યાંથી ભાગી ગયા હતા.

અડાજણ પોલીસે સતત 350 જેટલા સી.સી.ટી.વી ફુટેજ ચેક કર્યા હતા. દરમિયાન આરોપીઓની ઓળખ થતા બાતમીના આધારે આરોપીઓ કતારગામ લક્ષ્મી ડેરીની બાજુની ગલીમાં એક એપાર્ટમેન્ટમાં આવેલી ઓફીસમાં રહેતા હોવાની માહિતી મળી હતી. જેમાંથી બે આરોપી હાલ પોતાના વતન મહેસાણા ઉંઝા ખાતે ભાગી ગયા હતા. તથા એક આરોપી રોજ સવારે પોતાની ઓફીસે આવે છે. અને આખો દિવસ પોતાની ઓફીસમાં રહે છે. પોલીસની એક ટીમે ઉંઝા તથા વિસનગર ખાતેથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓ ફાર્માસિસ્ટ અને હાઇલી એજ્યુકેટેડ
(૧) ભાવેશભાઇ મનજીભાઇ ગોધાણી (ઉ.વ.૪૦ ધંધો, ફાર્માસિસ્ટ રહેઃ-ડી/૩૬ ગંગેશ્વર સોસાયટી હિરાબાગ વરાછા સુરત શહેર મુળ વતન ગામ: ચાણકી તા: બરવાળા જી: – બોટાદ)
(૨) મયુરકુમાર વિનોદભાઇ મોદી (ઉ.વ.૪૦ ધંધો – વેપાર (હાઇલી ક્વોલીફાઇડ) રહેઃ-કુંભારવાડ જુની સરકારી હોસ્પિટલની બાજુમાં ઉંઝા તા: ઉંઝા જી: મહેસાણા)
(3) મનીષકુમાર રમેશભાઇ મોદી (ઉ.વ.૪૨ ધંધો: હીરા ઘસવાની નોકરી રહેઃ ૩-૧૫-૧૧ ગુંદીખાડ સલાટ વાડો વિસનગર તા: વિસનગર જી: મહેસાણા)

વરાછા અને ઉત્રાણની સોસાયટીમાં પણ મનપા કર્મી બની ગયા હતા
આરોપીઓએ અડાજણ સિવાય વરાછા અને ઉત્રાણ વિસ્તારમાં પણ આ રીતે સોસાયટીમાં મનપા કર્મચારી બનીને ગયા હતા. જ્યાં જઈને તેમને ઘરોના દરવાજા ખખડાવ્યા હતા. પરંતુ તેમને ત્યાં સફળતા મળી નહોતી. બાદમાં અડાજણમાં ખેડૂતના આ મકાનમાં તેમને મહિલા ઘરે એકલી મળી આવતા લૂંટનો પ્રયાસ કર્યો હતો.

આરોપીઓનો રૂટ જાણવા પોલીસે 350થી વધારે સીસીટીવી ચેક કર્યા
આ ઘટનામાં અડાજણ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કેન્દ્રિત કરી હતી. જેમાં અડાજણના એલ.પી. સવાણી રોડ સ્થિત મધુરમ સર્કલથી લઇ ગુજરાત ગેસ સર્કલ અને વેડ રોડથી કતારગામ સુધીના અંદાજે 350થી વધુ પ્રાઇવેટ સીસીટીવી ફૂટેજના ચેકિંગ બાદ પોલીસને મહત્વની સફળતા મળી હતી.

Most Popular

To Top