સુરત : (Surat) શહેરમાં જાણે ઠગોના (Cheaters) ટોળે ઉતર્યા છે. શહેર પોલીસની (Police) ઘોર નિષ્ક્રીયતાને કારણે હજારો લોકો બરબાદ થયા છે. છેલ્લા બે મહિનામાં ક્રિપ્ટો કરન્સીમાં (Cryptocurrency) પચાસ હજાર લોકો પાયમાલ થયા છે. તેમાં આ આંકડો અંદાજે એક હજાર કરોડ ઉપર હોવાની આશંકા છે. સુરત ઉપરાંત મુંબઇ, કલકતા, દિલ્હી જેવા શહેરમાં વરાછામાંથી ચાલતી સીજે, જી 9 અને ટ્રોન જેવી સ્કીમોના પ્રલોભનોમાં પાંચ હજાર કરોડ કરતા વધારે રકમ લોકોની ફસાઇ હોવાનો અંદાજ છે, સુરતમાં વરાછામાં જે મોબાઇલ સ્કીમો (Mobile schemes) ચાલી રહી છે તેમાં એક અંદાજ પ્રમાણે પાંચ હજાર કરોડનો ખેલ કરી નંખાયો છે. આ ઠગોએ પ્રિપ્લાન સુરતમાં ક્રિપ્ટો કરન્સીના નામે વિવિધ સ્કીમો લાવીને લોકોને છેતર્યા છે. દરમિયાન જે વિગત જાણવા મળી છે તે પ્રમાણે શહેર પોલીસ આ મામલે નિષ્ક્રીયતા દાખવી છે અથવા તો તેઓએ આંખ આડા કાન કર્યા છે. હાલમાં ક્રિપ્ટો કરન્સીમાં વરાછામાંથી (Varacha) આખા વિશ્વ સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. આ ચીટરોને કોઇ રોકનાર કે ટોકનાર નથી.
આઇમેકસ ફોરેકસ સ્કીમમાં હાલમાં જ પાંચસો કરોડ રૂપિયા ગયા
આઇમેક્સ સ્કીમમાં શહેરના કાપડ બજારના પાંચસો કરોડ રૂપિયા ગયા છે. તેમાં ક્રાઈમ બ્રાન્ચમાં હાલમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમાં મોટા ટેકસ કન્સલટન્ટ અને ટોચના વેપારીઓ ફસાયા છે. આ ઉપરાંત અને જી 9 તથા સીજેમાં લોકોના પાંચ હજાર કરોડ રૂપિયા ડૂબ્યા છે. આ કેસમાં હજુ સુધી કોઇ પોલીસ ફરિયાદ દાખલ થઇ નથી. અલબત આ ગંભીર મામલે પોલીસ ચૂપચાપ બેઠી છે તે સૌથી ચિંતાજનક બાબત છે. કમિ. અજય તોમર આ ગંભીર મામલે તપાસ કરે તો કદાચ તેમની એજન્સીઓની ભૂમિકા વિવાદીત આવી શકે છે. ડીસીબી અને પીસીબી દ્વારા આ મામલે આજ દિન સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી તે સૌથી શરમજનકક બાબત કહી શકાય.
અગાઉ દિવ્યેશ દરજી અને અન્ય ચીટરો સુરત શહેરનું દસ હજાર કરોડનું કરી નાંખ્યું હતું.
ચાર વર્ષ પહેલા આ જ રીતે દિવ્યેશ દરજી અને અન્ય ચીટરોએ મધ્યમવર્ગીય લોકોનું દસ હજાર કરોડનું કરી નાંખ્યું હતું. આ મામલે હજુ સુધી તપાસના કોઇ ઠેકાણા નથી તેમાં દિનપ્રતિ દિન નવા ચીટરોનો રાફડો ફાટ્યો છે. આ કરોડોના કૌભાંડને પોલીસ રોકવા નિષ્ફળ નીવડી હોવાનું સ્પષ્ટ ચિત્ર ઉપસ્યું છે.