સુરત: (Surat) વરાછા મીની બજારમાં (Mini Bazar) બોગસ આંગડીયા પેઢી (Fake Angadiya Company) બનાવી બાબુભાઈ, નિતીનભાઈ લીંબાચીયા તથા સંજયભાઈ પરમારને વિશ્વાસમાં લઈને 25 લાખ રૂપિયા એક મહિનામાં ડબલ કરવાના કહીને લઈ છેતરપિંડી (Cheating) કરનાર 8 આરોપીઓ સામે વરાછા પોલીસે ફરિયાદ (Varacha Police Company) નોંધી હતી. દરમિયાન પોલીસે ગઈકાલે અમદાવાદના એક આરોપીને ઝડપી પાડ્યો હતો.
- વરાછા પોલીસમાં દસેક મહિના પહેલા 25 લાખની છેતરપિંડી કરનાર 8 સામે ફરિયાદ નોંધાઈ હતી
- ભરૂચના બાંધકામના કોન્ટ્રાક્ટરને લાલચ આપી ઠગી લીધો
- વરાછા મીનીબજારની પ્રવિણકુમાર એન્ડ કંપનીમાં રોકાણ કરાવ્યું
- વરાછા પોલીસે આરોપી મીત દોશીની અમદાવાદથી ધરપકડ કરી
ભરૂચમાં રહેતા અને બાંધકામ કોન્ટ્રાક્ટરનું કામ કરતા 48 વર્ષીય બાબુભાઈ કાલપ્પા ભંડારીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ગત જુલાઈ 2021 ના રોજ 8 જણા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ મળીને વરાછા મીની બજાર ખાતે પ્રવિણકુમાર એન્ડ કં નામથી આંગડીયા પેઢી શરૂ કરી હતી. અને કંપનીમાં એક મહિનામાં પૈસા ડબલ કરવાની લોભામણી સ્કીમો આપી 25 લાખ લઈ છેતરપિંડી કરી હતી. આ અંગે વરાછા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં ગઈકાલે પોલીસે આરોપી મીત નવીનભાઈ દોશી (ઉ.વ.૨૬ રહે- પહેલો માળ ચંદ્રમૌલી ફલેટ શ્રીપથ સોસાયટી લખુડ્ડી સર્કલ પાસે નવરંગપુરા અમદાવાદ તથા મુળ વતન- વાસણા તાલુકો-ડીસા જિલ્લો-બનાસકાંઠા) ની ધરપકડ કરી હતી.
પૂણાગામમાં ટાયરની દુકાનમાં ગ્રાહકો પાસેથી 4.97 લાખ ઉઘરાવી સેલ્સમેને વાપરી કાઢ્યા
સુરતઃ પૂણા ગામમાં સહજાનંદ એન્ટરપ્રાઈઝના નામે ટાયરના વેપારીને ત્યાં સેલ્સમેન તરીકે નોકરી કરતા વિનયે ગ્રાહકો પાસેથી 4.97 લાખનું પેમેન્ટ ઉઘરાવી પોતે વાપરી કાઢ્યું હતું. વેપારીએ ગ્રાહકો પાસેથી ઉઘરાણી કરતા તેમણે પેમેન્ટ સમયમર્યાદામાં ચુકવી કાઢ્યું હોવાનું કહેતા વિનયને પુછતા તેણે રૂપિયા વાપરી કાઢ્યાનું કબુલ્યું હતું. બાદમાં 30 દિવસમાં ચુકવવાનો વાયદો કરી પોતે ગાયબ થઈ જતા પૂણા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
મોટા વરાછા ખાતે સુમેરુ સ્કાય એબીસી સર્કલ પાસે રહેતા 37 વર્ષીય કેતનભાઈ અરવિંદભાઈ ધાનાણી પૂણા ગામ તળાવ નજીક સહજાનંદ એન્ટરપ્રાઈઝ નામની ટાયરની દુકાન ધરાવે છે. કેતનભાઈએ પૂણા પોલીસ સ્ટેશનમાં તેમના નોકર વિનય શેષમાન મિશ્રા (ઉ.વ.આશરે 50, રહે- સહજાનંદ સોસાયટી, ગોડાદરા તથા મુળ ભદોઇ, ઉત્તર પ્રદેશ) ની સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ વિનય મિશ્રા “સહજાનંદ એંટરપ્રાઇઝ”પેઢીમા સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો. જેથી કેતનભાઈએ તેના ઉપર વિશ્વાસ કરી પેઢીના વેપારના રૂપિયાનું કલેક્શનની અને ઓર્ડર લેવાની કામગીરી તેને સોંપી હતી. વિનય મિશ્રાએ તેમની સાથે વિશ્વાસઘાત કરી કેતનભાઈની જાણ બહાર તેમના ગ્રાહકો પાસેથી વેપારના કુલ રૂપિયા ૪,૯૭,૬૦૪ મેળવી લીધા બાદ પરત આપ્યા નહોતા. અને આ રૂપિયા લઈને તે ક્યાંક ભાગી ગયો હતો. સામાન્ય રીતે ગ્રાહકો પાસેથી મહત્તમ 35 દિવસમાં પેમેન્ટ લેવાનું હોય છે. જેનું કલેક્શન વિનયને સોંપવામાં આવ્યુ હતું. ઘણા ગ્રાહકોનું પેમેન્ટ 35 દિવસ પછી પણ નહીં આવતા કેતનભાઈએ તેમની પાસે ઉઘરાણી શરૂ કરી હતી. પરંતુ ગ્રાહકો દ્વારા પેમેન્ટ સમયસર વિનયને આપી દીધાનું કહ્યું હતું. જેથી વિનયને બોલાવીને પુછતા તેણે ગ્રાહકોના પેમેન્ટના સાત-આઠ લાખ ખર્ચ કર્યો હોવાનું કબૂલ્યું હતું. અને કેતનભાઈના ભાગીદારને લેખિતમાં 30 દિવસમાં ટુકડે ટુકડે રૂપિયા ચુકવી આપવા લખાણ આપ્યું હતું. જોકે બાદમાં વિનય તેનું મકાન ખાલી કરી ક્યાય નાસી ગયાની જાણ થતા પૂણા પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરાઈ છે.