સુરત: વરાછા (Varacha) ઝોન-બીમાં સમાવિષ્ટ સરથાણા વિસ્તારમાં આવેલા એક રેસ્ટોરેન્ટમાં (Restaurant) બુધવારે સવારે અચાનક આગ (Fire) ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગને કોલ (Call) મળતા જ અલગ અલગ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડની ટીમો રવાના કરાઇ હતી. તેમજ પહોંચીને તુરંત લાશ્કરોએ આગને કન્ટ્રોલમાં લેવાની કવાયત હાથ ધરી હતી. આ ઘટનામાં એક મહિલા કર્મચારી પણ હાથના ભાગે દાઝી ગઈ હતી. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવી હતી. આગ લાગવા પાછળ ગેસ લીકેજ કારણભૂત હોવાનું ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.
ફાયર વિભાગનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરથાણા જકાતનાકા તક્ષશિલા પાસે આવેલા અવધ વિક્ટોરિયા બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બર્ગર કિંગ રેસ્ટોરેન્ટમાં સવારે આઠેક વાગ્યે ગેસ લીકેજ થતાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગ આખા રેસ્ટોરન્ટમાં પ્રસરી ગઈ હતી. જેના પગલે ત્યાં કામ કરી રહેલા કર્મચારીઓ તેમજ હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. તેમજ આગની લપેટમાં આવતા યમુના વળવી (ઉં.વ.28) નામની મહિલા કર્મચારી હાથના ભાગે દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાઇ હતી.
વાપીના ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે આગ લાગતા દોડધામ
વાપી : વાપી કોપરલી રોડ ઉપર આવેલી પોલીસ ચોકી પાસે જીઇબીના હાય વોલટેજ ટ્રાન્સફોર્મરમાં બપોરના સમયમાં અચાનક ધડાકા સાથે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જાહેર માર્ગ ઉપર સતત વાહનોની અવર જવર વાળા રોડ ઉપર લાગેલી આગને લઈ આસપાસના વેપારીઓ દ્વારા આગ ઉપર કાબૂ કરવા પ્રયાસો કર્યા હતા. આગની ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા સ્થળ પર આવી પહોંચી આગને કાબુમાં કરવાની તજવીજ હાથ ધરી હતી. જો કે આગ ક્યા કારણસર લાગી તે જાણી શકાયું ન હતું. જો કે જાહેર માર્ગ પર આવેલા ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાથી વાહન ચાલકો મૂંઝવણમાં મુકાયા હતા. ઘટના અંગેની જાણ વીજ કંપનીને થતા સ્થળ પર દોડી આવ્યા હતા. અને રીપેરીંગની કામગીરી હાથ ધરી હતી.