વાપી : વાપી (Vapi) ટાઉન વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસમાંથી (Post Office) બે લાખ રૂપિયા ઉપાડીને બહાર આવેલી વૃદ્ધ મહિલાને મહિલાઓએ પગ મારી પાડી નાખી રૂપિયા ભરેલી બેગમાં (Bag) બ્લેડ મારી એક લાખ રૂપિયાની ચોરી કરી જઈ ભાગી જતા વાપી ટાઉન પોલીસ મથકમાં (Police Station) ફરિયાદ નોંધાય છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપીના ચલા અપના ઘર સોસાયટીમાં રહેતા ૭૦ વર્ષના જમનાદેવી જગરાજ જયસવાલ શુક્રવારે સવારે તેમની વાપી ટાઉન ખાતે આવેલ પોસ્ટ ઓફિસમાં રાખવામાં આવેલ રૂપિયા બે લાખની એફડી પાકી જતાં ઉપાડવા માટે આવ્યા હતા. તેઓ લગભગ 10:30 થી 11:00 વાગ્યાના સમયે પોસ્ટ ઓફિસમાંથી બે લાખ રૂપિયા રોકડા લઈને પાછલા દરવાજેથી પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન તેમની પાછળ બે અજાણી મહિલાઓએ જમનાદેવીને પગ મારી પાડી નાખી હતી. અને તેમાંની એક મહિલાએ તેને હાથ પકડી મદદ કરવાનો ઢોંગ કર્યો હતો.
દરમિયાન તેમની પાસે રહેલા રૂપિયા બે લાખ ભરેલ બેગમાં કોઈક બ્લેડ કે ચાકુ વડે કાપી નાખી રૂપિયા એક લાખ લઈને ભાગી ગયા હતા. જ્યારે એક લાખ રૂપિયા તેમની થેલીમાં પાણીની બોટલ નીચે આવી જતા બચી ગયા હતા. આ અંગે તાત્કાલિક મહિલાએ તેમના પરિવારને જાણ કરતા તેઓએ વાપી ટાઉન પોલીસ મથકે પહોંચી બનાવ અંગે ફરિયાદ કરતા પોલીસે હાલમાં બે અજાણી મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પતિ-પત્ની નોકરીએ જતાં જ તસ્કરોએ 1.87 લાખની ચોરી કરી
વાપી : વાપીના ચલા ખાતે આવેલી એક સોસાયટીના એપાર્ટમેન્ટના બંધ ફ્લેટનો દિવસ દરમિયાન દરવાજો તોડી રૂમમાં કબાટની તિજોરી અને લોકરમાંથી રૂપિયા 1.85 લાખના સોના ચાંદીના દાગીનાની તસ્કરોએ ચોરી કરી હતી.
વાપીના ચલા મુકતાનંદ માર્ગ પર આવેલા ક્રિષ્ના ગોરી એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 204માં રહેતા ખેમરાજ ગુલાબરાવ રેવતકર અને તેમની પત્ની ફ્લેટ બંધ કરી બંને કંપનીમાં નોકરીએ ગયા હતા. તે દરમિયાન કોઈ ચોર ઇસમોએ તેમના ફ્લેટનો મુખ્ય દરવાજો તોડી ફ્લેટમાં પ્રવેશ કરી બેડરૂમમાં રાખવામાં આવેલ લોખંડના કબાટનું લોક તોડી કબાટના તિજોરીમાંથી તથા લોકરમાંથી સોના ચાંદીના દાગીના રૂપિયા 1.87 લાખની ચોરી કરી ભાગી ગયા હતા. આ અંગે મોડી સાંજે ઘરે આવેલા દંપતીને જાણ થતાં તેઓએ તાત્કાલિક વાપી ટાઉન પોલીસ મથકમાં ઘરફોર ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.