વાપી: (Vapi) વાપીમાં પોલીસ (Police) ઓફિસરની ઓળખ આપી મહિલાને સરનામું પૂછવાના બહાને અટકાવી આગળ મર્ડર થયું હોવાની વાત કરી અન્ય એક બાઈકવાળાને પણ અટકાવી મર્ડર (Murder) થયાની વાત કરી તેમની ચેઈન ખિસ્સામાં મૂકાવી દીધી હતી. જેને જોઈ મહિલાએ પણ પાંચ તોલા સોનાની બંગડી ઉતારી તેઓને એક કાગળમાં મૂકાવી થેલીમાં મૂકવાના બહાને નજર ચૂકવી બાઈકચાલક ઘરેણાં લઈ રફુચક્કર થઈ ગયો હતો. મર્ડરની વાતને લઈ મહિલા ગભરાઈ હતી અને રિક્ષામાં બેસી ગઈ હતી. પતિની કચીગામે આવેલી દુકાને આવ્યા ત્યારે ઘરેણાં ગાયબ થયાનું જણાયું હતું. જે બનાવ અંગે મહિલાએ વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
- સરનામું પૂછવાના બહાને વાતમાં ભોળવી નકલી પોલીસ મહિલાની સોનાની બંગડી ઉતરાવી ગયો
- વાપીમાં આગળ મર્ડર થયાની વાત કરી અન્ય બાઈકવાળાને પણ અટકાવી ગઠીયા કળા કરી ગયા
વાપી કચીગામ રોડ, સિદ્ધિ વિનાયક સોસાયટી સામે પરમ એપાર્ટમેન્ટમાં રહેતા નિર્મલાબેન ચંદુલાલ ભાનુશાળીના પતિ ચંદુલાલ કચીગામમાં કરિયાણાની દુકાન ધરાવે છે. આ દુકાનમાં તેઓ પણ મદદરૂપ બનવા માટે રોજ જાય છે. રાબેતા મુજબ, નિર્મલાબેન કચીગામ દુકાને જવા માટે રિક્ષાની રાહ જોઈ ઉભા હતાં. તે દરમિયાન બાઈક લઈને આવેલા એક ઈસમે કવિતા ટયુશન કલાસીસ કયાં આવેલ છે, ત્યારબાદ જનસેવા હોસ્પિટલ નજીક મર્ડર થયું તેવું જણાવ્યું હતું. તેઓની ચાલ મુજબ પાછળથી અન્ય એક બાઈકચાલક પણ આવ્યો હતો, તેને પણ રોકી સરનામું અને મર્ડરની વાત કરી ઘરેણાં ખિસ્સામાં મૂકવાનું જણાવતા તે ઈસમે સોનાની ચેઈન ખિસ્સામાં મૂકી દીધી હતી. જે બાદ બાઈક ચાલકે પોતે પોલીસ ઓફિસર હોવાનું જણાવી મહિલાને પણ ઘરેણાં કાઢી થેલીમાં મૂકવાનું જણાવ્યું હતું.
જેથી મહિલાએ ગભરાઈ હાથમાં પહેરેલી પાંચ તોલા સોનાની બંગડી (કિં. આશરે રૂ.50 હજાર) કાઢતા ઈકચાલકે એક કાગળ આપી તેમાં મૂકવાનું કહ્યું હતું. વાતોમાં ભોળવાઈ ગયેલી મહિલાને ઘરેણાં થેલીમાં મૂકી આપવાના બહાને બંને ઈસમે નજર ચૂકવી ઘરેણાં સેરવી લીધા હતાં. મહિલા રિક્ષામાં બેસી કચીગામ દુકાને ગઈ, ત્યારે પોતાની પાસે રહેલી થેલીમાં તપાસ કરતા પાંચ તોલાની બંગડીઓ મળી ન હતી. ભોગ બનનાર નિર્મલાબેને વાપી ટાઉન પોલીસ મથકમાં પોલીસ ઓફિસરની ઓળખ આપનાર બાઈકચાલક તથા અન્ય એક બાઈકવાળા સામે ફરિયાદ નોંધાવી હતી.