વાપી: (Vapi) કોન્ટ્રાક્ટરે વાપી ભડકમોરાથી 20 થી 25 મજૂરને પીકઅપમાં (Pick-Up) બેસાડી સરીગામ જીઆઈડીસીની (GIDC) કંપનીમાં કામ ઉપર લઈ ગયા હતા અને સાંજે પીકઅપમાં બેસાડી પરત ફરી રહ્યા હતાં. વાપી યુપીએલ ચાર રસ્તા પાસે પહોંચતા પીકઅપ ચાલકે પૂરપાટ ઝડપે હંકારવાને લઈ વાહન પલટી ગયું હતું. તેમાં બેસેલા મજૂરો બહાર ફેંકાઈ ગયા હતા. 18 થી વધુ મજૂરોને શરીરે, હાથપગ અને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. ખાનગી વાહન તથા 108 એમ્બ્યુલન્સ સેવા આપી વાપીની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માત બાદ પીકઅપ ચાલક ફરાર થઈ ગયો હતો.
- વાપી યુપીએલ ચાર રસ્તાના વળાંકમાં પીકઅપ પલટી જતા 18 થી વધુ મજૂરો ઈજાગ્રસ્ત
- પે.હે. કંપનીમાંથી પરત ફરતી વેળા પીકઅપ ચાલકે પૂરપાટ ઝડપે હંકારતા વળાંકમાં પલટી જતા અકસ્માત સર્જાયો
વાપી ઉદ્યોગનગર પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, વાપી ભડકમોરા પાસે કામકાજ માટે મજૂરો આવતા હોય છે તેઓને વાપી ડુંગરામાં રહેતા કોન્ટ્રાક્ટર અબ્દુલખાન સરીગામ જીઆઈડીસીની કંપનીમાં સાફસફાઈ કરવા માટે 20 થી 25 મજૂરને પીકઅપમાં બેસાડી લઈ ગયા હતાં. કામ પતાવ્યા બાદ તે જ પીકઅપમાં બેસી મજૂરો વાપી ભડકમોરા પરત ફરી રહ્યા હતાં. ત્યારે વાપી જીઆઈડીસી, યુપીએલ ચાર રસ્તા પાસે આવેલી કંપની સામેના વળાંક ઉપર પીકઅપ ચાલક સંજય રાજકુમાર સીંગ (રહે.ડુંગરા-વાપી)એ પૂરઝડપે વાહન હંકારવાને લઈ મજૂરો ભરેલો પીકઅપ પલટી ગયો હતો.
વાહનમાં બેસેલા મજૂરો બહાર ફેંકાઈ જતા 18 થી વધુ મજૂરોને શરીરે, હાથપગ અને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો મદદે દોડી આવતા ખાનગી વાહન તથા 108 એમ્બ્યુલન્સ દ્વારા વાપીની જુદી-જુદી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માત બાદ પીકઅપચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગેની ફરિયાદ મજૂરી કામ કરનાર રીંકુ ગુલામરસુલ ખાન (રહે.છીરી)એ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં કરી હતી.