વાપી: (Vapi) વલસાડ એલસીબી ટીમ (LCB Team) વાપીમાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે ચલા ગામ, ચીકુવાડીના માર્ગ પરથી બે મોપેડ ઉપર દારૂની (Alcohol) હેરાફેરી થઈ રહી હોવાનું જણાતા પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન મળેલી માહિતવાળી બે મોપેડ આવતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. જો કે, મોપેડ ચાલક બંને ઈસમ મોકો જોઈ પોલીસને ચકમો આપી મોપેડ છોડી ભાગી છૂટ્યા હતાં. પોલીસે મોપેડની તપાસ કરતા તેમાંથી દારૂ-બીયરનો જથ્થો તથા એક મોબાઈલ ફોન મળી કુલ રૂ.1,11,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે બે મોપેડ પૈકી એક મોપડની નંબર પ્લેટ ખોટી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. જે બનાવ અંગે વાપી ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વાલિયા પાસેથી કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
ભરૂચ: વાલિયા પોલીસમથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે, મેરા ગામના લીમડા ફળિયામાં રહેતો બુટલેગર કલ્પેશ રમેશ વસાવા પોતાની સ્કોર્પિયો કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી મેરા ગામ તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે વાલિયા પોલીસમથકનો સ્ટાફ પી.આઈ. કે.વી.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ મેરા ગામની સીમમાં વોચ ગોઠવી ઊભો હતો. વાલિયા પોલીસને રાતે બંદોબસ્તમાં જોઈ સ્કોર્પિયો કારમાં દારૂ ભરી આવતો મેરા ગામનો કુખ્યાત બુટલેગર કાર હંકારી મૂકી કાચા રસ્તે નીકળી ગયો હતો. પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરતા બુટલેગર કાચા રસ્તે દારૂ ભરેલ કાર મૂકી ફરાર થઇ ગયો હતો. પોલીસે સ્કોર્પિયોની અંદર તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 2064 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 2.25 લાખનો દારૂ અને 4 લાખની ગાડી મળી કુલ 6.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે મેરા ગામના બુટલેગર કલ્પેશ રમેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ખેરગામમાં 15.80 લાખના દારૂ અને મુદ્દામાલ સાથે આઠ પકડાયા
સુરત : નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલા પ્રોહી. પ્રવૃતિને નેસ્તનાબુદ કરવા માટે પ્રોહીબીશન સ્કોડ તથા ખેરગામ પીએસઆઇ જે.વી.ચાવડાને જરૂરી સુચના આપતા નવસારી પ્રોહી.સ્ટાફ સંયુક્ત રીતે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન DySP એસ.કે.રાયને મળેલી હકીકતના આધારે મોગરાવાડી પીપરી ફળીયા સ્મશાનની બાજુમાં તા.ચીખલી ખાતે પ્રોહી. રેડ કરતા આઠને તેમની 4 કાર, તથા 2 ટુ વ્હીલ વાહનો, તેમાંથી મળેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ -3360 જેની કિં.રૂ. 2.55 લાખ, 8 મોબાઇલ તથા રોકડ રકમ રૂ. 6100 મળી કુલે રૂ.15,18,720નો મુદામાલ પકડી પાડી તમામ આરોપીઓ વિરુધ્ધ ખેરગામ પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની તપાસ ખેરગામ પીએસઆઇ જે.વી. ચાવડાએ હાથ ધરી હતી. પકડાયેલા આરોપીઓમાં કેતન ઇશ્વર પટેલ (રહે.વાપી), જીતેન્દ્ર જાદવ (રહે.વાપી), હિરલ પટેલ (રહે. સેલવાસ), રોહિત પટેલ (રહે. આમધરા), ભુમિન પટેલ (રહે.આમધરા), અંકિત પટેલ (રહે. આમધરા), વિજય પટેલ ડ્રાઇવર (રહે.મોગરાવાડી) અને મિલન દિપક પટેલનો સમાવેશ થાય છે.