વાપી: (Vapi) વાપીના હરિયા પાર્ક પાછળથી પસાર થતી દમણગંગા નદીની (River) ખાડીમાં સોમવારે બપોરે 4 યુવા મિત્રો ન્હાવા પડ્યા હતા. જેમાંથી બે ડૂબી (Drown) ગયા હતા, જ્યારે બે મિત્રને લાશ્કરોએ બચાવી લીધા હતા. ડૂબેલા બે મિત્રની લાશ મંગળવારે બપોર બાદ તરવૈયાઓને હાથ લાગી હતી. આ બનાવ અંગે ડુંગરા પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
ડુંગરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વાપીના ડુંગરા ખાતે આવેલા પર્લ એવન્યુમાં રહેતા બે સગાભાઈ સુરજ દિલીપ પ્રજાપતિ અને શ્રવણ દિલીપ પ્રજાપતિની સાથે તેમના બે મિત્ર દિલીપ રામાનંદ પ્રસાદ (રહે,છરવાડા, ખોડીયાર નગર, મોહનની ચાલમાં) અને ઈમરાન ગફૂર શેખ આ ચારેય જણા સોમવારે બપોરે દોઢેક વાગ્યાની આસપાસ હરિયા પાર્કની પાછળ આવેલી દમણગંગા નદીની ખાડીમાં ન્હાવા ગયા હતા. આ ચાર મિત્રો નહાતી વખતે ખાડીની વચ્ચે જતાં બે મિત્ર સુરજ પ્રજાપતિ અને દિલીપ પ્રસાદ ડૂબી ગયા હતા. જ્યારે શ્રવણ પ્રજાપતિ અને ઈમરાન ગફૂર શેખને આસપાસના લોકો અને દોડી આવેલા તરવૈયાઓએ બચાવી લીધા હતા.
આ ઘટનાની જાણ થતાં વાપી જીઆઈડીસી ફાયર વિભાગની ટીમ અને પારડી ચંદ્રપુરના તરવૈયાની ટીમ હરિયાપાર્ક પછળની ખાડીમાં ધસી આવ્યા હતા. બે ડૂબેલા મિત્રની પૂરી રાતભર ભારે શોધખોળ કરવા છતાં કંઈ હાથ લાગ્યું ન હતું. છેવટે મંગળવારે બપોરે 3:30 કલાક બાદ લાશ્કરોને ખાડીની નજીકમાં જ ખૂંપી ગયેલા બે મિત્ર સુરજ અને દિલીપની લાશ મળી આવી હતી. ડુંગરા પોલીસે લાશનો કબજો મળેવી પીએમ માટે તજવીજ હાથ ધરી હતી.
રાણીપુરાના 26 વર્ષના યુવાનનું ડૂબી જતાં મોત
ઝઘડિયા: (Jhagadia) ઝઘડિયા તાલુકાના નર્મદા નદી કિનારે વહેતા નીરમાં એકનો એક દીકરો ડૂબી જતાં તેના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટના બનતા નર્મદા નદી કિનારે લોકો જોવા ટોળું થઈ ગયું હતું. ધુળેટી પર્વ રંગારંગ મનાવ્યા બાદ તેના મિત્રો સાથે નર્મદા નદીમાં નાહવા ગયો હતો. નદીના વહેણમાં ઝઘડિયા તાલુકાના રાણીપુરા 26 વર્ષીય દર્પણ ધીરૂભાઈ પટેલ એકાએક તણાવા લાગ્યો હતો. જોતજોતામાં તે ડૂબી જતાં લીમોદરાથી કબીરવડ જવાના રસ્તો આવતાં તેનો મૃતદેહ મળ્યો હતો. ઘટના બની એ પૂર્વે નર્મદા નદી કિનારે લોકોનું ટોળું થઈ ગયું હતું. યુવાન ડૂબી જવાના સમાચાર મળતાં જ એકાએક લોકો ઘરભેગા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં વહીવટી તંત્ર પણ દોડતું થયું હતું. અને યુવાનના મૃતદેહને શોધી કાઢી તેના પરિવારજનોને સોંપ્યો હતો. આ ઘટનાની વધુ તપાસ ઝઘડિયા પોલીસ ચલાવી રહી છે.