વાપી: (Vapi) વાપી હાઈવે પર પૂરઝડપે દોડી રહેલી જીપની અડફેટે બે મોપેડ આવી જતા જોરદાર ટક્કર મારી હતી. જેમાં બંને મોપેડ પર સવાર ત્રણ લોકોને શારીરિક ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ તથા ખાનગી વાહનમાં હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યા હતાં. જેમાં વાપીની કંપની સંચાલિકાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
- વાપી હાઈવે પર જીપે બે મોપેડને ટક્કર મારતા કંપની સંચાલક યુવતીનું મોત
- બંને મોપેડ પર સવાર ત્રણ લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતાં
વાપીના ગોકુલ વિહાર સોસાયટીમાં રહેતા અરવિંદકુમાર ગંગોત્રીપ્રસાદ તિવારીની નાની દિકરી આરતી (ઉં.આ.26) ટીજે લેવલ ડિઝાઈનર નામની કંપની ચલાવે છે. રાબેતા મુજબ તે કંપનીના સહકર્મી મિત્ર જીનેશ દોષીની મોપેડ ઉપર કંપનીમાંથી મોપેડ લઈ ઘરે આવી રહ્યા હતાં. મોપેડ જીનેશ હંકારી રહ્યો હતો અને પાછળ આરતી બેસેલી હતી. તેઓ મોપેડ લઈને વાપી ને.હા.નં.48, મુંબઈથી સુરત તરફ, મહિન્દ્રા શો રૂમ પાસે પહોંચ્યા, ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે દોડી રહેલી સ્કોર્પીયો જીપની ટક્કર લાગી હતી. આ જીપની ટક્કરે અન્ય એક મોપેડને પણ અડફેટે લીધી હતી. અકસ્માતમાં બંને મોપેડ પર સવાર ત્રણ જણાને શારીરિક ઈજાઓ પહોંચી હતી.
જેમાં એક મોપેડ ચાલકને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યારે જીનેશ અને આરતીને ફોર વ્હીલરવાળાએ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતાં. આ અકસ્માતની જાણ જીનેશે આરતીના પિતાને ફોન દ્વારા જણાવતા આરતીના પિતા અને સગાસંબંધીઓ હોસ્પિટલ પહોંચી ગયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેનું મોત નિપજ્યાનું જણાવ્યું હતું. જીનેશને પગ અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. અકસ્માત કરનાર જીપચાલક વાહન લઈ ફરાર થયો હતો. આ બનાવ અંગે અરવિંદ કુમાર તિવારીએ અજાણ્યા વાહન ચાલક સામે વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.