વાપી: વાપી જીઆઈડીસીના (Vapi Gidc) જે ટાઈપ રોડ પર એક ટોળાંએ બાઈક પર જઈ રહેલા યુવાનને રોકી જૂની અદાવતમાં લોખંડના સળિયા અને રોડથી મારમારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેમાં સંડોવાયેલો મુખ્ય કાવતરાખોર આરોપી પોલીસના (Police) હાથે ઝડપાઈ જતાં તેણે જામીન પર મુક્ત થવા અગાઉ પણ કોર્ટમાં (Cort) જામીન અરજી (Bail Application) કરી હતી, જે કોર્ટે ફગાવી દીધા બાદ હવે ફરી તેણે બીમાર માતા-પિતાની સારવાર માટે રૂપિયાની સગવડ કરવા તથા GST ભરવા ૩૦ દિવસ માટે વચગાળાની જામીન અરજી વાપી કોર્ટમાં કરતાં કોર્ટે નામંજૂર કરી દીધી હતી.
યુવકને માર મારતા તેનું મૃત્ય થયું હતું
આ કેસની વિગત એવી છે કે, વાપીના છીરી ખાતે શાંતિનગરમાં રહેતો 27 વર્ષીય યુવક દિલીપ શિવધન રામલોચન વનવાસી મૂળ રહે. યુપીનો ગત 02/05/22ના રોજ મોડીરાત્રે બે વાગે વાપી જીઆઈડીસીના જે ટાઈપ રોડ પાસે વળાંકમાં બાઈક પર પસાર થતો હતો. ત્યારે કલીમ ઉર્ફે હકલો અલીમુદ્દીન સૈયદ, બંટી રાજેશ હળપતિ, લક્કી ઉર્ફે શશીકાંત મિશ્રા, ગોલુ, કાદિર ઈકરાર મન્સૂરી અને એક અજાણ્યો ઈસમ આ તમામ રહે.વાપીએ ભેગા મળી અગાઉ કાવતરૂ રચી દિલીપ પર લોખંડના પાઈપ, રોડ અને સળિયા સાથે તૂટી પડી હાથે-પગે ગંભીર ઈજા પહોંચાડી ઢીક્કામુક્કીનો માર મારી ઈજાગ્રસ્ત કરી દીધો હતો. લોહીથી લથપથ ઈજાગ્રસ્ત દિલીપને તાત્કાલિક વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આરોપીની જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ
વાપી જીઆઈડીસી પોલીસે આ મામલે ગુનો નોંધી હત્યા કેસમાં સંડોવાયેલા તમામ આરોપીને ઝડપી પાડી જેલમાં ધકેલી દીધા હતા. જેમાં મુખ્ય કાવતરાખોર આરોપી કાદર ઇકરાર હુસેન મન્સૂરીએ ચાર્જશીટ ફાઈલ કર્યા બાદ જામીન મુક્ત થવા વાપી કોર્ટમાં બીમાર માતા-પિતાની સારવાર માટે રૂપિયાની સગવડ કરવા તથા GST Tex ભરવા ૩૦ દિવસ માટે વચગાળાની જામીન અરજી કરી હતી. આ વચગાળાની જામીન અરજી સંદર્ભે ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી વાપીના એડિશનલ સેશન્સ જજ કે. જે. મોદીએ આરોપીની જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો.