વાપી: વાપી જીઆઈડીસીની (Vapi GIDC) એક કંપનીની ઓફિસમાંથી 7 ઉદ્યોગપતિઓને (Businessman) પોલીસે (Police) પકડ્યા (Arrest) છે. આ ઉદ્યોગપતિઓ ઓફિસમાં બેસીને વેપાર કરવાના બદલે ભળતું જ કામ કરી રહ્યાં હતાં. પોલીસે આ ઉદ્યોગપતિઓ પાસેથી રૂપિયા 9.25 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
- વાપી જીઆઈડીસીની સમોર ઈન્ડસ્ટ્રીઝ પર પોલીસની રેઈડ
- ઉદ્યોગપતિઓને જુગાર રમતા પોલીસે પકડ્યા
- વાપી પોલીસે 9.25 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો
- ઉદ્યોગપતિઓની ધરપકડને પગલે વાપી પોલીસ સ્ટેશન બહાર લોકોની ભીડ જામી
વલસાડ જિલ્લામાં આવેલી વાપી જીઆઈડીસીના બીજા ફેઈસમાં જર્મન ઈન્ક કંપનીની બાજુમાં પ્લોટ નંબર 303/5-B માં આવેલી સમોર ઈન્ડસ્ટ્રીઝ નામની કંપની આવેલી છે. આ કંપનીની ઓફિસમાં કેટલાંક ઉદ્યોગપતિઓ ભેગા થઈને જુગાર (Gambling) રમી રહ્યાં હતા. આ અંગેની બાતમી મળતા જીઆઈડીસી પોલીસે રેઈડ પાડી હતી. પોલીસ કંપનીમાં પહોંચી ત્યારે ત્યાં ઉદ્યોગપતિઓ અઠંગ જુગારીની જેમ જુગાર રમી રહ્યાં હતાં. પોલીસે 7 ઉદ્યોગપતિઓને પકડી પાડ્યા હતા. તેઓ પાસેથી વાહન, મોબાઈલ મળી કુલ 9.25 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે લીધો હતો.
પોલીસ સૂત્રોએ કહ્યું કે, વાપી જીઆઈડીસી પોલીસમાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડામોર અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી. બાતમીના આધારે દરોડા પાડતા જુગારી ઉદ્યોગપતિઓ પકડાયા હતા. આ જુગારીઓએ દાવમાં રોકડા 57 હજાર રૂપિયા મુક્યા હતા. આ ઉપરાંત ઉદ્યોગપતિઓ પાસેથી 1.35 લાખના 7 મોબાઈલ, 7.50 લાખના ત્રણ વાહનો મળી કુલ 9.25 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પકડાયેલા તમામ ઉદ્યોગપતિ અને વેપારીઓ પ્રતિષ્ઠિત ઘરના સભ્યો, મોભીઓ છે. આખી રાત વાપી જીઆઈડીસી પોલીસે તેઓને પકડી રાખ્યા હતા. ઉદ્યોગપતિઓ પકડાતા પોલીસ સ્ટેશન બહાર તેમના પરિવારજનો અને મિત્રોની ભીડ જામી હતી. કંપનીમાં વેપાર કરીને કમાવાના બદલે આ લોકો જુગારના રવાડે ચઢ્યા હતા. મોડી રાત્રે પોલીસની કાર્યવાહીથી વાપી શહેરમાં ચકચાર મચી ગઈ હતી.
વાપીના કોપરલીમાંથી 6 જુગારીયા પકડાયા
વાપીના કોપરલી ગામમાં કોંઢાર ફળિયામાં તિનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને ડુંગરા પોલીસે ઝડપી પાડી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. વાપી તાલુકાના કોપરલી ગામમાં કોંઢાર ફળિયામાં છ શખ્સો તિનપત્તીનો જુગાર રમતા ઝડપાયા હતા. જેમાં કોપરલીના અમ્રતભાઈ નગીનભાઈ નાયકા, મયુરકુમાર દિનેશભાઈ કો.પટેલ, પ્રફુલ દયાળભાઈ કો.પટેલ, મનિષ ઠાકુરભાઈ કો.પટેલ, મહેશકુમાર ચીમનભાઈ કો.પટેલ, અંભેટીમાં રહેતા દિલીપ ઠાકુરભાઈ નાયકાનો સમાવેશ થાય છે. પોલીસે તિનપત્તીના જુગારમાં ૩૭૦૦ રૂપિયા સાથે કુલ રૂપિયા ૧૦,૩૮૦ નો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.