વાપી: (Vapi) સેલવાસમાં લોકસભાની પેટા ચૂંટણીમાં (Election) કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પ્રભારી તરીકે ભાજપે મોકલ્યા છે. પરંતુ ચૂંટણીને બદલે લોકો તેમના રેલવેના પ્રશ્નોની ખાસ રજૂઆત કરવા લાગ્યા છે. ખાસ કરીને સેલવાસ તેમજ વાપીમાં રેલવેની ટિકિટના કાળાબજારની (Ticket black market) ફરિયાદ વધુ જોવા મળે છે. તેવા સવાલને લઇને પશ્ચિમ રેલવે તરફથી રેલવેની ટિકિટના કાળાબજારીયા સામે હમણાં સુધી કરવામાં આવેલી તમામ કામગીરી મૂકી દઇને રેલવે મંત્રી સામે કાર્યવાહી નહીં થતી હોવાની ફરિયાદની સામે રેલવે તંત્રએ પોતાની બાજુ સ્પષ્ટ કરવી પડી છે. આમ રેલવે મંત્રી તો પાર્ટીના કામે આ વિસ્તારમાં આવ્યા છે પરંતુ લોકોની ફરિયાદને જોતા હવે રેલવે તંત્ર પણ સજાગ થઇ ગયું છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જણાવ્યા પ્રમાણે વાપીમાં જેમાં સેલવાસનો સમાવેશ થઈ જાય છે. 2020 અને 2021માં અત્યાર સુધીમાં કાળાબજારના 58 કેસ નોંધાયા છે. જેમાં રૂ.17, 67, 287ના મૂલ્યના 1176ની ટિકિટ જપ્ત કરવામાં આવી છે. તાજેતરમાં એક પહેલ કરતાં આરપીએફ – વાપી દ્વારા દલાલો સામે કડક કાર્યવાહી કરવા માટે વિશેષ ટીમ સાથે 15 દિવસ માટે એક સઘન અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ ટીમે ગેરકાયદે ટિકિટ દલાલી કરનારા તત્વોની પ્રવૃત્તિઓ રોકવા માટે તેમની ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્રકારની ટિકિટ દલાલીની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી છે. દલાલોની ધરપકડ માટે આવા પ્રકારના નિયમિત અભિયાનો ઉપરાંત, ગેરકાયદેસર દલાલોના માધ્યમથી ટિકિટ ન ખરીદવા માટે લોકોને જાગૃત કરવા આરપીએફ દ્વારા અનેક જાગૃતિ અભિયાનો પણ ચલાવવામાં આવી રહ્યા છે.
ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે આરપીએફ અનધિકૃત ટિકિટ દલાલી સામે રેલવે અધિનિયમની કલમ 143 હેઠળ કાર્યવાહી કરે છે. વર્ષ 2020 અને 2021માં અત્યાર સુધીમાં, મુંબઈ ડિવિઝનમાં 532 કેસ નોંધાયા છે. જેમાં 2.68 કરોડથી વધુના મૂલ્યની કુલ 14213 ટિકિટ જપ્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, 637 દલાલોની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ તેમના પર આશરે રૂ.30 લાખનો દંડ કરવામાં આવ્યો હતો. MAC, NGET, RED BULL, ANMS, DELTA અને ADHAR સહિતના ઘણા ગેરકાયદેસર સોફ્ટવેર અને ટર્બો એક્સ્ટેન્શન્સ જેવા ગેરકાયદે એક્સ્ટેન્શન્સને સાયબર પેટ્રોલિંગ દ્વારા ટ્રેક કરીને નષ્ટ કરવામાં આવ્યા હતા. આ સોફ્ટવેર અને એક્સ્ટેન્શન્સનો ઉપયોગ કરતા દલાલોની ધરપકડ કરી તેમની સામે કોર્ટ કેસ પણ ચલાવવાની કાર્યવાહી કરવામાં આવી છે.