Dakshin Gujarat

વાપીની આ બેંકના કેશિયરે સેફ વોલ્ટમાંથી ગ્રાહકના લાખોના દાગીના ચોરી નકલી ઘરેણાં મૂકી દીધા

વાપી: (Vapi) વાપી દમણ (Daman) રોડ પર આવેલી યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં (Union Bank of India) કેશિયર તરીકે વિપુલ શ્યામ મનચંદાની (ઉં.26, રહે. રાજસ્થાન) ફરજ બજાવે છે. આ બેંકમાં (Bank) વાપીની એક મહિલાનું 3 ગોલ્ડ લોન એકાઉન્ટ ચાલે છે અને તેઓએ નેકલેશ, બ્રેસલેટ, ચેઈન, એરીંગ, મંગળસૂત્ર, કડા, બંગડી વગેરે રાખ્યા હતાં. વર્ષ 2022 ના રોજ કેરળ જ્વેલરી વર્કસ દ્વારા ગ્રાહકના ખાતાનું મૂલ્યાંકન કરવામાં આવતા 25 ગોલ્ડ લોન પેકેટોમાંથી વાપીની મહિલાના ત્રણ ગોલ્ડ લોન પેકેટમાં બનાવટી દાગીના હોવાનું જણાયું હતું. જે અંગેની જાણ બેંક દ્વારા હેડ ઓફિસને કરવામાં આવી હતી.

  • બેંકના કેશિયરે ગ્રાહકના રૂપિયા 19.59 લાખના દાગીના ચોરી નકલી ઘરેણાં મૂકી દીધા
  • રોકડ ઉપાડવાના બહાને સેફ વોલ્ટમાં પ્રવેશી કરતબ અજમાવ્યો પણ કેમેરામાં ઝડપાઇ ગયો

જે બાદ બેંક દ્વારા સીસીટીવી તપાસમાં બેંકનો કેશિયર વિપુલ મનચંદાની દ્વારા વર્ષ 2021 થી 2022 ના સમયગાળામાં રોકડ ઉપાડવાના બહાને સેફ વોલ્ટમાં પ્રવેશી દાગીના પેકેટને બ્રાઉઝ કરતા નજરે પડ્યા હતાં. તેઓએ બેંકની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરી પેકેટ સાથે ચેડા કરી ગ્રાહકના ગીરવે મૂકેલા દાગીનાની ચોરી કરી તેની જગ્યાએ નકલી દાગીના મૂકી બેંક સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના મેનેજર જયદીશકુમાર ચીન્નાકુલ્લાયપપ્પા ચીત્રા (ઉં.37, રહે. સર્જન રેસીડન્સી, ચલા, વાપી મૂળ આંધપ્રદેશ) એ વાપી ટાઉન પોલીસ મથકમાં નોંધાવી હતી.

સબંધી મામાને ત્યાંથી ચોરી કરી દાગીના વેચવા નીકળેલા બે ઈસમો ઝડપાયા
સુરત : પારડી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એએસઆઈ ચંદુભાઇને મળેલી બાતમીના આધારે ઓરવાડ ગામ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. તે દરમિયાન મોપેડ નં. એમએચ-02 ઈવી-1775 પર આવતા બે ઈસમોની મોપેડને અટકાવી નામઠામ પૂછતા આકાશ હરેશભાઇ પટેલ (ઉં.આ.26 રહે.કિકરલા ગ્રીનસીટી રોહાઉસ, પારડી) તથા ફોરમ પટેલ (ઉં.આ.31 રહે.કલસર ગામ પટેલ ફળીયા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે અંગઝડતી કરતા તેઓની પાસેથી સોનાના દાગીના, મંગળસૂત્ર, ડાયમંડવાળી વીંટી મળી કુલ રૂ.2,21,103 અને મોબાઈલ ફોન મળ્યા હતાં.

પોલીસે ઘરેણા અંગે જરૂરી બીલ-આધાર-પુરાવા માંગતા નહીં હોવાનું જણાવતા પોલીસે ઘરેણા, મોપેડ, ફોન મળી કુલ રૂ. 3,11,103 નો મુદ્દામાલ કબજે કરી બંને ઈસમોની અટક કરી પારડી લાવી આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં આકાશ પટેલે જણાવ્યું હતું કે આટિયાવાડમાં તેમના સબંધી મામા જીતેશભાઇ રમેશભાઇ પટેલ (રહે. ડાભેલ આટીયાવાડ,દમણ)ના ઘરમાંથી ચોરી કરી હતી અને પોતાની ફોઇના છોકરા ફોરમભાઇ પટેલ (રહે.કલસર ગામ) સાથે ઘરેણાં વેચવા માટે નીકળ્યા હતાં. આ બાબતની જાણ પારડી પોલીસે દમણ પોલીસ મથકમાં કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top