Dakshin Gujarat Main

મોસાલીમાં બાઇકસવાર ગઠિયા જ્વેલર્સના 20 લાખનાં ઘરેણાં અને રોકડ ભરેલી બેગ ઉઠાવી ગયા

વાંકલ: (vankal) માંગરોળના મોસાલી બજારમાં તાલુકા મથક માંગરોળ પોલીસ સ્ટેશનથી માત્ર ૫૦૦ મીટરના અંતરે આવેલી અંબિકા જ્વેલર્સ દુકાનના (Jewelers Shop) માલિક સવારે દુકાનનું તાળું ખોલી રહ્યા હતા. ત્યારે બે ગઠિયા રૂ.૨૦ લાખના સોના-ચાંદીના (Gold Silver) દાગીના ભરેલી બેગ લઈને બાઈક ઉપર ભાગી છૂટતાં પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

  • અંબિકા જ્વેલર્સના દુકાનદારે બૂમાબૂમ કરતાં અન્ય લોકોએ પીછો કર્યો, પરંતુ ગઠિયાઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા
  • રાત્રિ દરમિયાન દુકાનના સી.સી.ટી.વી. કેમેરાની દિશા ચોરોએ બદલી નાંખી હતી

માંગરોળમાં રહેતા અને મોસાલી બજારમાં અંબિકા જ્વેલર્સ નામની દુકાન ચલાવતા હીરાલાલ લક્ષ્મીચંદ સોની સવારે પોતાની દુકાન નવ વાગ્યે ખોલી રહ્યા હતા. ત્યારે બાઇક ઉપર આવેલા બે ગઠિયામાંથી એક ગઠિયાએ સોના-ચાંદીના દાગીના ભરેલી બેગ ઉપાડી લીધી હતી. આ ઇસમે લાલ કલરનું જેકેટ પીળા રંગની ટી-શર્ટ અને જીન્સ પેન્ટ પહેર્યું છે. મોં પર મફલર બાંધેલું છે. જ્યારે બીજો ઈસમ હેલ્મેટ પહેરી બાઇક લઇને આવ્યો હતો. જે બેગની ઉઠાંતરી કરનાર ઈસમને બાઈક પર બેસાડી વકીલપરા તરફ ભાગી છૂટ્યો હતો. આ સમયે દુકાનદાર હીરાલાલે બૂમાબૂમ કરતાં બાજુની દુકાનવાળા નિઝામભાઇ મદદે દોડી આવ્યા હતા અને ઘરેણાંની બેગ લઇને ભાગેલા ઈસમોનો પીછો કર્યો હતો. પરંતુ ખરેડા ગામથી તેઓ બીજા રસ્તે ફંટાઈ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા છેલ્લા એક-બે દિવસથી ઘટનાને અંજામ આપવા માટે આ ઈસમો રેકી કરી રહ્યા હતા.

વેપારી કેટલા વાગે સવારે દુકાન ખોલવા આવે છે તેવી તમામ ગતિવિધિ પર નજર રાખતા હતા અને ગત રાત્રે દુકાનના સીસીટીવી કેમેરાને બીજી દિશા તરફ ફેરવી દીધા હતા તેમજ દુકાનના કેમેરા ઉપર કોઈ પ્રવાહી છાંટી દીધું હતું. આ બનાવમાં દુકાનમાલિક હીરાલાલે માંગરોળ પોલીસ મથકમાં સોનાની વીંટીઓ, મંગળસૂત્ર, સોનાના પેન્ડલ અને રૂ.૨૦,૦૦૦ રોકડા સહિત કુલ રૂપિયા ૨૦ લાખની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં નાયબ જિલ્લા પોલીસ વડા જાડેજા, સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ચુડાસમા વગેરે અધિકારીઓએ ઘટના સ્થળે દોડી આવી તપાસનો દોર શરૂ કર્યો હતો.

દુકાનના માલિકે આખી રાત ચોરોને પકડવા ફિલ્ડિંગ ભરી
મોસાલી મામલતદાર કચેરી નજીકની સુખી સંસાર નામની દુકાનના સીસીટીવી કેમેરા સાંજના સમયે રેકી કરનારા ચોર ઈસમોએ ઊંધી દિશામાં ફેરવી દીધા હતા. રાત્રે દસ વાગે દુકાનના માલિક દુકાન ચેક કરવા આવતાં તેમણે કેમેરાની દિશા બદલાઈ હોવાનું જોયું હતું અને પોતાની દુકાનમાં રાત્રિ દરમિયાન આ ચોર ઇસમો ચોરી કરવા આવશે તેવું અનુમાન કરી આખી રાત તેમણે ચોરોને પકડવા માટે અન્ય યુવકો સાથે પ્રયત્નો કર્યા હતા. પરંતુ ચોર ઇસમોનો ટાર્ગેટ સવારે સોના-ચાંદીના દાગીના લૂંટવાનો હતો. તેમની યોજના મુજબ સવારે ઘટનાને અંજામ આપી દીધો હતો. બાજુના દુકાનદારે જણાવ્યું હતું કે, ૧ વર્ષ પહેલાં અમારી દુકાનમાં સીસીટીવી કેમેરાની દિશા બદલતો ઈસમ કેમેરામાં કેદ થયો હતો અને આ વર્ષ બાદ આ જ ઈસમોએ ૨૦ લાખની ચીલઝડપ કરી હોય એવું અમને લાગી રહ્યું છે.

Most Popular

To Top