વાંકલ: (Vankal) ઉમરપાડા તાલુકાના બરડીપાડા ગામના ઇન્ડિયન આર્મી (Indian Army) જવાને કોલકાતા ખાતે ફરજ દરમિયાન અગમ્ય કારણોસર આપઘાત કરી લેતાં જવાનના મૃતદેહને વતન ખાતે લાવવામાં આવતાં તેમની અંતિમયાત્રામાં સંસદ સભ્ય અને ધારાસભ્ય સહિત અનેક રાજકીય આગેવાનો, લોકોએ હાજર રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
- ચાર દિવસ પહેલાં જ ફરજ પર ગયેલા બરડીપાડાના આર્મી જવાનનો કોલકાતામાં આપઘાત
- સંસદ સભ્ય પ્રભુ વસાવા, ધારાસભ્ય ગણપત વસાવા સહિત આગેવાનો અંતિમયાત્રામાં જોડાયા
બરડીપાડા ગામનો શેતલભાઈ સામસિંગભાઈ વસાવા ઇન્ડિયન આર્મી 15 બિહાર રેજીમેન્ટમાં હતો અને હાલ તે પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે ફરજ બજાવતો હતો. આર્મી જવાન શેતલભાઈ વસાવા છેલ્લાં 17 વર્ષથી ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતો હતો. હમણા ચાર-પાંચ દિવસ પહેલાં જ જવાન પોતાના વતનના ગામે લગ્નપ્રસંગમાં આવ્યો હતો. લગ્નપ્રસંગ પૂર્ણ થતાં ફરી ફરજ પર જેવા ઘરેથી નીકળ્યો હતો અને કોલકાતા ખાતે ફરી ફરજ પર હાજર થયો હતો. દરમિયાન ગતરોજ રવિવારે આર્મી જવાને અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃત્યુનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી. જવાનના મૃતદેહને લઈને ઇન્ડિયન આર્મી 15 બિહાર રેજીમેન્ટના 10 જવાનો બરડીપાડા ખાતે આવી પહોંચ્યા હતા. આ દુઃખદ પ્રસંગે માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવા, સંસદ સભ્ય પ્રભુ વસાવા તેમજ સ્થાનિક અગ્રણી આગેવાનો, ભાજપ સંગઠનના આગેવાનો, ડેડિયાપાડા-માંડવી સહિત વિસ્તારના આર્મી જવાનો અંતિમયાત્રામાં જોડાયા હતા.