વલસાડ: (Valsad) વલસાડ તાલુકાના ઉટડી ગામના લોકોએ કોરોના વેક્સિન (Vaccine) અભિયાનને સાર્થક કરી 100 ટકા વેક્સિનેશન કરી પ્રેરક સંદેશો પાઠવ્યો છે. આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડ તાલુકાના ધરાસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના ઉટડી ગામના (Utdi village) પાત્રતા ધરાવતા 1669 ગ્રામજનોએ 100 ટકા વેક્સિનેશન કરાવી વેક્સિન અંગે અંધશ્રદ્ધા ફેલાવતા તત્વોને મજબૂત લપડાક આપી છે. ગામમાં કોળી પટેલ, હળપતિ, દેસાઈ મુસ્લિમ સમાજે વેક્સિનેશન કરાવી અન્ય ગામોને સુંદર સંદેશો આપ્યો છે. જે માટે એમ.ઓ, હેલ્થ વર્કર, આશાવર્કર, શિક્ષકો સ્થાનિક ગ્રામ પંચાયતના પદાધિકારીઓનો પણ મોટો ફાળો રહ્યો છે.
- ગ્રામજનોએ 100 ટકા વેક્સિનેશન કરાવી વેક્સિન અંગે અંધશ્રદ્ધા ફેલાવતા તત્વોને મજબૂત લપડાક આપી
- કોળી પટેલ, હળપતિ, દેસાઈ, મુસ્લિમ સમાજે વેક્સિનેશન કરાવી અન્યોને સંદેશો આપ્યો
ગેરસમજ-અફવાઓને પગલે અમે શાંતિપૂર્ણ સમાધાન શોધી સફળતા મેળવી
ઉટડી ગામ ધરાસણા પી.એચ.સી.માં આવે છે, ત્યાંના એમ.ઓ ડો.નિધિએ જણાવ્યું કે જિલ્લામાં વેક્સિનેશનના શરૂઆતના પ્રથમ દિવસે જ 126 લોકોએ વેક્સિન મુકાવી હતી. એ જોઈ ત્યારથી જ અમારી ટીમના સભ્યોએ સતત મહેનત કરી હતી. જોકે ઉટડી ગામમાં કોઈ વિરોધ જોવા મળ્યો ન હતો. જો કે કેટલીક ગેરસમજ અને અફવાઓને લઈ લોકો વેક્સિનથી દૂર રહેતા હતા, જેનું પણ અમે શાંતિપૂર્ણ સમાધાન શોધી સફળતા મળી છે.
બકરી ઈદ પર્વને લઈ વલસાડ પોલીસની મુસ્લિમ આગેવાનો સાથે બેઠક
વલસાડ : આગામી બકરી ઇદને અનુલક્ષી વલસાડ સીટી પોલીસ મથકે બુધવારે નાયબ પોલીસ વડા એમ.એન.ચાવડાની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું. નાયબ પોલીસ વડા ચાવડાએ જણાવ્યું કે વલસાડ શહેર કોમી એખલાસનું પ્રતીક મનાઈ છે. ઇદનું પર્વ શાંતિપૂર્ણ અને સોહાદપૂર્ણ વાતાવરણમાં ઉજવાઈ તેવા આપણા પ્રયાસો આવકારદાયક છે. તો મુસ્લિમ આગેવાનોએ પણ વર્તમાન કોરોના માહોલને લઈ ઇદની નમાઝ ઇદગાહમાં પઢાશે નહીં, મસ્જિદોમાં જ ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે નમાઝ અદા કરાશે તેવો નિર્ણય લેવાયો હોવાનું જણાવ્યું હતું. મુસ્લિમ આગેવાન ઝાહીદભાઈ દરીયાઈએ પોલીસની કામગીરીની સરાહના કરી હતી. તેમણે ઉમેર્યું કે બકરી ઈદની નમાઝ વર્તમાન કોરોનાના સંજોગોને ધ્યાનમાં લઈ ઇદગાહના બદલે મસ્જિદોમાં થશે, પાલિકા સભ્ય અને મુસ્લિમ આગેવાન ઝાકીર પઠાણે ઇદનું પર્વ કોઈપણ પ્રકારની ગેરસમજ કે અફવાથી દૂર રહી શાંતિપૂર્ણ રીતે ઉજવાય તેવી અપીલ કરી હતી. મુસ્લિમ યુવા આગેવાન ઈરફાન કાદરીએ સોશિયલ મીડિયામાં કોમી વૈમનસ્ય ફેલાવતા તત્વો સામે પગલાં લેવા પોલીસને જણાવ્યું હતું. બેઠકમાં પી.એસ.આઈ પરમાર,મૌલાના મિસબાહ, સામાજિક કાર્યકર સોહિલ ભખિયા ઉપસ્થિત રહ્યા હતા.