વાપી: (Vapi) ઉમરગામથી વલસાડ જઈ રહેલી ટ્રેનમાં (Train) બે વર્ષના પુત્રને લઈ મજૂર પિતા વાપી રેલવે સ્ટેશને (Railway Station) ઊંઘી ગયો હતો અને ઉદવાડા પહોંચ્યા અને ઊંઘમાંથી જાગ્યા ત્યારે તેનો બે વર્ષનો બાળક ગુમ થઈ ગયો હતો. જેની શોધખોળ બાદ કોઈ પત્તો નહીં લાગતા વાપી રેલવે પોલીસ મથકમાં બાળક ગુમ થયાની જાણ કરી હતી.
- ઉમરગામથી વલસાડ જવા નીકળેલા પિતા ઊંઘી ગયા અને 2 વર્ષનો બાળક ગુમ થયો
- ટ્રેનમાં ઉદવાડા પહોંચ્યા અને ઊંઘમાંથી જાગ્યા ત્યારે ખબર પડતા વાપી રેલવે પોલીસ મથકમાં બાળક ગુમ થયાની જાણ કરાઈ
વાપી રેલવે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, મૂળ ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામના અને હાલ વલસાડ રેલવે સ્ટેશન બહાર આવેલા ફૂટપાથ ઉપર તથા એસટી ડેપોની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં રહેતા નરેશભાઈ રમેશભાઈ પટેલ (ઉં.32) પરિવાર સાથે રહે છે. તેઓ મજૂરી કામ કરે છે. નરેશભાઈ તેના બે વર્ષના દિકરા હિતેશને લઈ ઉમરગામથી વલસાડ જવા માટે વિરાર-વલસાડ પેસેન્જર ટ્રેનમાં જનરલ કોચમાં બેસી મુસાફરી કરી રહ્યા હતાં.
બપોરના સમયે વાપી રેલવે સ્ટેશને ટ્રેન પહોંચી હતી અને ત્યાંથી નિયત સમય બાદ ઉપડતા તેઓ સૂઈ ગયા હતાં અને ઉદવાડા રેલવે સ્ટેશને ટ્રેન પહોંચી ત્યારે ઊંઘમાંથી જાગ્યા હતાં. તે સમયે તેનો બે વર્ષનો દિકરો નજરે પડ્યો નહીં અને તેની ભારે શોધખોળ બાદ કોઈ પત્તો નહીં લાગતા નરેશભાઈએ વાપી રેલવે પોલીસ મથકમાં પુત્ર ગુમ થયાની જાણ કરી હતી. હિતેશ રંગે શ્યામવર્ણ, પાતળા બાંધાનો છે અને ગળામાં તાવીજ તથા જમણા હાથમાં દરગાહનું તાંબાનું કડુ પહેરેલું છે તથા ડાબા પગના ટચલી આંગળીએ એક વધારાની આંગળી છે. જો કોઈને પણ આ બાળક અંગેની માહિતી કે પત્તો મળે તો વાપી રેલવે પોલીસ મથકનો સંપર્ક સાધવો.
પાલેજ અને વરેડીયા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનમાંથી પડી જતા આધેડનું મોત
ભરૂચ: ભરૂચ જિલ્લાના પાલેજ અને વરેડીયા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનમાંથી પડી જતા એક આધેડનું મોત નિપજવા પામ્યું હતું. રેલેવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાલેજ અને વરેડીયા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનમાંથી ગતરોજ કલાક ૧૧:૧૦ વાગ્યા આસપાસ એક આધેડ પડી જતા તેઓનું મોત નિપજવા પામ્યું હતું. ઘટનાની જાણ થતા ભરૂચ રેલવે પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ તુલસીભાઈ એ ઘટના સ્થળે પહોંચી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના જમણા હાથે રમેશ વાઘેલા લખેલ છે. મૃતકે વાદળી રંગનો શર્ટ તથા એસ કલરનો પેન્ટ પહેરેલ છે. ઉ.વ. આશરે ૬૫ છે. મૃતકના વાલી વારસોને ભરૂચ રેલવે પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.