વલસાડ: (Valsad) વલસાડના કાંપરી રેલવે ફાટક (Railway Crossing) પરથી પસાર થતી એક એસટી બસ (S T Bus) આજરોજ અચાનક બંધ થઇ ગઇ હતી. બીજી તરફ ત્યાંથી એક ટ્રેન (Train) પણ પસાર થવાની હતી. જોકે, ટ્રેને બ્રેક મારી અને બ્રેક લાગી જતાં બસ અને ટ્રેનનો ફિલ્મી સ્ટાઇલ અકસ્માત (Accident) થતો રહી ગયો હતો. આ ઘટના સમયે બસમાં સવાર મુસાફરોને સાક્ષાત મોતને નજીક આવતું નિહાળ્યું હોવાની અનુભૂતિ થઇ હતી.
- ટ્રેનના ચાલકે બ્રેક મારતા બસ અને ટ્રેનનો ફિલ્મી સ્ટાઇલમાં અકસ્માત થતા રહી ગયો
- બસમાં સવાર મુસાફરોએ સાક્ષાત મોતને નજીક આવતું નિહાળ્યું હોવાની અનુભૂતિ થઇ
- વલસાડ કાપરી ફાટક પર બસ અને ટ્રેન વચ્ચે ગોઝારો અકસ્માત થતા રહી ગયો
- ઘટનાના પગલે યશવંતપુર એક્સપ્રેસ 12 મિનિટ સુધી ત્યાં અટકી ગઇ
સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ અંકલેશ્વરથી વલસાડ આવતી એક એસટી બસ (GJ-18-Z-2971) વલસાડમાં કાંપરી ફાટક પર આવીને બગડી ગઇ હતી. એ સમયે ત્યાંથી યશવંતપુર એક્સપ્રેસ પસાર થવાની હતી. જોકે, યશવંતપુર એક્સપ્રેસના ડ્રાઇવરને તેની જાણ કરી દેવાતા તેણે અગાઉથી જ સ્પીડ ધીમી કરી તેની બ્રેક મારવાની શરૂઆત કરી દીધી હતી. જેના કારણે આ ગોઝારો અકસ્માત અટકી ગયો હતો.
ફાટક બંધ થયા બાદ કોઇ વાહન ત્યાં આવી જાય તો અકસ્માતનો ભય વધી જતો હોય છે, પરંતુ ફાટક બંધ નહીં થતાં ટ્રેનને જાણ કરી દેવાય તો અકસ્માતના ચાન્સ નહીવત હોય છે. આ ઘટનાના પગલે યશવંતપુર એક્સપ્રેસ 12 મિનિટ સુધી ત્યાં અટકી ગઇ હતી. ત્યાંથી બસ હટાવ્યા બાદ ટ્રેન પસાર થઇ હતી. આ ઘટનાના પગલે રેલવે પોલીસ, આરપી એફ સહિતનો રેલવે સ્ટાફ અને એસટીનો સ્ટાફ દોડતો થઇ ગયો હતો.
વિજલપોર ફાટક 3 દિવસ માટે બંધ, લોકોને હાલાકી
નવસારી : વિજલપોર પાસેથી રેલવે ફાટક નં. 126 પસાર થાય છે. જે ફાટક 1લી ઓગષ્ટથી આગામી 3જી ઓગષ્ટ સુધી સાંજે 7 વાગ્યે સુધી મરામત કાર્ય હેતુ બંધ રાખવાનો નિર્ણય રેલવે તંત્રએ લીધો છે. જે બાબતે ફાટક પર રેલવે તંત્ર દ્વારા બોર્ડ લગાવવામાં આવ્યું છે. જેથી વિજલપોર ફાટક પરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવશે.
જાયન્ટ્સ ગ્રૂપ વલસાડ દ્વારા બીલીમોરા-વઘઇ હેરિટેજ ટ્રેનનો પ્રવાસ યોજાયો
વલસાડ : હેમ આશ્રમ, જાગીરીના વિદ્યાર્થીઓ માટે નેરોગેજ ટ્રેનની મુસાફરીનો કાર્યક્રમ જાયન્ટ્સ ગ્રૂપ ઑફ વલસાડ દ્વારા યોજાયો હતો. જા.પ્રમુખ ડૉ. આશા ગોહિલ (પ્રોજેક્ટ ચેરપર્સન), દક્ષેશ ઓઝા, હાર્દિક પટેલ, દેવરામ બાપા, જયંતીભાઈ આયોજિત આ કાર્યક્રમ ફેડરેશન પ્રમુખ બાલા શેટ્ટીજીના શુભાશિષ અને IFDPP વિજયભાઈ પટેલ, ફેડ. ડાયરેક્ટર યુનિટ-૧ સુમંતરાય, જાયન્ટ્સ ગ્રૂપ ઑફ બીલીમોરાના પ્રમુખ રાજશ્રી ટંડેલ તથા ઉપસ્થિત સભ્યોના સહિયારા પ્રયાસથી આ પ્રવાસ સફળ રહ્યો હતો. 109 વર્ષની બીલીમોરા-વઘઇ હેરીટેજ ટ્રેન અને ગુજરાતની શાન એવી આ નેરોગેજ ટ્રેનની રોમાંચ જગાવતી મુસાફરીનો અદભૂત આનંદ જે બાળકો ક્યારેય ટ્રેનમાં નહીં બેઠાં હોય એ બાળકોએ માણ્યો હતો.