વલસાડ: (Valsad) વલસાડ પોલીસે વિદ્યાર્થીઓ (Student) અને રાહદારીઓની સુરક્ષા માટે થોડા દિવસથી ટ્રાફિક (Traffic) નિયમન અભિયાન શરૂ કર્યું છે. જેમાં તેમના દ્વારા અબ્રામા વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ બાદ આવાબાઇ સ્કૂલ બહાર ગૌરવ પથ પર ચેકિંગ હાથ ધર્યું હતુ. જેમાં તેમણે 16 વર્ષથી ઓછી ઉમરના લાયસન્સ વિના મોપેડ ચલાવતા અનેક વિદ્યાર્થીઓને દંડી 10 થી વધુ મોપેડ પણ કબજે લીધા હતા. જેને લઇ વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઇ હતી.
- સ્કૂલમાં લાયસન્સ વિના મોપેડ લઇ જશો તો પોલીસ પકડશે
- ટ્રાફિક પોલીસનું વલસાડની આવાબાઇ સ્કૂલ બહાર આકસ્મિક ચેકિંગથી વિદ્યાર્થીઓમાં દોડધામ
- લાયસન્સ વિના મોપેડ ચલાવતા અનેક વિદ્યાર્થીઓને દંડ ફટકારી 10 થી વધુ મોપેડ કબજે લીધા
વલસાડની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓ લાયસન્સ વિના બાઇક અને મોપેડ લઇ આવતા હોય છે. જેમાં વિદ્યાર્થીઓને મોપેડનું લાયસન્સ જ મળતું નહીં હોવા છતાં કેટલાક વિદ્યાર્થીઓ બાઇક પર પણ સ્કૂલમાં આવતા હોય છે. આવા વિદ્યાર્થીઓને સ્કૂલમાં બાઇક નહીં લાવવા દેવા માટે પણ તાજેતરમાં એક બેઠક મળી હતી. તેમ છતાં કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓ સ્કૂલની સૂચનાને પણ ઘોળીને પી જતા હોય છે. જેના કારણે પોલીસે તેમની સામે કડક હાથે કામ લેવાનું શરૂ કર્યું છે. પોલીસ હવે ગમે ત્યારે ગમે તે સ્કૂલ બહાર ચેકિંગ હાથ ધરી રહી છે. જે અંતર્ગત આજરોજ તેમણે ગૌરવપથ પર ચેકિંગ હાથ ધર્યું હતુ. તેમણે આવાંબાઇ સ્કૂલના તમામ ગેટ બહાર ચેકિંગ હાથ ધરી વિદ્યાર્થીઓને ઘેરી લીધા હતા. જોકે, કેટલાક વિદ્યાર્થીઓ બ્રહ્મકુમારીઝ માર્ગ પર વાહનો પાર્ક કરતા હોય તેઓ બચી પણ ગયા હતા. જોકે, આ ચેકિંગમાં તેમણે 10 થી વધુ વાહન કબજે લીધા હતા. તેમજ તેમના વાલીઓને પણ બોલાવ્યા હતા. જેને લઇ વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.
16 વર્ષે મોપેડનું લાયસન્સ મળી શકે છે
ભારતમાં 16 વર્ષની ઉમરે ગિયર વિનાના મોપેડનું લાયસન્સ મળી શકે છે. જેથી ધો.11 અને ધો.12 ના વિદ્યાર્થીઓને જ લાયસન્સ મળી શકે છે, પરંતુ સ્કૂલોમાં અભ્યાસ કરતા ધો.9 અને ધો. 10 ના વિદ્યાર્થીઓ પણ બાઇક લઇ સ્કૂલે જતા હોય છે. તેમના વાલીઓ પણ તેમને બિન્દાસ રીતે મોપેડ કે બાઇક આપી દેતા હોય છે. જેમની સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
અનેક ટ્યુશન અને સ્કૂલ ટાઇમને પહોંચી વળવા મોપેડનો ઉપયોગ
ધો.11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓને મોપેડની વધુ જરૂરિયાત રહેતી હોય છે. તેમણે અનેક ટ્યુશન જવાનું હોય છે અને તેની સાથે સ્કૂલનો સમય પણ સાચવવાનો હોય છે. તેઓ મોપેડ લઇને સ્કૂલે જતા હોય છે, પરંતુ આવા વિદ્યાર્થીઓને બાઇક આપવું કાયદા વિરૂદ્ધ છે. સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને મોપેડ જ આપી શકાય છે. તેમ છતાં અનેક વિદ્યાર્થીઓ બાઇક પર સ્કૂલે જતા દેખાતા હોય છે.