વલસાડ: (Valsad) વલસાડ એસટી ડેપો બહાર વાપી જઇ રહેલી એક બસના (Bus) ચાલકે અચાનક બ્રેક મારી હતી. જેના કારણે પાછળથી આવતી એક કાર (Car) બસ સાથે અથડાઇ હતી. જેનાથી ગુસ્સે ભરાયેલી કાર ચાલક મહિલા બહાર નિકળી અને બસની ચાવી કાઢી લીધી હતી. જેના કારણે થોડો સમય સુધી ટ્રાફિક (Traffic) જામ થયો અને ભારે હંગામો થયો હતો.
- બસ ચાલકે બ્રેક મારતા મહિલાની કાર બસ સાથે અથડાઇ અને શરૂ થયો ફિલ્મી ડ્રામા
- વલસાડ એસટી ડેપો બહાર જ મહિલાએ બસની ચાવી કાઢી હંગામો કર્યો
- કારમાં સવાર મહિલાએ બસમાં ચઢી ચાવી કાઢી લેતા મુસાફરો અટવાયા, ટ્રાફિક પણ જામ થઇ ગયો
સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ ડેપોથી વાપી જવા માટે નિકળેલી એક બસના ચાલકે અચાનક બ્રેક મારી દેતાં પાછળથી આવી રહેલી એક કાર બસ સાથે અથડાઇ હતી. જેમાં કારને થોડું નુકસાન થયું હતુ. આ નુકશાનીના કારણે કારમાં સવાર મહિલા ઉતરી અને બસમાં ચઢી તેની ચાવી કાઢી દઈ ઝઘડો કર્યો હતો. આ ઘટનાના કારણે બસમાં સવાર મુસાફરો થોડો સમય સુધી અટવાઇ પડ્યા હતા. રોડ પર ટ્રાફિક જામ પણ થઇ ગયો હતો. આ મામલો થાળે પાડવા માટે એસટી વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. જેની કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી.
ખાનદેશ એક્સપ્રેસ ટ્રેનમાંથી મહિલાનું પૈસા ભરેલું પર્સ ચોરાયું
વલસાડ : ખાનદેશ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલી મહિલાએ પર્સમાં રૂ.1,26,000 લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા માથે નીચે મૂકીને સૂઈ ગયા હતા. જેનો લાભ લઈને તસ્કરો પૈસા ભરેલું પર્સ ચોરી કરીને ભાગી ગયા હતા. પોલીસ સૂત્રો પાસેની મળતી માહિતી મુજબ મુંબઈ કલ્યાણમાં રહેતા રૂપાલી અશોક કોલી તેઓ ફરવા માટે અમલનેર ગયા હતા અને ફરીને અમલનેર રેલવે સ્ટેશન પરથી ખાનદેશ એક્સપ્રેસ ટ્રેન કોચ એસ-1 સીટ નં.69 ઉપર બેસીને મુંબઈ આવવા માટે રવાના થયા હતા. ટ્રેન ચાલુ થતા રૂપાલી પોતાની સીટ ઉપર પોતાના પર્સમાં સોનાનું મંગલસૂત્ર, કાનની બુટ્ટી અને સેમસંગ મોબાઇલ મળીને કુલ રૂ.1.26. લાખનો મુદ્દામાલ માથા નીચે મૂકીને સૂઈ ગયા હતા. ત્યારે તસ્કરો ઊંઘનો લાભ લઈને મહિલાના માથા નીચે મુકેલું પૈસા ભરેલું પર્સ ચોરી કરીને ભાગી છુટ્યા હતા. ટ્રેન વલસાડ રેલવે સ્ટેશન પર રાત્રે એક વાગે આવતા રૂપાલી ઊંઘમાંથી ઉઠી ગઈ હતી. પોતાના માથા નીચે મુકેલું પર્સ નહીં દેખાતા ચોરી થઈ હોવાની જાણ થતા ફરિયાદ વલસાડ રેલવે પોલીસ મથકે નોંધાઈ છે.