વલસાડ: (Valsad) નાનકવાડામાં દેખાયેલા દીપડાએ વલસાડ સિટીમાં પ્રવેશ કર્યો હતો. આ દીપડો (Panther) બેથેલ હોમ આજબાજુ ફરતાં કુતરા પર હુમલો કરી ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ ગતરાત્રે દીપડાએ ધરમપુર રોડ (Road) ક્રોસ કરી મોગરાવાડીમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યાં તે એક કેમેરામાં કેદ થયો હતો. ત્યારે હવે મોગરાવાડી વિસ્તારના લોકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે.
- વલસાડમાં આવેલા દીપડાનો હવે મોગરાવાડીમાં પ્રવેશ
- મોગરાવાડીમાં ઘર બહાર લગાવાયેલા સીસીટીવી કેમેરામાં દીપડો દેખાયો
- દીપડો બેથેલ હોમ આજબાજુ ફરતાં કુતરા પર હુમલો કરી ભાગી છૂટ્યો હતો
- રખડતા કુતરા અને બકરીઓનો શિકાર સરળતાથી કરી શકતા દીપડાએ હવે શહેરમાં આશ્રય લીધો
- શિકારની શોધમાં જંગલમાંથી દીપડો વલસાડની આજુબાજુના ગામોમાંથી હવે શહેરમાં આવી ગયો
વલસાડ બેથેલ હોમમાં રહેતી પ્રતિક્ષા પટેલનો સામનો દીપડા સાથે થયો હતો. જેના બે દિવસ બાદ આ દીપડો મોગરાવાડીમાં ફરતો જોવા મળ્યો છે. આ દીપડો ધરમપુર રોડ ક્રોસ કરી રેલવે કોલોનીમાંથી મોગરાવાડી તરફ ગયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. શિકારની શોધમાં જંગલમાંથી દીપડો વલસાડની આજુબાજુના ગામોમાંથી હવે શહેરમાં આવી ગયો છે. શહેરમાં રખડતા કુતરાઓ અને બકરીઓનો શિકાર સરળતાથી કરી શકતો હોય દીપડાએ હવે શહેરમાં આશ્રય લીધો હોવાનું લાગી રહ્યું છે. ત્યારે વલસાડ વન વિભાગ દ્વારા હવે શહેરમાં પણ પાંજરૂ ગોઠવવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાત્રિ દરમિયાન હવે શહેરમાં ગમે ત્યાં દીપડો ફરતો દેખાય તો નવાઈ નહીં.
તિથલ રોડ પર પણ દીપડો આવ્યાની વાત ચાલી
થોડા મહિના અગાઉ ગવર્મેન્ટ કોલોની પાછળ દીપડો આવ્યો હોવાનુ કોઈએ જોયું હોવાની એક અફવા ચાલી હતી. જોકે સુલભ અને આરએમ પાર્ક પાછળની વાડીવાળા વિસ્તારમાંથી દીપડો આવે તો પણ નવાઈ નહી. આ વાત ગમે ત્યારે સાચી પણ થઈ શકે છે. ત્યારે વન વિભાગ શહેરમાં આવતા દીપડાને રોકવા યોગ્ય પગલાં ભરે એ જરૂરી બન્યું છે.