વલસાડ : વલસાડના (Valsad) તિથલનો દરિયો (Thitha Sea) ભરતીના કારણે આજે તોફાની બનતા ભરતીના મોજા ( waves) પથ્થર સાથે અથડાઈને ૧૦ થી ૧૫ ફૂટ જેટલાં ઊંચા ઉછળ્યા હતા. પૂનમ-એકમની ભરતી હોવાથી બપોર બાદ દરિયામાં કરંટ આવતાં મોજાં ઉંચે ઉછળતાં તેને જોવા કિનારા નજીક મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડે છે. જોકે, પોલીસ સર્તક હોવાથી દરિયામાં નાહવા જતાં લોકો અચકાયા હતા.
નવસારી જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા
નવસારી : નવસારી જિલ્લામાં શુક્રવારે આખો દિવસ ભારે પવન સાથે વરસાદના ઝાપટાં પડતાં રહ્યા હતા. જોકે દિવસ જિલ્લામાં એક ઇંચ પણ વરસાદ પડ્યો ન હતો આજે વહેલી સવારથી નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. સવારથી વરસાદની સાથે સાથે પવન પણ ફૂંકાતો રહ્યો હતો. વરસાદના ઝાપટાં સાથે જ પવન પણ ફૂંકાતા તોફાની વરસાદનો આખો દિવસ અનુભવ થયો હતો. દિવસભર વરસાદ પડવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. મહત્તમ તાપમાનમાં 1.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.
ક્યાં કેટલો વરસાદ નોંધાયો હતો ?
ગુરુવારે મહત્તમ તાપમાન 30 ડિગ્રી નોંધાયું હતું, જે આજે ઘટીને 28.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન ગુરૂવારે 24 ડિગ્રી નોંધાયું હતું, જેમાં ફક્ત 0.5 ડિગ્રીનો ઘટાડો થતાં શુક્રવારે લઘુત્તમ તાપમાન 23.5 ડિગ્રી નોંધાયું હતું. છેલ્લા બે દિવસથી સુસવાટા સાથે પવન ફૂંકાતો રહ્યો હતો. બંને દિવસ કલાકે 14.9 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.ગત ગુરૂવારે સાંજે 6 વાગ્યેથી શુક્રવારે સાંજે 6 વાગ્યે સુધી 24 કલાકમાં, નવસારી તાલુકામાં 27 મિ.મી. (1.1 ઇંચ), ગણદેવી તાલુકામાં 23 મિ.મી. (0.9 ઇંચ), ખેરગામ તાલુકામાં 22 મિ.મી. (0.9 ઇંચ), ચીખલી તાલુકામાં 17 મિ.મી. (0.7 ઇંચ), જલાલપોર તાલુકામાં 16 મિ.મી. (0.6 ઇંચ) અને વાંસદા તાલુકામાં 9 મિ.મી. (0.3 ઇંચ) વરસાદ નોંધાયો હતો.
છેલ્લા 24 કલાક દરમ્યાન તેજ પવન ફુંકાયો
આ ઉપરાંત શુક્રવારે આખો દિવસ વરસાદી ઝાપટાં વચ્ચે નવસારી તાલુકામાં 1 ઇંચ વરસાદ જયારે છેલ્લા બે દિવસથી સુસવાટા સાથે પવન ફૂંકાતો રહ્યો, બંને દિવસ કલાકે 14.9 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હોવાની સૂચન પણ હવામાન વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળી હતી.
વલસાડના ગામોમાં દરિયાના પાણી ફરી વળ્યા
વલસાડ : વલસાડ તાલુકાના કાંઠા વિસ્તાર મોટી દાતી, નાની દાતી સહિતના ગામોમાં દરિયાના પાણી ફરી વળતા અનેક ઘરો તૂટી ગયા છે, તો ઘર વખરીને મોટું નુકશાન પહોચ્યું છે. ગામમાં હોડીઓ ફરતી થઈ છે જેના પગલે છેલ્લા બે દિવસથી સ્થાનિક રહીશોની હાલત દયનીય બની છે. દરિયા નજીક થતાં રેતીખનનના પગલે કાંઠા વિસ્તારોના ગામોનું અસ્તિત્વ મટી જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ હોવા છતાં અને આખો કાઠા વિસ્તારના લોકોએ વલસાડ પહોચી કલેક્ટરને રજૂઆત કરી હોવા છતાં પરિસ્થિતિ યથાવત રહેતા ફરી વાર લોકોએ વિષમ પરિસ્થિતિનો સામનો કરવાની નોબત આવી છે. ગુરુવારે ભરતીના પાણી ઘરોમાં ઘૂસ્યા બાદ શુક્રવારે ફરી ભરતીના પાણી ઘરોમાં ફરી વળતાં થોડી ઘણી બચેલી ઘરવખરી પણ તણાઈ ગઈ છે.
છેલ્લા બે દિવસથી ઘરોમાં પાણી ભરાયાં
નાની દાતી, મોટી દાતી, ભાગલ દાંડી સહિતના ગામોમાં ગતરોજ પણ લગભગ બધા ઘરોમાં પાણી ભરાયાં હતાં. જેને લઇ જેમતેમ કરી લોકોએ ઘર વખરી બચાવી હતી, જોકે શુક્રવારે ફરી ભરતી આવતા મોટું નુકશાન થયું હતું. તંત્રના કર્મચારીઓએ પણ મુલાકાત લઈ જરૂરી રિપોર્ટ કર્યો હતો.