વલસાડ : ગુનાખોરીનો ગ્રાફ નીચો રખાવવામાં માહિર વલસાડ (Valsad) રૂરલ પોલીસ (Police) દ્વારા ચોરીની ફરિયાદમાં (Complaint) આનાકાની કરવાની અનેક ફરિયાદો સતત ઉઠતી રહી છે. કલવાડા ગામે ચાલતી શિવકથામાં ચોરીની ઘટનામાં પણ કંઇ આવું જ બન્યું હતુ. સત્તાના મદમાં મસ્ત બનેલા પીએસઆઇ (PSI) વનારે શિક્ષક સાથે તોછડું વર્તન કર્યું હતું. જેના પગલે મામલો મંત્રી નરેશ પટેલ સુધી પહોંચ્યો અને તેમણે ડીએસપીને (DCP) ફોન કરી મામલો થાળે પડાવ્યો હતો.
વલસાડના કલવાડા ગામે ચાલતી ગીરીબાપુની શિવકથામાં સોમવારે એક સાથે સોનાના ૪ મંગલસૂત્રની ચોરીની ઘટના બની હતી. જેમાં વૃદ્ધ મધુબેન ભુપતસિંહ ચૌહાણનાં ગળામાંથી ત્રણ તોલાનું અને વાંસદા તાલુકાના ચાપલધરા ગામે રહેતા સરોજબેન જયસિંહભાઈ પરમારના ગળામાંથી મંગળસૂત્ર ખેંચીને ભાગતી રાજસ્થાનના અલવર જિલ્લાની શ્રમજીવી મહિલા આશાદેવી રાજેશ કુમાર સિંઘને ચોરી કરતા વનીતાબેન દલપતસિંહ ઠાકોરે રંગેહાથ પકડી પાડી હતી. આ બનાવ બાદ કથાના આયોજક કલ્પેશભાઈએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસ આવી ગઈ હતી અને ચોરી કરનારી આશાદેવીને પોલીસજીપમાં બેસાડી પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. જ્યાં હાજર પીએસઆઇ રાજદિપસિંહ વનારે ભોગ બનનાર મધુબેનના શિક્ષકપુત્ર વિજયસિંહ ચૌહાણને બીજા દિવસે ફરિયાદ કરવા આવવા જણાવ્યું હતુ. બીજા દિવસે નોકરી પર જવાનું હોવાની રજૂઆત કરવા ગયેલા વિજયસિંહ સાથે વનારે તોછડું વર્તન કર્યું હતું. પોલીસ સામેથી દબાવતી હોય વિજયભાઈએ પિતાના મિત્ર બહેજ ગામનાં અગ્રણીઓને બોલાવ્યા હતા. ત્યારે તેમની સાથે પણ પોલીસે ગેરવર્તણૂક કરી 3ની વિરૂદ્ધ જ દારૂ પીધેલાનો કેસ કરી દીધો હતો.
જેનો અછોડો તુટ્યો તે વૃદ્ધાને પોલીસે મોડી રાત સુધી બેસાડી રાખી
પોલીસની આ દાદાગીરીની વાત નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિર અને કેબિનેટ મંત્રી નરેશભાઇ પટેલને કરાતાં તેમણે ડીએસપી રાજદીપ સિંહ ઝાલાને આ મામલે ફરિયાદ કરી હતી. ત્યારે ડીએસપી ઝાલાએ આ મામલે પીએસાઇને ટકોર કરતા તેમણે મોડીરાત્રે ફરિયાદ નોંધી હતી. તેમ છતાં પીએસઆઇ વનારે વૃદ્ધ મહિલાને રાત્રે 12 વાગ્યા સુધી બેસાડી રાખી પોલીસના અમાનવીય વર્તનનું અનોખું ઉદાહરણ પુરું પાડ્યું હતું.
ફરિયાદ નોંધી હતી, આક્ષેપો ખોટા છે : પીએસઆઈ વનાર
સમગ્ર ઘટના સંદર્ભે રૂરલ પીએસઆઈ વનારે કહ્યું કે, પોલીસ દ્વારા ચોરીની ફરિયાદ 9:30 વાગ્યે લેવામાં આવી હતી, પરંતુ ચાર વ્યક્તિના ઘરેણા ચોરી થયા હોય તમામના નિવેદનોને જાણ કરી લેવાની હોય થોડું મોડું થયું હતું. જેની ભલામણ કરવા આવેલા વ્યક્તિ દારૂ પીને પોલીસ મથકે આવ્યા હોય તેમની સામે પીધેલાનો કેસ કરતા તેઓ ખોટા આક્ષેપો કરી રહ્યા છે.
ફરિયાદીને દબાવવાનો રૂરલ પોલીસનો અનોખો ખેલ
વલસાડ રૂરલ પોલીસ દ્વારા છેલ્લા થોડા સમયથી ગુનાખોરી ડામવા અનેક ખોટા તરકટ કરાયા હોવાનું બહાર આવ્યું હતું. ગ્રીષ્મા હત્યાકાંડ બાદ ઉચ્ચ અધિકારીની નજરમાં આવવા ચાઇનીઝની હોટેલમાં કામ કરતા યુવક વિરૂદ્ધ ખોટો કેસ કર્યો હતો. ત્યારબાદ તેમના દ્વારા ચોરીની ઘટનામાં ફરિયાદ જ થતી ન હોવાનું બહાર આવ્યું હતુ. એક પછી એક રૂરલ પોલીસ વિસ્તારમાં અનેક ચોરી થાય છે, પરંત પોલીસ ફરિયાદ જ નથી લેતી. ફરિયાદ લઇને ચોર પકડે તો મુદ્દામાલ પણ રિકવર કરતી નથી. અતુલના વર્કશોપમાં થયેલી ચોરીની ઘટનામાં આવું જ બન્યું હતું. ફરિયાદીએ ચોર પકડાવ્યો છતાં પોલીસે તેનો લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો જ ન હતો. આ મામલે પણ પીએસઆઇ વનાર વિરૂદ્ધ આઇજી સુધી ફરિયાદ થઇ છે.