વલસાડ: વલસાડના (Valsad) પારડી તાલુકા નજીક નદીકિનારા પાસે એક કારમાંથી વૈશાલી બલસારાની લાશ મળી આવી હતી. મહિલા સિંગર વૈશાલી બલસારાની હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. 7 દિવસ બાદ પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. મળતી માહિતી મુજબ વૈશાલીની મિત્ર બબીતાએ જ સોપારી આપી વૈશાલીની હત્યા કરાવી હતી. બબીતાએ 8 લાખની સોપારી આપી પ્રોફેશનલ કિલર પાસે તેની હત્યા કરાવી હોવાની માહિતી સામે આવી રહી છે. પોલીસે પ્રોફેશનલ કિલર અને બબીતાની અટકાયત કરી છે.
વ્યાજે લીધેલા રૂપિયા પર આપવા ન પડે તે માટે હત્યા કરાવી
પોલીસ સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર વૈશાલીએ તેની મિત્ર બબીતાને ઉધાર પૈસા આપ્યા હતા. આ પૈસા બબીતા પરત આપવાની આનાકાની કરી રહી હતી. અંતે પૈસા પરત ન આપવા પડે તે માટે બબીતાએ પ્રોફેશનલ કિલરના હાથે તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
ઉલટ તપાસમાં હત્યાનો ભેદ ઉકેલાયો
પોલીસને વલસાડની ગાયિકા વૈશાલી હિતેશ બલસારાની લાશ ગત 28મીને સવારે તેને કારમાંથી પારડીના ચંદ્રપુર વિસ્તારમાંથી મળી હતી. ત્યારબાદ બીજા દિવસે તેની હત્યા થઈ હોવાનું પોસ્ટમોર્ટમબાદ બહાર આવ્યું હતું. આ લાશ મળતાની સાથે પોલીસે તેણીની હત્યાની તપાસ હાથ ધરી હતી. પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા અલગ અલગ આઠ ટીમ બનાવી હતી અને ત્રણ દિશામાં તપાસ કરી હતી. આ તમામ દિશામાં પોલીસને અનેક શંકાસ્પદ વ્યક્તિઓ મળ્યા હતા. જોકે કોઈપણ દિશામાં તેઓને હત્યારાની કોઈ કળી મળી ન હતી. ત્યારે પોલીસે 31 ઓગ્સટે મૃતક વૈશાલીની એક મહિલા મિત્રની ઉલટ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે 100થી વધુ સીસીટીવી ચેક કર્યા
મળતી માહિતી અનુસાર ગત શનિવારે વૈશાલી એક મહિલા પાસેથી ઉછીના પૈસા પરત લેવા માટે નીકળી હતી. અને બીજા જ દિવસે રવિવારે તેનો મૃતદેહ મળ્યો હતો. પોલીસને તેની લાશ કારમાંથી મળી હતી, ફોરેન્સિક પીએમમાં તેની ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. સિંગર હત્યા કેસમાં પોલીસે 100થી વધુ સીસીટીવી તપાસ્યા હતા. સાત દિવસના અંતે પોલીસે આ ચર્ચિત મર્ડર કેસ સોલ્વ કરવામાં સફળતા મળી છે.
મુંબઈથી મહિલા અને પ્રોફેશનલ કિલર ઝડપાયા
વલસાડ જિલ્લા પોલીસે હત્યા કરાવનાર મહિલા અને પ્રોફેશનલ કિલરની ગણતરીના દિવસોમાં વલસાડ જિલ્લા પોલીસે ધરપકડ કરી હતી. વ્યાજ રૂપિયા પરત આપવા ન પડે તે માટે તેની મિત્ર બબીતાએ હત્યા કરાવી હતી. વલસાડ પોલીસે મુંબઈથી કોન્ટ્રાક્ટ કિલર અને બબીતાની અટકાયત કરી હતી.