ઉમરગામ: (Umargam) વલસાડ એલસીબી પોલીસે (LCB Police) બાતમીના આધારે ભિલાડમાંથી દારૂ (Alcohol) ભરેલી ટ્રક પકડી પાડી ડ્રાઇવરની અટક કરી હતી. સેલવાસથી કેબલ ભરેલા લાકડાના ડ્રમની આડમાં સંતાડીને રૂપિયા 5.23 લાખની કિંમતનો દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો હતો જે પોલીસે ઝડપી પાડ્યો હતો.
વલસાડ એલસીબી પોલીસ શનિવારે પેટ્રોલિંગમાં હતી તે વખતે બાતમી મળી હતી કે સેલવાસથી એક ટાટા ટ્રક ડીએનમાં કેબલ ભરેલા લાકડાના ડ્રમની આડમાં સંતાડીનો દારૂનો જથ્થો સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ભિલાડ નરોલી ઓવરબ્રિજની નીચે વોચ ગોઠવી હતી. તે વખતે બાતમીવાળી ટ્રક આવતા તેને રોકી ટ્રકમાં તપાસ કરતા દારૂનો જથ્થો, બિયર વિસ્કી વોડકાની 2928 બાટલી કિંમત રૂપિયા 523200 દારૂનો જથ્થો મળી આવતા પોલીસે ડ્રાઇવર બિહારી જુમન ખાન (હાલ રહે ઉધના સુરત મૂળ રહે યુપી)ની અટક કરી માલ ભરાવનાર માંગીલાલ (રહે.વાપી)ને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે પાંચ લાખની કિંમતની ટ્રક તથા કેબલ ડ્રમ મળી કુલ રૂપિયા 41 લાખ 23 હજારનો મુદ્દામાલ કબજે કરી ભિલાડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
દમણથી પ્લાસ્ટીકની આડમાં લઇ જવાતો રૂપિયા 6.43 લાખનો દારૂ પકડાયો
વલસાડ: વલસાડ એલસીબીએ હાથ ધરેલા પેટ્રોલિંગ દરમિયાન તેમણે વાપી બલિઠા રેલવે ફાટક પાસેથી એક પ્લાસ્ટીકના દાણાની ગુણ ભરેલી ટ્રક પકડી હતી. જેમાંથી તેમણે પ્લાસ્ટીકની આડમાં લઇ જવાતો દારૂ ઝડપી પાડ્યો હતો. 103 બોક્સમાં 6.43 લાખનો દારૂ પકડી પડાયો હતો.
વલસાડ એલસીબીના કોન્સ્ટેબલ આશિષકુમાર કુવાડિયાને મળેલી બાતમીના પગલે ટીમે વાપી બલિઠા રેલવે ફાટક પાસે નાકાબંધી હાથ ધરી હતી. એ દરમિયાન બાતમી વાળો ટેમ્પો (નં. DN-09-V-9156) ને અટકાવી તેની જડતી લેતાં તેમાંથી પ્લાસ્ટીકના દાણાની 400 ગુણીની આડમાં દારૂ, વ્હિસ્કી અને વોડકાના બોક્સ નં. 103 કિ. રૂ. 6.43 લાખની પકડી પાડી હતી. જેના પગલે તેમણે ચાલક વિજય ભાઇલાલ કોરી (રહે. વાપી છીરી)ને પકડી પાડ્યો હતો. જેની પુછતાછ બાદ દારૂનો જથ્થો ભરાવનાર લાલચન્દ્ર ઉર્ફે કુમાર લાલચન્દ્રને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ કેસમાં પોલીસે પ્લાસ્ટીકના દાણા અને દારૂનો જથ્થો મળી કુલ રૂ. 25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.