વલસાડ: (Valsad) યુવા અવસ્થામાં હાર્ટએટેકના બનાવો ખરેખર ચિંતાજનક રીતે વધી રહ્યાં છે, તેમ છતાં સરકાર (Government) હજી આ બાબતને ગંભીરતા લઈ રહી નથી. વલસાડના પારનેરા ગામના બારચાલી ફળિયામાં રહેતા ધો.10માં ભણતા 15 વર્ષીય વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત નીપજતા ગામમાં શોકની કાલીમા ફેલાઈ ગઈ છે.
- વલસાડ પારનેરાના 15 વર્ષીય વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત
- વલસાડના જુજવાની ગાંધી શાળામાં ભણતા આયુષ રાઠોડ ત્રણ દિવસથી પગમાં દુખાવાની ફરિયાદ કરતો હતો
- ઘટનાના દિવસે રાત્રે ઊંઘ નહીં આવતા વહેલી સવારે તેની તબિયત લથડી હતી
- 108 આવી ત્યારે આયુષ રાઠોડનું પ્રાણ પંખેરું ઊડી ગયું હતું
વલસાડ તાલુકાના પારનેરા ગામના બારચાલી ફળિયામાં રહેતો આયુષ સુરેશભાઈ રાઠોડ (ઉંમર વર્ષ 15) વલસાડના જુજવાની ગાંધી શાળાના ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. આયુષ રાઠોડે છેલ્લા ત્રણ દિવસથી પગમાં દુખાવાની ફરિયાદ માતાને કરી હતી. જેથી તે ત્રણ દિવસથી શાળામાં રજા પાડી ઘરે આરામ કરતો હતો. જેને રાત્રે ઊંઘ નહીં આવતા વહેલી સવારે 4:30 કલાકે તેની માતાએ નાહવા માટે જણાવ્યા બાદ તે સુઈ ગયો હતો.
જોકે તેને ઊંઘ નહીં આવતા પરિવાર વહેલી સવારે 6:00 કલાકે આયુષની તબિયત સારી ન હોવાથી નજીકમાં રહેતા પરિવારના સભ્યોને બોલાવી લાવ્યા હતા. જોકે આયુષની તબિયત વધુ લથડી પડતા વલસાડની 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં 108ના પાયલોટ બીપીન પટેલ અને ઇ.એમ.ટી. ભાવેશ પટેલ ઘટના સ્થળે દોડી જઈ જોયું તો આયુષ રાઠોડનું મોત થઈ ચૂક્યું હતું. અચાનક આયુષ રાઠોડનું મોત છતાં પારનેરા ગામમાં શોકની કાલીમાં ફેલાઈ ગઈ હતી. આયુષનું મોત એટેક આવવાના કારણે થયું હોવાનું પ્રાથમિક અનુમાન કરાઈ રહ્યું છે.