વલસાડ: (Valsad) રાજસ્થાનના (Rajasthan) ભિંવડી વિસ્તારમાંથી ગુમ થયેલા બે તથા અન્ય ત્રણ બાળકિશોર સહિત કુલ 5 ને ત્રણ દિવસના ટૂંકા સમયગાળામાં વલસાડ એસઓજી (SOG) પોલીસે શોધી કાઢ્યા હતા. જેની જાણ પોલીસે રાજસ્થાન પોલીસને કરતા પોલીસ બાળકોના પરિવારને લઈ વલસાડ આવી પહોંચી હતી.
- રાજસ્થાનથી 5 બાળક ઘરેથી કહ્યા વગર ટ્રેનમાં મુંબઈ ફરવા જવા નીકળી પડ્યા
- રાજસ્થાનથી ગુમ બાળકોને વલસાડ એસઓજી પોલીસે શોધી પરિવારને સોપ્યા
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પોસઈ બી.એચ.રાઠોડ તથા સ્ટાફ ભિલાડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન એએસઆઇ વિક્રમ મનુ રાઠોડને રાજસ્થાનના ભિંવડી પોલીસ સ્ટેશનના અધિકારી રાકેશકુમાર મીણા તરફથી માહિતી મળી કે, ભિવાડી પો.સ્ટે. વિસ્તારના બે બાળકિશોર (ઉ.વ.14) તથા (ઉ.વ.12) ગત તા.28 સપ્ટેમ્બર 2023 ના રોજ તેના મિત્ર બાળકિશોર (ઉ.વ.15) તથા (ઉ.વ.14) ની જન્મ દિવસની પાર્ટીમાં જઇએ છીએ, તેવુ કહીં ઘરેથી નિકળ્યા હતા અને પરત ઘરે નહીં આવતા તેમના પિતા વિજયકુમાર બ્રહ્મદેવ સહની (રહે.ભિંવડી, રાજસ્થાન)એ ફરિયાદ આપી હતી. ત્યારબાદ તપાસમાં ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા આ બાળકો ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કચીગામમાં હોવાની માહિતી મળતા તેમના ફોટોગ્રાફ્સ મોકલી આપ્યા હતા.
જેના આધારે બાળકિશોરોની તપાસ કરતા કચીગામ પટેલ ફળીયામાં ઉપરોકત ફોટોગ્રાફસ મુજબના બે બાળક તથા તેની સાથેના બીજા ત્રણ બાળક રોડ ઉપર ચાલતા ફરતા મળી આવ્યા હતા. તેમને પોલીસ તરીકે ઓળખ આપી આ પાંચેય બાળકિશોરોને કાળજીપૂર્વક યોગ્ય રક્ષણ હેઠળ રાખી ભિલાડ પોલીસ સ્ટેશનના ચાઇલ્ડ વેલ્ફેર પ્રોટેકશન ઓફિસર એએસ આઇ મિનેષ સાહેબરાવ પાટીલ સમક્ષ તેમના નામ પૂછી પરિવારનો સંપર્ક કરાયો હતો. બાળકોને ઘરેથી નિકળી જવાનું પૂછતા તેમણે જણાવ્યું કે, મુંબઇ એક મહિના સુધી ફરવા જવા માટે ઘરેથી કોઇને કહ્યા વગર પોતાની મરજીથી ન્યુ દિલ્હીથી મુંબઇ સેન્ટ્રલ જતી ટ્રેનમાં નિકળ્યા હતા.
ત્યારે ટ્રેઇનમાં મુસાફરી કરી રહેલી એક સ્ત્રી સાથે પરીચય કેળવી રહેવાની વ્યવસ્થા કરી આપવાની વાત કરતા તેણીએ હા પાડતા તેની સાથે વાપી રેલ્વે સ્ટેશન ઉતરી તેમના ઘરે કચીગામ ગયા હતા. જ્યાં રહેવા જમવાની વ્યવસ્થા કરી આપી હતી. પોલીસે બાળકોના વાલી ન આવે ત્યાં સુધી ચિલ્ડ્રન હોમ ધરાસણા વલસાડ ખાતે મોકલી આપ્યા હતા. ભિંવડી પોલીસ બાળકોના વાલીઓ સાથે ચિલ્ડ્રન હોમ ધરાસણા ખાતે આવી પહોંચી હતી. જ્યાં બાળકોનો કબજો મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી.