Dakshin Gujarat Main

વલસાડ જિલ્લામાં સર્વત્ર વરસાદ, ખેડૂતો ખેતીકામમાં જોતરાયા

વાપી: (Vapi) વલસાડ જિલ્લામાં (Valsad District) સોમવારે અષાઢી બીજના દિવસે સૌથી વધુ વરસાદ ઉમરગામમાં 35 મીમી અને વલસાડમાં 27 મીમી વરસ્યો હતો. જ્યારે વાપી અને પારડીમાં 22-22 મીમી વરસાદ (Rain) પડ્યો હતો. જ્યારે જિલ્લાના અંતરિયાળ ડુંગરાળ પ્રદેશ કપરાડા-ધરમપુરમાં નહિવત્ વરસાદ રહ્યો હતો. જિલ્લામાં છેલ્લા 4-5 દિવસથી વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં (Farmers) હર્ષની લાગણી જોવા મળી હતી. તો બીજી તરફ સખત ગરમી, ઉકળાટ અને બફારાથી ત્રસ્ત લોકોને થોડી ઠંડક સાથે રાહત મળી હતી. વલસાડ ડિઝાસ્ટરના જણાવ્યા મુજબ 15મી જુલાઈ ગુરૂવાર સુધી સમગ્ર જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જેથી દરિયામાં મચ્છીમારી કરવા જતા માછીમારોને દરિયો નહીં ખેડવાની સલાહ પણ આપવામાં આવી છે.

જિલ્લામાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ
ઉમરગામ 35 મીમી
વલસાડ 27 મીમી
પારડી 22 મીમી
વાપી 22 મીમી
કપરાડા 13 મીમી
ધરમપુર 05 મીમી

નવસારી જિલ્લામાં વરસાદ ઝાપટા, પણ તાપમાન વધ્યું
નવસારી : નવસારી જિલ્લામાં આજે વરસાદી ઝાપટા યથાવત રહ્યા હતા. પરંતુ નવસારીમાં તાપમાન વધ્યું હતું.
નવસારી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ગત રવિવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સાંજે 6 વાગ્યે સુધી 24 કલાકમાં ખેરગામ તાલુકામાં 17 મી.મી., નવસારી તાલુકામાં 9 મી.મી., વાંસદા તાલુકામાં 5 મી.મી., ચીખલી તાલુકામાં 4 મી.મી., જલાલપોર અને ગણદેવી તાલુકામાં 1-1 મી.મી. વરસાદ નોંધાયો હતો. સોમવારે નવસારીમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હતો. સોમવારે નવસારીમાં મહત્તમ તાપમાન વધુ 2.5 ડિગ્રી વધતા 34 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન વધુ 0.5 ડિગ્રી વધતા 24.5 ડિગ્રી નોંધાયુ હતું. સોમવારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 96 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 80 ટકાએ રહ્યું હતું. જ્યારે દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ દિશાએથી 3.8 કિ.મી. ઝડપે પવનો ફૂંકાયા હતા.

દમણમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા સાર્વત્રિક ઠંડક પ્રસરી
દમણ : સંઘપ્રદેશ દમણમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતાં સાર્વત્રિક ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લા ઘણા સમયથી છૂટા છવાયા વરસાદ બાદ અચાનક વરસાદે હાથતાળી આપતાં લોકોએ જૂલાઈ મહિનામાં પણ ગરમીની ઋતુ ચાલી રહી હોય એની અનુભૂતી કરી હતી. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતની સાથે સંઘપ્રદેશ દમણ અને દાનહમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરી હતી. જેને લઈ સોમવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. જેને લઈ પ્રદેશનાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. જ્યારે સુકી ધરતી ફરી એક વાર ભીંજાતા વાતાવરણ આહલાદક બન્યું હતું. સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોએ પણ આકરી ગરમીમાંથી રાહત મેળવી હતી. આ તરફ ખેડૂતોએ પણ વાવણીની પ્રક્રિયા પૂર્ણ કરી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યાં ખેતીલાયક વરસાદ વરસતાં ખેડૂતોએ પણ આગામી દિવસોમાં સારો વરસાદ વરસશે એવી આશા વ્યક્ત કરી હતી.

Most Popular

To Top