વલસાડ: (Valsad) વલસાડમાં રવિવારે મળસ્કે કમોસમી વરસાદી (Rain) ઝાપટું પડ્યું હતુ. વલસાડના શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આવી પરિસ્થિતિ ધરમપુર, કપરાડા તેમજ વાપીમાં (Vapi) પણ જોવા મળી હતી. જેના કારણે આગામી કેરીની મોસમ બગડે એવી પરિસ્થિતિ ઉભી થઇ છે.
વલસાડમાં રવિવારે વહેલી પરોઢે આવેલા કમોસમી વરસાદી ઝાપટાંના કારણે કાળઝાળ ગરમીમાંથી ફરીથી રાહત મળી હતી. વાતાવરણ ખુશનુમા થઇ ગયું હતુ. તેની સાથે બપોરે પણ ઠંડા પવનો ચાલ્યા હતા અને થોડી ઠંડકની અનુભૂતિ થઇ હતી. જોકે બપોર બાદ ફરીથી ગરમી શરૂ થતાં સવારે ચોમાસુ અને પછી સાંજે ઉનાળાની અનુભૂતિ થઇ હતી. જોકે એકંદરે ગરમીમાં થોડી રાહત મળી હતી. આ વર્ષે સતત વરસી રહેલા કમોસમી વરસાદના કારણે કેરીના પાકને ભારે નુકશાની થઇ રહી છે. આંબા પર લાગેલા મોર વરસાદના કારણે કાળા પડી રહ્યા છે. જેના કારણે આ વર્ષે કેરી સામાન્ય વ્યક્તિ માટે મિષ્ટાન જેવી મોંઘી બને એવું લાગી રહ્યું છે.
ચીખલી પંથકમાં સતત પંદર વીસ મિનિટના વરસાદથી માર્ગો પર પાણી ભરાયા
ઘેજ : ચીખલી પંથકમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો. જો કે વરસાદ બાદ વાતાવરણ ખુલી જતા તડકો જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે બીજા દિવસે પણ ચીખલી પંથકમાં વાદળો ઘેરાયા હતા અને સવારે દસેક વાગ્યાના અરસામાં કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. સતત પંદર વીસ મિનિટ ધીમી ધારે વરસાદ વરસતા માર્ગો પરથી પાણી વહેવા સાથે ખાડા ખાબોચિયા પણ પાણીથી છલકાઇ ગયા હતા. વરસાદ બાદ કાળા દિબાંગ વાદળો દૂર થઇ જતા વાતાવરણ સાફ થઇ જતા તડકો પડ્યો હતો.
હાલે ચીખલી પંથકમાં આંબા પરથી કેરી ઉતારવાનું કામ ચાલતુ હોય આ કામમાં પણ મુશ્કેલી સર્જાઇ હતી. આ ઉપરાંત ઇંટ ઉત્પાદનના ભઠ્ઠાઓ ઉપર માટીની કાચી ઇંટો પર પ્લાસ્ટિક ઓઢાડી કાચી ઇંટને સુરક્ષિત કરવા માટે ભઠ્ઠાના માલિકોને મથામણ કરવી પડી હતી. ઉપરાંત રવિવાર હોય ગામે ગામ નાની મોટી ચાલતી ક્રિકેટ ટુર્નામેન્ટોના રંગમાં પણ વરસાદની એન્ટ્રીથી ભંગ પડ્યો હતો. તાલુકામાં સુજલામ સુફલામ કે અન્ય રીતે માટી ખનન કરતા વાહનોને પણ બ્રેક લાગી ગઇ હતી. હાલે લગ્નની સીઝન પણ આવી રહી છે તેવા સંજોગોમાં કમોસમી વરસાદથી લગ્ન આયોજકોની મૂંઝવણ પણ વધવા પામી છે.