વલસાડ: (Valsad) પોલીસે (Police) પકડેલા વાહનોમાં ચોરીની (Theft) ઘટના કોઇ નવી નથી. પોલીસ જ્યારે પણ કોઇ વાહન પકડે ત્યારે તેમાંથી ચોરી અચૂક થઇ જ જતી હોવાની એક ચર્ચા છે. જોકે, નાની મોટી ચોરીમાં કોઇ ફરિયાદ નોંધાતી ન હોય આવી ઘટના બહાર આવતી નથી, પરંતુ હાલ વલસાડ રૂરલ પોલીસે જમા લીધેલા વાયર અને કોઇલના જથ્થામાંથી રૂપિયા 2.05 લાખની મત્તાના વાયરો અને કોઇલ કોઇ ચોરી જતાં મામલો ગંભીર બન્યો અને રૂરલ પોલીસે પોતાની જ આઉટ પોસ્ટના કબજા હેઠળ થયેલી ચોરીની ફરિયાદ નોંધવી પડી હતી.
- પોલીસ સ્ટેશન પણ સુરક્ષિત નથી : વલસાડ પોલીસના અતુલ આઉટપોસ્ટમાં જ ચોરી
- પોલીસે વાયરની આડમાં દારૂનો જથ્થો પકડી વાયરો અને કોઇલ કબજે લીધી હતી, તે પણ કોઇ ચોરી ગયું
- વલસાડ એસપી ખાતાકીય ઇન્કવાઇરી પણ બેસાડાશે
- પોલીસે જ પોતાની જ આઉટ પોસ્ટના કબજા હેઠળ થયેલી ચોરીની ફરિયાદ નોંધવવી પડી
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ પોલીસે ગત 26 નવે.2023 ના રોજ એક કેબલ અને કોઇલના જથ્થાની આડમાં લઇ જવાતો દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. આ દારૂનો જથ્થો પોલીસે કબજે કર્યો સાથે સાથે તેમાં ભરેલા વાયરો અને કોઇલનો રૂપિયા 12.78 લાખનો જથ્થો અને ટ્રક પણ કબજે લીધી હતી. આ ટ્રક વાયરો લઇ જવા ભાડે અપાઇ હતી, પરંતુ તેના ચાલક વિવેક નાગદાન ઘેલાભાએ તેમાં દારૂ ભરાવ્યો હોય, પોલીસે તેને પકડી પાડ્યો હતો. આ ટ્રક વલસાડ પોલીસે રૂરલ પોલીસ મથકની અતુલ પોલીસ આઉટ પોસ્ટના કમ્પાઉન્ડમાં મુકી હતી.
બાદમાં ટ્રાન્સપોર્ટરે તેની ટ્રક છોડવવા કાર્યવાહી કરી હતી. ગતરોજ તેઓ જ્યારે ટ્રક અને સામાન લેવા ગયા ત્યારે અતુલ આઉટ પોસ્ટના કંમ્પાઉન્ડમાં તેમણે ઇનવોઇસ મુજબ માલની ચકાસણી કરી હતી. જેમાં 26 નંગ નાની મોટી કોઇલ અને એક કેબલ બોક્સ મળી કુલ રૂપિયા 2,05,801ની મત્તાનો સામાન ગાયબ હતો. પોલીસના કબજામાં રાખેલી ટ્રકમાંથી આ ચોરીની ઘટના ખૂબ ગંભીર હતી. ત્યારે આ સંદર્ભે તેમણે વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ આપતાં રૂરલ પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ આ બનાવ સંદર્ભે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પોલીસ પોતાના જ કબજાની રક્ષા ન કરી શકે તો અન્ય સંપત્તિની કઇ રીતે કરી શકે
અત્રે ઉલ્લેખનિય છે કે, પોલીસ જ્યારે પોતાના જ કબજાની રક્ષા ન કરી શકતી હોય ત્યારે, અન્ય સંપત્તિની કઇ રીતે રક્ષા કરી શકે એવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે. આ બનાવમાં કોઇ જાણ ભેદુ જ સંડોવાયેલો હોય એવી પણ ચર્ચા ચાલી રહી છે. આ અંગે વલસાડ એસપી દ્વારા એક ખાતાકિય ઇન્કવાઇરી પણ બેસાડાશે એવું પણ જાણવા મળ્યું છે.