વલસાડ (Valsad): બોટાદના (Botad) બરવાળામાં (Barwada) બે દિવસ પૂર્વે થયેલા લઠ્ઠાકાંડમાં (Laththa Kand) અત્યાર સુધીમાં 55 લોકોના મોત થયા છે. ચારેતરફ તેની જ ચર્ચા છે. સરકાર પણ આ મામલે ભીંસમાં મુકાઈ છે. રાજ્યની પોલીસ ઠેરઠેર દારૂના પીઠા બંધ કરાવવા દોડાદોડી કરી રહી છે ત્યારે બીજી તરફ વલસાડમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI), 3 કોન્સ્ટેબલ (Constable) સહિત કુલ 19 લોકો દારૂની મહેફિલ (Liquor Party ) માણતા ઝડપાયા છે. વલસાડના એસપીએ (SP) જાતે દરોડા (Raid) પાડી આ દારૂડિયાઓને ઝડપી (Arrest) પાડ્યા છે. આ સાથે જ પોલીસે મોંઘી બ્રાન્ડનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ જિલ્લાના અતુલ ખાતે આવેલા નાનાપોંઢાના પોલીસ સબઈન્સ્પેક્ટર તેમના મિત્રના બંગલામાં 3 કોન્સ્ટેબલ સહિત કુલ 19 લોકો સાથે દારૂની મહેફિલ માણી રહ્યા હતા, જેની જાણ ઉચ્ચ અધિકારીઓને થતાં તેઓએ આ દારૂડિયા પોલીસવાળાને રંગેહાથ પકડવાનો પ્લાન બનાવ્યો હતો અને ખુદ એસપીએ જ રેઈડ પાડી તેઓને દારૂ પીતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. વલસાડ એસપીએ દારૂનો જથ્થો, કાર તથા અન્ય વાહનો કબ્જે કર્યા છે
સોમવારે બોટાદના બરવાળામાં કેમિકલયુક્ત દેશી દારૂ પીવાના લીધે લોકોના મોત થવાનું શરૂ થયું હતું. બે દિવસમાં 55 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ ઘટનાના પગલે મંગળવારે સવારથી જ રાજ્યનું પોલીસતંત્ર હરકતમાં આવી ગયું હતું અને ઠેરઠેર દારૂના પીઠા, અડ્ડાઓ પર દરોડા પાડવાનું શરૂ કરાયું હતું, તે અંતર્ગત વલસાડ જિલ્લા એસપી ડો. રાજદીપ સિંહ ઝાલાને વલસાડના અતુલ ખાતે આવેલા એક બંગલામાં દારૂની પાર્ટી ચાલતી હોવાની બાતમી મળી હતી, જેના આધારે એસપીએ જાતે જ પોલીસ કર્મચારીઓને સાથે રાખી તે બંગલા પર દરોડા પાડ્યા હતા.
એસપી ઝાલાએ એલસીબી અને અન્ય પોલીસ સ્ટાફને સાથે રાખી રેડ કરી હતી. પોલીસે રેઈડ કરી ત્યારે અતુલના મુકુંદ ફર્સ્ટ ગેટ ખાતે સન્ની બાવીસકર નામના વ્યક્તિની જન્મ દિવસની પાર્ટી ચાલી રહી હતી. આ પાર્ટીમાં નાનાપોંઢાના પીએસઆઈ અને 3 કોન્સ્ટેબલ સહિત કુલ 19 શખ્સો દારૂ પી રહ્યાં હતા. તમામને પોલીસે અરેસ્ટ કર્યા હતા. મહેફિલમાંથી પોલીસે 18 બોટલ દારૂ, 26 મોબાઈલ, 5 કાર અને 7 બાઈક મળી કુલ 26 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. કાયદેસરનો ગુનો દાખલ કરી એસપીએ જાતે તપાસ શરૂ કરી છે..