વલસાડ : વલસાડ (Valsad) શાકભાજી માર્કેટમાં (Vegetable market) ખરીદી કરવા જાવ તો હવે પાર્કિંગની (Parking) સમસ્યા નડશે નહીં. પાલિકા દ્વારા તૈયાર થયેલું મલ્ટી લેવલ પાર્કિંગ હવે લોકો માટે ખુલ્લુ મૂકી દેવાયું છે. ગુજરાતના મુખ્યમંત્રી (CM) ભુપેન્દ્ર પટેલ દ્વારા તેનું મંગળવારે સવારે ઈ-લોકાર્પણ કરાયું છે. વલસાડ નગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલું મલ્ટી લેવલ પાર્કિંગ આજથી લોકો માટે ખુલ્લુ મૂકી દેવાયું છે. જેના કારણે હવે શાકભાજી માર્કેટમાં તેમજ સ્ટેડિયમ રોડ પર કાર પાર્કિંગની સવલતો ઉભી થશે અને પાર્કિંગના કારણે ઊભી થતી ટ્રાફિકની સમસ્યા પણ હલ થઈ શકશે. આ પાર્કિંગના કારણે પાલિકાની આવકમાં પણ વધારો થશે. વલસાડ પાલિકા દ્વારા તૈયાર થયેલા પાર્કિંગમાં 130 જેટલી કાર પાર્ક થઈ શકશે. સ્ટેડિયમ રોડ પર આવેલા મોટા હોલમાં યોજાતા ફંકશન દરમિયાન પણ આ પાર્કિંગમાં કાર પાર્ક થઈ શકશે. ત્યારે સાંજે કે રાત્રે અહીં કાર્યક્રમ દરમિયાન થતા ટ્રાફિકજામમાંથી લોકોને મોટી રાહત મળશે.
આહવામાં દિવ્યાંગ લાભાર્થીઓને ફ્લોરમીલનાં સાધનો અપાયા
સાપુતારા : દિવ્યાંગોને ઘર બેઠા રોજગારી પુરી પાડી શકાય તે માટે આજે આહવામાં લાભાર્થીઓને ફ્લોરમીલ માટેની ઘંટીનુ ધારાસભ્યનાં હસ્તે વિતરણ કરાયુ હતુ. આહવાના ચિલ્ડ્રન હોમ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ધારાસભ્ય વિજય પટેલે દિવ્યાંગજનોને આ ઘરઘંટીનો ઉપયોગ, સ્વરોજગાર માટે કરવાની અપીલ કરી હતી. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જિગ્નેશ ચૌધરીના જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લામા ચાલુ વર્ષે ‘દિવ્યાંગ સાધન સહાય યોજના’ના અંદાજીત ૭૦ જેટલા લાભર્થીઓને રૂ. ૨૦ હજારની યુનિટ કોસ્ટ ધરાવતા વિવિધ સાધનો વિનામૂલ્યે પૂરા પાડી સ્વરોજગારી ક્ષેત્રે પ્રવૃત કરવામા આવનાર છે તેમ જણાવ્યુ હતુ. આ યોજના અંતર્ગત ફ્લોરમીલના વ્યવસાય માટે ઘરઘંટી, શિવણ માટેના સાધનો, સુથારી કામની કીટ સહિત લાભાર્થીઓની માંગણી મુજબના સાધનો સો ટકા સહાયથી પુરા પાડવામા આવે છે. તેમ પણ તેમણે જણાવ્યુ હતુ.