વલસાડ : વલસાડમાં (Valsad) છેલ્લા કેટલાક દિવસથી ઝાડા (Diarrhea) ઉલટીનો (Vomiting) વાવર ચાલી રહ્યો છે. આ દરમિયાન આજરોજ નીરાના કારણે પણ ઝાડા થયાની ફરિયાદ વલસાડ કલેક્ટરને મળી હતી. જેના પગલે તેમણે તૂરંત એક્શનમાં (Action) આવી ફૂડ સેફ્ટી વિભાગને તેની જાણ કરી અને તેમણે તાત્કાલિક 5 સ્થળેથી તેના નમૂના લઇ તેને તપાસ અર્થે મોકલી આપ્યા છે.
- આરોગ્ય વર્ધક નીરાએ લોકોને ઝાડા કરાવી નાખ્યા
- વલસાડમાં પાંચ સ્થળેથી નીરાના નમૂના લઇ બગડેલા નીરાનો નાશ કરાયો
- વલસાડમાં કેટલાક સ્થળે અશુદ્ધ નીરો સમય બાદ પણ મળતા તપાસમાં 12 લોકોને ઝાડાની તકલીફ થઇ હોવાનું જાણવા મળ્યું
શિયાળામાં આરોગ્ય વર્ધક ગણાતો નીરો વલસાડના લોકોના આરોગ્ય માટે જોખમકારક બન્યો છે. આ નીરાના કારણે ઝાડાના કેસો વધતા હોવાનું અનેક લોકોમાં જોવા મળ્યું હતુ. જેમાં આજરોજ વલસાડમાં કેટલાક સ્થળોએ અશુદ્ધ નીરો સમય બાદ પણ મળતો હોવાનું જોવા મળતા કોઇ વ્યક્તિએ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેને ફરિયાદ કરી હતી. જેના પગલે કલેક્ટરે આ અંગે આરોગ્ય વિભાગને જાણ કરી હતી.
આરોગ્ય વિભાગની તપાસમાં 12 લોકોને ઝાડાની તકલીફ થઇ હોવાનું જાણવા મળ્યું હતુ. ત્યારે તેમણે આ અંગે તાત્કાલિક ધોરણે વલસાડ ફૂડ સેફ્ટી વિભાગને જાણ કરી હતી. ત્યારે ફૂડ સેફ્ટી વિભાગના ડેઝીગ્નેટેડ ઓફિસર જે. કે. ભાદરકા અને તેમની ટીમે વલસાડ મામલતદાર કચેરી પાસે આવેલા નીરા વેચાણ કેન્દ્રમાંથી, તિથલ રોડ પર સર્વોદય છાત્રાલય બહારની કેબિનમાંથી, તીથલ રોડ ચાર રસ્તા પર પોસ્ટ ઓફિસ નજીકની કેબિનમાંથી, ધરમપુર ચોકડી સ્થિત કેબિનમાંથી અને અતુલ ફર્સ્ટ ગેટની કેબિનમાંથી નીરાના નમૂના લઇ તેને ચકાસણી માટે રાજકોટ લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ સાથે તેમણે કેટલાક સ્થળોએ નીરા વેચાણમાં ગંદકી રખાતી હોવાનું જોતા નીરાનો નાશ કરાવ્યો હતો. તેમજ ચોક્કસ સમય સુધી જ નીરાનું વેચાણ કરવા તેમજ સ્વચ્છતા જાળવવા માટે ટકોર કરી હતી.