વલસાડ: (Valsad) વલસાડમાં બિન જરૂરિયાત દુકાનો ખુલ્લી (Shop Open) હોય તો એની સામે વલસાડ પોલીસ કાર્યવાહી કરી રહી છે, ત્યારે વલસાડના અંબામાતાના મંદિર પાસે આવેલી મંગલદીપ નામની દુકાન આગળના બારણે બંધ કરીને પાછળના બારણેથી ખુલ્લી રાખીને ધંધો કરતા હોવાનું ધ્યાનમાં આવતાં નાના વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. પોલીસ (Police) જો નાના માણસોની દુકાનો બંધ કરાવતી હોય તો શહેરની આવી મોટી દુકાનો બંધ કરાવે એ જરૂરી બન્યું છે.
મોટાબજાર સ્થિત અંબામાતાના મંદિર પાસે આવેલી મંગલદીપ કપડાની દુકાન આગળના ભાગે બંધ કરી દીધી હતી અને પાછળના દરવાજાથી ખુલ્લી રાખીને બિન્દાસ પાછળના બારણે ધંધો ચાલુ રાખ્યો હતો. જે દુકાનમાં ગ્રાહકો લગ્નની ખરીદી કરતા જોવા મળ્યા હતા. આ બાબતે નાના વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. નાના વેપારીઓ કપડાની દુકાન ખુલ્લી રાખે તો પોલીસ આવીને કાર્યવાહી કરે છે. જ્યારે મંગલદીપ જેવી મોટી દુકાનમાં રોજના કેટલાય લોકો પાછળના બારણે ધંધો કરી રહ્યા છે. પોલીસ આ દુકાન સંચાલક સામે કાર્યવાહી કરે આ દુકાનદારે કલેકટરના જાહેરનામાનો ભંગ કર્યો છે, જેથી કાર્યવાહી કરે એવું નાના દુકાનદારો ઈચ્છી રહ્યા છે.
લગ્ન પ્રસંગ માટે લખાવેલો કપડાંનો ઓર્ડર આપવા દુકાન ખોલી હતી
મંગલદીપના માલિક સતીશભાઈ શાહે જણાવ્યું હતું કે, નાના વેપારીઓએ અમારા પર જે આક્ષેપો લગાવ્યા છે તે બધા ખોટા છે. લગ્ન પ્રસંગ હોય ગ્રાહકો મહિના પહેલા કપડાંનો ઓર્ડર આપી ગયા હતા, તે લોકો કપડાં લેવા આવવાના હોય તે માટે ડિલીવરી કરવા દુકાન ખોલી હતી.
આવશ્યક સેવાઓ સિવાયના ધંધા-વેપારો બંધ રાખવાનું જાહેરનામુ છતા કેટલાકે દુકાનો શરૂ કરી દીધી
નવસારી: (Navsari) નવસારી અને વિજલપોરમાં આજે દુકાન ચાલુ રાખનારા સામે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લામાં કોરોનાના કેસો વધતા રાજ્ય સરકારે નવસારીમાં રાત્રિ કરફયુ લગાવ્યુ હતુ. જેથી નવસારી જિલ્લા કલેક્ટરે નવસારી-વિજલપોર શહેર વિસ્તારમાં આવશ્યક સેવાઓ સિવાયના ધંધા-વેપારો બંધ રાખવા માટે જાહેરનામુ બહાર પાડ્યુ હતુ. જોકે ગત રોજ પોલીસે આવશ્યક સેવાઓ સિવાયની તમામ દુકાનો બંધ કરાવવા માટે અપીલ કરી હતી. જેથી વેપારીઓએ તેમની દુકાનો બંધ કરી દીધી હતી. આજે ફરી નવસારી અને વિજલપોર શહેરમાં કેટલાક લોકોએ દુકાનો શરૂ કરી હતી. જેથી પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ચાલુ દુકાનોના માલિક વિરૂદ્ધ કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે. આ સિવાય કામ વગર સોસાયટીઓમાં બેસી રહેતા લોકોને સમજાવી જવા દીધા હતા.