વલસાડ: (Valsad) રાજ્ય સરકારે કોરોના રોકથામ માટે 29 શહેરોમાં રાત્રી કરફ્યુ અમલમાં મુક્યો છે. તો દિવસે પણ માત્ર આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો જ ખુલ્લી રહેશે તેવો નિર્ણય લેવાયો હતો. વલસાડ શહેરમાં કેટલીક અસમંજસના પગલે બુધવાર સવારે મહત્તમ દુકાનો ખોલી (Shop Open) દેવાઈ હતી. જોકે પોલીસે (Police) આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની દુકાનો શાંતિ પૂર્ણ રીતે સમજાવી બંધ કરાવી હતી. રાજ્ય સરકારે નવસારીમાં રાત્રિ કરફયૂ અમલમાં મુકતા જિલ્લા કલેક્ટરે આવશ્યક સેવાઓ સિવાયના તમામ ધંધા-વેપારો બંધ રાખવાનું જાહેરનામુ બહાર પાડતા આજે પોલીસે નવસારી અને વિજલપોર શહેરમાં દુકાનો બંધ કરાવી દીધી હતી. જેથી સવારે વસ્તુઓ લેવા માટે રસ્તા પર લોકોની અવર-જવર વધી ગઇ હતી.
કોરોના સંક્રમણને અટકાવવા અગાઉ મુખ્ય શહેરોમાં રાત્રી કરફ્યુ સાથે કેટલીક વસ્તુઓ નિયંત્રિત કરાઈ હતી. જોકે મુખ્યમંત્રીએ બેઠક બાદ અન્ય નાના શહેરો કે જ્યાં કોરોનાના કેસો વધી રહ્યા છે તેમાં પણ રાત્રી કરફ્યુ અમલમાં મુક્યો છે. આવશ્યક વસ્તુઓ સિવાયના બજારો બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. વલસાડમાં આશ્રયજનક રીતે બુધવારે વહેલી સવારે રેડીમેઈડ, મોબાઈલ, હાર્ડવેર સહિતની મહત્તમ દુકાનો ખુલતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. ખૂલેલી દુકાનોમાં પહોંચી દુકાનદારોને સમજાવી દુકાનો બંધ કરાવી હતી. માઈક દ્વારા એનાઉસમેન્ટ પણ કરાવ્યું હતું. જોકે કોઈપણ વિવાદ વગર પોલીસે કામ લીધું હતું. માત્ર આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો જ ખુલ્લી રહી હતી. બપોર બાદ શહેરના મહત્તમ માર્ગો સૂમસામ જોવા મળ્યા હતા.
શું દુકાનો બંધ કરાવવાથી કોરોના ભાગી જશે
બુધવારે સવારે વલસાડના સ્ટેડિયમ રોડ, એમ.જી.રોડ, બેચર રોડ, નાની ખત્રીવાડ, તિથલ રોડ, હાલર રોડ ઉપર બિનજરૂરિયાત વસ્તુની દુકાનો ખુલ્લી હતી. સવારથી જ વલસાડ પોલીસ એક્શન મૂડમાં હોય તેવું લાગી રહ્યું હતું. પોલીસે આ તમામ વિસ્તારોમાં જઈને દુકાનો બંધ કરાવી દીધી હતી. જેના કારણે વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. વેપારીઓ પણ જણાવ્યું હતું કે, અમે બપોર સુધી દુકાન ખુલ્લી રાખતા હોવા છતાં કોઈ ગ્રાહકો આવતા નથી. બપોર પછી દુકાનો બંધ કરી દઈએ છીએ, છતાં રોજના વલસાડ જિલ્લામાં ૧૦૦થી વઘુ કેસ આવી રહ્યા છે. વહીવટીતંત્ર કોરોના કેસ અટકાવવામાં નિષ્ફળ રહ્યું તે માટે પોલીસને આગળ કરીને વેપારીઓ પર રોષ ઠાલવી દુકાનો બંધ કરાવી રહ્યા છે. જો અમારી દુકાન બંધ કરાવવાથી કોરોના ભાગી જતો હોય તો પછી અમે દસ દિવસ નહી પણ એક મહિના સુધી દુકાન બંધ કરી દેશુ એવું વેપારીઓએ જણાવ્યું હતું.
નવસારી (Navsari) જિલ્લા અધિક કલેક્ટરે આવશ્યક સેવાઓ સિવાયના વેપાર-ધંધાઓ બંધ રાખવા માટે જાહેરનામુ બહાર પાડ્યુ હતુ. જેથી બુધવાર સવારથી જ નવસારી અને વિજલપોર શહેરમાં લોકો આવશ્યક વસ્તુઓની ખરીદી કરવા માટે નીકળી પડ્યા હતા. જોકે કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે નવસારી જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો મેદાનમાં ઉતર્યા હતા. નવસારી અને વિજલપોર શહેરમાં આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો સિવાયની તમામ દુકાનો, ધંધા-વેપારો બંધ કરાવ્યા હતા. સાથે જ પોલીસ વડાએ વેપારીઓ સહિત શહેરની જનતાને કોરોનાની ચેઇન તોડવા માટે સાથ સહકાર આપવા માટે અપીલ કરી હતી. અને કામ વગર બહાર નહી નીકળવા માટે વિનંતી કરી હતી.