વલસાડ: (Valsad) વલસાડ જિલ્લા અને શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા વલસાડ શાકભાજી માર્કેટ (Vegetable Market) 19 એપ્રિલથી અચોક્ક સમય સુધી બપોરે 2 વાગ્યા બાદ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડમાં કોરોનાના વધતા કેસોના પગલે વિવિધ વેપારી મંડળો દ્વારા સ્વૈચ્છીક રીતે બપોરે 2 વાગ્યા સુધી જ દુકાન ખુલ્લી રખાશે અને 2 વાગ્યા બાદ દુકાનો (Shop) બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે વલસાડ શાકભાજી માર્કેટના રાજુ પટેલ ઉર્ફે રાજુ મરચાં, આશિષ મનુભાઈ સહિતના વેપારીઓ સાથે સિટી પીઆઈ મોરીએ બેઠક કર્યા બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જ્યાં સુધી અન્ય સૂચના ન મળે અને કોરોના નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી માર્કેટમાં આવેલી તમામ નાની મોટી દુકાન તથા માર્કેટ બપોરે 2 વાગ્યા બાદ સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. ઉપરાંત એ પણ રજૂઆત થઈ હતી કે, શાકભાજી માર્કેટ બંધ કર્યા બાદ શહેરમાં બહારના લોકો કે અન્ય ફેરિયાઓ શાકભાજીનો ધંધો નહિ કરે. જે અંગે સિટી પીઆઈએ પાલિકા સીઓને જાણ કરી હોવાનું રાજુ મરચાંએ જણાવ્યું હતું.
નવસારીમાં સ્વૈસ્છિક બંધ દરમિયાન કેટલીક દુકાનો ચાલુ રહી: પ્રમુખે બંધ કરાવી
નવસારી : નવસારીમાં શનિવારે સવારે બંધ દરમિયાન કેટલીક દુકાનો ચાલું રહી હતી. જેથી પાલિકા પ્રમુખે શહેરમાં ફરીને તમામ દુકાનો બંધ કરાવી હતી. કોરોનાની ચેઇન તોડવા માટે નવસારી-વિજલપોર નગરપાલિકા અને નવસારી ડિસ્ટ્રીક્ટ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા શનિ અને રવિએ સ્વૈચ્છિક બંધ પાળવા માટે અપીલ કરાઈ હતી. ગત શનિ અને રવિવારે દુકાનો ચાલુ રાખી સ્વૈચ્છિક બંધનો ફિયાસ્કો થયો હતો. જોકે બપોર બાદ લોકોએ દુકાન બંધ કરી હતી. જ્યારે આ શનિ અને રવિવારે પણ સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ કરી હતી. જેથી આજે શનિવારે કેટલીક દુકાનો ચાલુ રહી હતી. જેથી નવસારી-વિજલપોર નગરપાલિકા પ્રમુખ જીગીશ શાહ શહેરમાં નીકળ્યા હતા અને દુકાનો બંધ કરવા માટે અપીલ કરતા દુકાનદારોએ દુકાનો બંધ કરી હતી.
દમણ : સંઘપ્રદેશ દા.ન.હ.-દમણમાં વધી રહેલા કોરોનાના કેસ જોતા પ્રશાસન દ્વારા બીજો આદેશ ન થાય ત્યાં સુધી પ્રદેશમાં વીકએન્ડ કરફ્યૂ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેમાં દર શુક્રવારે રાત્રે 8 થી સોમવારનાં રોજ સવારે 6 વાગ્યા સુધી અમલમાં મૂકાનાર કરફ્યૂનો સમગ્ર પ્રદેશવાસીઓએ સખ્ત પાલન કરવાનું રહેશે. શનિવારે સવારથી જ સમગ્ર દમણમાં સખત કરફ્યૂનો અમલ થઈ રહ્યો હોય એવું જોવા મળ્યું હતું. પ્રદેશનાં તમામ વિસ્તારોમાં રસ્તા ખાલીખમ જોવા મળ્યા હતા. મેડીકલની દુકાનો, દૂધ તથા અન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની દુકાન સિવાયના તમામ એકમો સંપૂર્ણ પણે બંધ હાલતમાં દ્રશ્યમાન થયા હતા.
દા.ન.હ.માં સજ્જડ બંધ, આજે પણ દુકાનો બંધ રહેશે
સેલવાસ: દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા શુક્રવારે રાત્રેથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન જાહેર કરાયું છે. શનિવારે રાત્રે કર્ફ્યુનો ભંગ કરી કામ વગર રખડતા લોકોને પોલીસે પકડી દંડ કર્યો હતો. દાદરા નગર હવેલીમાં શનિવારે જરૂરી સેવાઓની દુકાનો છોડી બાકીની તમામ દુકાનો બંધ રહી હતી. શુક્રવારે મોડી રાત્રી દરમ્યાન કેટલાક નબીરાઓ બાઇકને કાર લઈ ફરવા નીકળ્યા હતા. કિલવણી નાકા નજીક કામ વગર રખડતા અનેક લોકોને પોલીસનો પૂછપરછ કરતો વિડીયો વાયરલ થયો હતો. સેલવાસમાં કેસ વધતા હવે પોલીસ વિભાગે કડક હાથે કામ લેવાનુ શરું કર્યું છે. જે લોકો નોકરી કે બીજા અન્ય કામ અર્થે બહાર નીકળ્યા હતા તેવા લોકોને છોડી દેવાયા હતા.