વલસાડ: (Valsad) ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સિગારેટના (Cigarettes) હોલસેલ વિક્રેતાઓને ત્યાં વોચ રાખી સિગારેટ ચોરતા બે યુવકને વલસાડ એલસીબીએ વાપીથી સિગારેટના મોટા જથ્થા સાથે પકડી પાડ્યા હતા. આ બે યુવાન મોપેડ પર જ જે તે રાજ્યના શહેરમાં જતા અને સિગારેટના પેકેટની ચોરી કરતા હતા. જેમને એલસીબીએ સિગારેટ, મોપેડ અને મોબાઇલ મળી કુલ રૂ. 2.11 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.
- બાઇક પર ગુજરાત-કર્ણાટક સુધી જઇ માત્ર સિગારેટ ચોરતા બે પકડાયા
- પૂનાના બે યુવાન મોપેડ પર જ જે તે રાજ્યના શહેરમાં જતા અને સિગારેટના પેકેટની ચોરી કરતા
- એલસીબીએ સિગારેટ, મોપેડ અને મોબાઇલ મળી કુલ રૂપિયા 2.11 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ એલસીબી પીઆઇ વિજય બારડની ટીમે વાપીમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતુ. આ દરમિયાન તેમણે વલસાડ એએસઆઇ રાકેશ, મહેન્દ્ર અને રજનીકાંતની બાતમીના પગલે હાઇવે નં.48 પર નાકાબંધી હાથ ધરી હતી. દરમિયાન ત્યાંથી એક નંબર વિનાના મોપેડ પર મોટા થેલા લઇ જતા બે યુવાનને અટકાવ્યા હતા. તેમની પૂછતાછ કરતાં તેઓ આકાશ ભવરસીંગ ગુલાબસીંગ રાજપુત (ઉવ.20 રહે. પીપળી ચીંચવડ પુના) અને રોહન ઉર્ફે ધુમ પલંગે ભોંસલે (ઉવ.18 રહે. મંચર ગામ, આંબીગામ તાલુકો પુના) હોવાનું બહાર આવ્યું હતુ.
તેમની પાસેથી એલસીબીએ એક કાપડના થેલામાંથી સિગારેટના 524 પેકેટ કિ.રૂ. 55,767, બીજા થેલામાંથી સિગારેટના 620 પેકેટ કિ.રૂ.51,230 અને ત્રીજા થેલામાંથી સિગારેટના 443 પેકેટ કિ.રૂ. 47,780ના મળી સિગારેટના કુલ 1603 પેકેટ કિ.રૂ. 1,54,777 ની મળી આવી હતી. જેના કોઇ બિલ ન હતા. એલસીબીએ તેને પકડી તેની કડક પુછતાછ કરતાં તેઓ આ સિગારેટ ચોરીને લાવ્યા હોવાનું કબુલ્યું હતુ. જેના પગલે તેમણે તેમનું મોપેડ અને મોબાઇલ પણ કબજે લીધો હતો. આ બંનેને વાપી ટાઉન પોલીસ મથકે સોંપતા બંનેના વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોપેડ પર જ જઇને ચોરી કરતા હતા
સિગારેટ ચોરીમાં પકડાયેલા આકાશ અને રોહન બંને મોપેડ કે બાઇક પર જ ગુજરાત અને કર્ણાટક સુધી જતા હતા. ત્યાં તેઓ સ્થાનિક સાગરિતો સાથે ગલ્લા પર સિગારેટની ડિલિવરી આપવા આવતા ડિલર પાસેથી સિગારેટના મોટા મોટા બોક્સ ચોરી જતા હતા. આ સિવાય તેઓ હોલસેલરોને ત્યાં પણ રેકી કરી ત્યાંથી નજર ચૂકવી સિગારેટના મોટા બોક્સની ચોરી કરતા હતા.
ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સાગરિતો સાથે ચોરી કરી
આકાશ અને રોહને પુનાથી મોપેડ પર નાસિક, ગુજરાતના વાપી, સંઘપ્રદેશના દમણ અને કર્ણાટકમાં બેલગામમાં સિગારેટની ચોરી કરી હતી. આકાશે વાપીમાં તેના મિત્ર શંકર સાથે દિગમ્બર નાલવડે સાથે ચોરી કરી હતી. જ્યારે બેલગામમાં પ્રવિણ વેંકટેશ બાબુ તૈલીને સાથે રાખી ચોરી કરી હતી. આ સિવાય તેમણે દમણથી તેના મિત્ર હર્ષા દત્તા જાદવને સાથે રાખી ચોરી કરતા હતા.