વલસાડ શહેરમાંથી મોબ લિંચિંગની (Mob Linching in Valsad ) એક ઘટના સામે આવી છે. અહીં લોકોના ટોળાંએ એક મહિલાને ઢોર માર માર્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. ભીખ માંગતી આ મહિલા પર લોકોએ બાળક ચોરી કરવાનો આરોપ મુક્યો છે. હિંસક બનેલા ટોળાંથી મહિલાને પોલીસે બચાવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
આ ઘટના વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરિયા ગામની છે. મહિલા ઘરે ઘર જઈને ભીખ માગી રહી હતી. મહિલાની ઉંમર 50 વર્ષ છે. જ્યારે મહિલા ગામમાં ભીખ માગી રહી હતી તો ત્યાં ઉપસ્થિત લોકોએ મહિલાને બાળક ચોર કહીને પકડી લીધી અને મારી હતી. એ જ સમયે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસના જવાન ત્યાં પહોંચ્યા અને મહિલાને લોકોને પકડમાંથી છોડાવી. મહિલાને પોલીસે બચાવીને હૉસ્પિટલમાં દાખલ કરી હતી. તેની સારવાર ચાલી રહી છે. મહિલાને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહિલા નવસારીની રહેવાસી છે. તે ભીખ માગવા માટે વલસાડ આવી હતી. પોલીસે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થાય બાદ અજાણ્યા લોકો વિરુદ્વ મૉબ લિંચિંગનો કેસ દાખલ કર્યો છે. પોલીસ તપાસમાં લાગી છે.
પોલીસ વીડિયો દ્વારા આરોપીઓની ઓળખ કરવામાં લાગી છે જેમણે મહિલાને બાળક ચોર કહીને તેની સાથે મારામારી કરી. પોલીસનું કહેવું છે કે આ ઘટનામાં દોષીઓ પર ઉચિત કાર્યવાહી કરવામાં આવશે. એક રિપોર્ટ મુજબ નવસારીના કબીલપોર વિસ્તારમાં રહેતી 50 વર્ષીય રંજનબેન જોગી વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલા પરિયા ગામના માહ્યવંશી ફળિયામાં ઘરે ઘર જઈને ભીખ માગી રહી હતી. જે દરમિયાન જયેશભાઈ ઉર્ફે મહેશભાઇએ માહ્યવંશી ફળિયામાં રંજનબેન બાળક ચોરી કરવા માટે આવી હોવાનો આક્ષેપ સાથે રંજનબેનને પકડીને માર મારવાની શરૂઆત કરી હતી.
સ્થાનિક મહિલાઓ અને સ્થાનિક લોકોએ પણ રંજનબેનને બાળક ચોર સમજીને માર માર્યો હતો. ત્યારે પારડી પોલીસના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન લોકોનું ટોળું ભેગું થયેલું જોઈને ચેક કરતા લોકો મહિલાને બાળક ચોર સમજીને માર મારી રહ્યું છે. પોલીસે મહિલાને બચાવીને પ્રાથમિક સારવાર કરાવી. મહિલાની પૂછપરછ કરતા લોકોએ તેને બાળક ચોર સમજીને ખોટી રીતે માર માર્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે મહિલાના નવસારીના રહેણાંકના મકાનની તપાસ કરાવતા મહિલા સાચું બોલતી હોવાનું જાણવા મળતા રંજનબેનની NC ફરિયાદ નોંધી બાળક ચોરી કરવા આવી હોવાનો આક્ષેપ કરીને માર મારનારા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.